22 વર્ષીય યુવતીને કારની આગળની સીટ પર બેસાડીને જસપ્રીત સિંહે અનેકવાર અડપલાં કર્યા હતા, 5 મહિના માટે હોમ ડિટેન્શનની સજા ફટકારી અને પીડિતાને $10,000 ચૂકવવાનો આદેશ
ન્યૂઝીલેન્ડના ઑકલેન્ડ શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં 33 વર્ષીય ભારતીય મૂળના ઉબેર ડ્રાઈવર જસપ્રીત સિંહને (Jaspreet Singh) મોડી રાત્રે એક મહિલા પેસેન્જરની છેડતી અને શારીરિક અડપલાં (Indecent Assault) કરવાના ચાર ગુનામાં દોષિત ઠેરવીને સજા ફટકારવામાં આવી છે. ઑકલેન્ડ ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજ બ્રુક ગિબ્સને જસપ્રીત સિંહની વગર ગુનાએ છોડી મૂકવાની (Discharge without conviction) અરજીને ફગાવી દીધી હતી, જેના કારણે હવે તેના પર ન્યૂઝીલેન્ડમાંથી ડિપોર્ટ (દેશનિકાલ) થવાનું મોટું કાનૂની સંકટ તોળાઈ રહ્યું છે.
14 જુલાઈ 2024 ની એ ભયાનક રાતની ઘટના
કોર્ટમાં રજૂ કરાયેલી વિગતો અનુસાર, આ ઘટના 14 જુલાઈ 2024 ના રોજ મોડી રાત્રે અંદાજે 1:20 વાગ્યે બની હતી. ઓકલેન્ડના ગ્રે લિન (Grey Lynn) વિસ્તારમાંથી એક 22 વર્ષીય યુવતી ખૂબ જ રડતી અને પરેશાન હાલતમાં જસપ્રીતની ઉબેર કારની પાછળની સીટમાં બેસી હતી. તેને માઉન્ટ એડન સુધીનું માત્ર 4 મિનિટનું ટૂંકું અંતર કાપવાનું હતું.
યુવતીને પરેશાન જોઈને ડ્રાઈવર જસપ્રીતે તેને દિલાસો આપવાના બહાને આગળની સીટ પર આવીને બેસવા કહ્યું. યુવતી કોઈ ખોટો ઈરાદો શંકા વિના આગળ આવી ગઈ, પરંતુ તેનો સામાન પાછળની સીટ પર જ રહી ગયો. યુવતી આગળ બેસતા જ જસપ્રીતે કારના દરવાજા લોક કરી દીધા અને તેની સંમતિ વિના તેના સાથળ અને શરીરના અન્ય ભાગો પર હાથ ફેરવવાનું શરૂ કર્યું. યુવતીએ ના પાડી હોવા છતાં, તેણે પરાણે તેને ગળે લગાડી અને કિસ કરવાનો પ્રયાસ કર્યો. જે મુસાફરી 4 મિનિટમાં પૂરી થવી જોઈતી હતી, તેને જસપ્રીતે જાણીજોઈને 20 મિનિટ સુધી લંબાવી હતી.
‘DEVIL’ લખેલી નંબર પ્લેટ અને પીડિતાનો ભય
કોર્ટમાં પીડિતાએ રડતાં રડતાં પોતાનું નિવેદન વાંચ્યું હતું. તેણે જણાવ્યું કે, “જ્યારે કાર લોક હતી અને જસપ્રીત મારી સાથે અડપલાં કરી રહ્યો હતો, ત્યારે હું એટલી હલી ગઈ હતી કે મને લાગ્યું કે મારો રેપ થઈ જશે અથવા મને મારી નાખવામાં આવશે. મેં પોલીસ માટે પુરાવા છોડવા વિશે વિચારવાનું શરૂ કરી દીધું હતું કે હું મારા નખ તોડી નાખું અથવા વાળ ખેંચીને કારમાં લોહીના ડાઘા મૂકી દઉં.”
