અઠવાડિયામાં 100 કલાક કામ કરવાની ફરજ પાડી, સ્ટોરરૂમમાં સુવડાવ્યા અને અવાજ ઉઠાવવા પર ડિપોર્ટેશનની ધમકી આપી હોવાનો કોર્ટમાં દાવો

ન્યૂઝીલેન્ડના ફાંગારેઈ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ‘કોઈન સેવર’ (Coin Saver) બાર્ગેન સ્ટોર ચેઈનના પૂર્વ માલિક સ્નેહલ સુરેશ પટેલ અને તેમની કંપની ‘ઓશ એન્ટરપ્રાઇઝીસ’ (Osh Enterprises) સામે પરપ્રાંતીય મજૂરોના ગંભીર શોષણનો કેસ શરૂ થયો છે. કંપની સામે કામદારોના શોષણના 15 આરોપો મૂકવામાં આવ્યા છે, જ્યારે સ્નેહલ પટેલ પર વ્યક્તિગત રીતે ‘બ્લેકમેઈલિંગ’ (ડરાવી-ધમકાવીને પૈસા કઢાવવા કે ગુપ્ત રાખવા) નો એક વધારાનો ગંભીર ગુનો નોંધાયો છે.

સમગ્ર મામલો અને આક્ષેપો સરકારી વકીલ (Crown Prosecutor) ડેનેટ કોલે બિઝનેસ, ઇનોવેશન એન્ડ એમ્પ્લોયમેન્ટ મંત્રાલય (MBIE) વતી જજ પીટર ડેવી સમક્ષ ચોંકાવનારી વિગતો રજૂ કરી હતી. આરોપ મુજબ, સ્નેહલે 7 વર્ષના ગાળામાં પોતાના કર્મચારીઓને આશરે $1 મિલિયન (10 લાખ ડૉલર) કરતાં ઓછું વેતન ચૂકવ્યું હતું, તેમને અત્યંત દયનીય સ્થિતિમાં રાખ્યા હતા અને 2 કર્મચારીઓનો ગુપ્ત વીડિયો ઉતારીને તેમને બ્લેકમેઈલ કરવાનો પ્રયાસ કર્યો હતો.

  • 100 કલાક કામ અને કોઈ વેતન નહીં: કર્મચારીઓને સવારે 8 થી રાત્રે 8 વાગ્યા સુધી (અઠવાડિયાના સાતેય દિવસ) કામ કરવાની ફરજ પાડવામાં આવતી હતી. આ સિવાય દુકાન બંધ થયા પછી મોડી રાત્રે 2 વાગ્યા સુધી નવી દુકાનોના કન્સ્ટ્રક્શન (બાંધકામ) નું કામ પણ કોઈ પણ પ્રકારના વધારાના વેતન (Overtime) વગર કરાવવામાં આવતું હતું.
  • સ્ટોરરૂમમાં રહેઠાણ: વિઝા સ્પોન્સરશિપ મેળવવા માટે મજબૂર આ કામદારોને દુકાનના પાછળના ભાગે આવેલા નાના, બિનઆરોગ્યપ્રદ સ્ટોરરૂમમાં ગાદલા નાખીને સુવાની ફરજ પાડવામાં આવતી હતી. કેટલાક સ્ટોર્સમાં તો નહાવા માટે શાવરની પણ સગવડ નહોતી.
  • બાકી રકમ: મંત્રાલય (MBIE) ના અંદાજ મુજબ, ઓશ એન્ટરપ્રાઇઝીસ કંપનીએ કર્મચારીઓના બાકી પગારના $994,465 અને હોલિડે પે (રજાઓના પગાર) ના $301,649 ચૂકવ્યા નથી.

વિઝા કેન્સલ કરવાની અને વીડિયો વાયરલ કરવાની ધમકી: જ્યારે લેબર ડિપાર્ટમેન્ટે આ મામલે તપાસ શરૂ કરી, ત્યારે સ્નેહલ પટેલે કર્મચારીઓને અધિકારીઓ સાથે એકલા વાત કરવાની મનાઈ ફરમાવી દીધી હતી અને ખોટા ટાઈમશીટ સબમિટ કરવા દબાણ કર્યું હતું. આટલું જ નહીં, તપાસથી બચવા માટે સ્નેહલે એક પૂર્વ કર્મચારીનો અંગત (Intimate) વીડિયો ભારતીય સમુદાયમાં વાયરલ કરવાની ધમકી પણ આપી હતી. પોલીસ જ્યારે સ્નેહલના ઘરે સર્ચ વોરંટ સાથે પહોંચી ત્યારે ત્યાંથી મોટી માત્રામાં રોકડ રકમ મળી આવી હતી.

બચાવ પક્ષની દલીલ બીજી તરફ, સ્નેહલ પટેલના વકીલ બિલ નેબનીએ કોર્ટમાં ટૂંકું નિવેદન આપતાં જણાવ્યું હતું કે તમામ કામદારોને તેમના હકનું પૂરેપૂરું વેતન ચૂકવવામાં આવ્યું છે. વકીલે સ્વીકાર્યું કે અંગત રેકોર્ડિંગ અંગે પૂર્વ કર્મચારી સાથે વાતચીત થઈ હતી, પરંતુ સ્નેહલ પટેલે તેને ક્યારેય પણ જાહેરમાં રિલીઝ કે વાયરલ કરવાની કોઈ ધમકી આપી નહોતી. આ કેસની સુનાવણી હજી કોર્ટમાં ચાલુ છે.

આર્ટીકલ સાભાર : ઓરીજીનલ આર્ટિકલ NZ Herald