તેણે વધુમાં જણાવ્યું કે તે કારની નંબર પ્લેટ પર અંગ્રેજીમાં ‘DEVIL’ લખેલું હતું. પીડિતાએ કહ્યું, “હું ધાર્મિક નથી, પરંતુ એ ક્ષણે હું ભગવાનને પ્રાર્થના કરી રહી હતી કે ‘ડેવિલ’ લખેલી આ કાર મારું મોત ન બને અને હું મારા બોયફ્રેન્ડને ફરી ક્યારેય મળી ન શકું એવું ન થાય.” આ ઘટના બાદ યુવતી એટલી માનસિક આઘાતમાં સરી પડી હતી કે તેને ભારે પેનિક એટેક આવવા લાગ્યા હતા અને તેની પરીક્ષાઓ પણ બગડી હતી.
બે વાર ટ્રાયલ અને ન્યાય માટે લાંબી લડત
પીડિતા માટે ન્યાય મેળવવાનો રસ્તો સરળ નહોતો. 2025 માં ચાલેલી પ્રથમ ટ્રાયલ દરમિયાન જ્યુરી કોઈ ચોક્કસ નિર્ણય (Hung Jury) પર પહોંચી શકી નહોતી, જેનાથી પીડિતા ખૂબ જ ભાંગી પડી હતી. પરંતુ તેણે હિંમત ન હારી અને બીજીવાર ટ્રાયલની માંગ કરી. આખરે મે 2026 માં યોજાયેલી બીજી ટ્રાયલમાં જ્યુરીએ જસપ્રીત સિંહને છેડતીના તમામ 4 ગુનામાં દોષિત જાહેર કર્યો.
Deportationનો ખતરો
કોર્ટમાં જસપ્રીતના વકીલ એન્ડી વેઈએ દલીલ કરી હતી કે જસપ્રીતનો ન્યૂઝીલેન્ડમાં કોઈ ગુનાહિત ઈતિહાસ નથી અને તે ખૂબ જ મહેનતુ વ્યક્તિ છે. જો તેને દોષિત જાહેર કરવામાં આવશે, તો ઈમિગ્રેશન વિભાગ તેને ન્યૂઝીલેન્ડમાંથી ડિપોર્ટ કરી દેશે.
વકીલે વધુમાં જણાવ્યું કે, જસપ્રીતની પત્નીના વિઝા પણ તેના પર નિર્ભર હોવાથી તેની પત્ની અને ન્યૂઝીલેન્ડમાં જન્મેલા નાના બાળકને પણ ભારત જવું પડશે. ભારત ડ્યુઅલ સિટિઝનશિપ (બેવડી નાગરિકતા) આપતું ન હોવાથી ન્યૂઝીલેન્ડમાં જન્મેલા બાળકને ભારતમાં નાગરિકતાના રક્ષણ વિના રહેવું પડશે, જે તેમના પરિવાર માટે કાયમી નુકસાન સમાન હશે.
કોર્ટનો કડક આદેશ
જોકે, ક્રાઉન પ્રોસિક્યુટરે દલીલ કરી હતી કે આરોપીના પરિવારની સ્થિતિ પીડિતાને થયેલા ગંભીર માનસિક આઘાત અને ગુનાની ગંભીરતા કરતાં મોટી હોઈ શકે નહીં.
જજ બ્રુક ગિબ્સને આરોપી પ્રત્યે કોઈ નરમ વલણ દાખવવાનો ઇનકાર કર્યો હતો. જજે નોંધ્યું કે જસપ્રીતે કરેલા કૃત્યની માનસિક અસર પીડિતા પર લાંબા સમય સુધી રહેશે. કોર્ટે જસપ્રીત સિંહને દોષિત ઠેરવીને નીચે મુજબની સજા સંભળાવી છે:
- 5 મહિનાનું હોમ ડિટેન્શન (Home Detention): આરોપીએ આ સમયગાળા દરમિયાન ઘરમાં જ કેદ રહેવું પડશે અને ઇલેક્ટ્રોનિક મોનિટરિંગ હેઠળ રહેવું પડશે.
- $10,000 નો દંડ: પીડિતાને થયેલા ભાવનાત્મક અને માનસિક નુકસાનના વળતર રૂપે જસપ્રીતે આ રકમ ચૂકવવી પડશે.
દોષિત સાબિત થતાં જ હવે ન્યૂઝીલેન્ડ ઈમિગ્રેશન વિભાગ દ્વારા ટૂંક સમયમાં જસપ્રીત સિંહને ડિપોર્ટ કરવાની સત્તાવાર પ્રક્રિયા શરૂ કરવામાં આવી શકે છે.