હિન્દુઓ અને અન્ય લઘુમતીઓ વિરુદ્ધ આપત્તિજનક ટિપ્પણી કર્યા બાદ પોલીસની મોટી કાર્યવાહી; તમાકીએ કહ્યું, “મારું હથિયાર લાયસન્સ રદ કરાયું”
ડેસ્ટિની ચર્ચના વિવાદાસ્પદ સ્થાપક બ્રાયન તમાકીએ દાવો કર્યો છે કે ન્યૂઝીલેન્ડ પોલીસે તેમની તમામ બંદૂકો જપ્ત કરી લીધી છે. મંગળવારે એક ફેસબુક પોસ્ટ દ્વારા તેમણે જણાવ્યું કે, તેમની જાણ બહાર બે દિવસ પહેલા જ તેમનું ફાયરઆર્મ્સ (હથિયાર) લાયસન્સ રદ કરી દેવામાં આવ્યું હતું અને પોલીસ અચાનક તેમના ઘરે હથિયારો લેવા પહોંચી ગઈ હતી.
તમાકીએ વિડીયોમાં જણાવ્યું કે તેઓ 35 વર્ષથી શિકાર કરી રહ્યા છે. તેમણે આ કાર્યવાહીને રાજકીય ગણાવતા કહ્યું:
“મને લાગે છે કે આ બધું માત્ર મારા દેશની રક્ષા કરવાના પ્રયાસ સાથે જોડાયેલું છે. મોટા પાયે થઈ રહેલા ઇમિગ્રેશન (સ્થળાંતર) વચ્ચે ન્યૂઝીલેન્ડને ન્યૂઝીલેન્ડ જ રાખવાના મારા પ્રયાસોનું આ પરિણામ છે.”
તેમણે ઉમેર્યું કે જો તેમણે વીકએન્ડ પર આ હથિયારોનો ઉપયોગ શિકાર માટે કર્યો હોત, તો તેઓ કાયદાકીય રીતે ગુનો કરત. તમાકીના મતે, પોલીસ કદાચ તેમને “ખતરનાક” સમજી રહી છે, તેથી જ તેઓ તેમના ઘરે આવીને તમામ રજિસ્ટર્ડ હથિયારો લઈ ગયા. આ વિડીયોમાં તેઓ પોલીસને એવું કહેતા પણ સંભળાય છે કે તેમની પાસે કદાચ એક વગર લાયસન્સની બંદૂક પણ છે.
વિવાદની શરૂઆત ક્યાંથી થઈ?
આ મહિનાની શરૂઆતમાં, બ્રાયન તમાકીએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર દક્ષિણ એશિયાઈ દેશમાં ખ્રિસ્તીઓને નિશાન બનાવવાનો આરોપ લગાવ્યો હતો. તમાકીએ દાવો કર્યો હતો કે, “તેઓ [મોદી] હાલમાં ભારતમાંથી તમામ ખ્રિસ્તીઓને હટાવી રહ્યા છે અને ચર્ચની ઇમારતોને સળગાવી રહ્યા છે.”
આ સાથે જ ટામાકીએ અત્યંત ઉશ્કેરણીજનક નિવેદન આપતા કહ્યું હતું કે, “આપણે પણ ન્યૂઝીલેન્ડમાં તેનો આવો જ જવાબ આપવો જોઈએ.” તેમણે ન્યૂઝીલેન્ડમાંથી હિન્દુ, શીખ અને મુસ્લિમોને હાંકી કાઢવા તેમજ મસ્જિદો અને મંદિરોનો નાશ કરવાનું સૂચન કર્યું હતું.
સરકાર અને પોલીસનું વલણ
ન્યૂઝીલેન્ડના વંશીય સમુદાયોના મંત્રી (Ethnic Communities Minister) માર્ક મિશેલે તમાકીની આ ટિપ્પણીઓને “એક ડરેલા ગુંડાની હરકત” ગણાવી હતી. મિશેલે મીડિયાને જણાવ્યું કે પોલીસ હ્યુમન રાઇટ્સ એક્ટ (માનવ અધિકાર કાયદા) હેઠળ ટામાકીના નિવેદનોની તપાસ કરી રહી છે.
બીજી તરફ, પોલીસે ભારતીય અને અન્ય માઇગ્રન્ટ લઘુમતી સમુદાયના નેતાઓને ખાતરી આપી છે કે તેમની સુરક્ષા અને સુખાકારી સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. પોલીસે જણાવ્યું કે આ મામલો કાયદાકીય મૂલ્યાંકન માટે મોકલવામાં આવ્યો છે અને કાયદા મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે. તમાકીના હથિયારો જપ્ત કરવા અંગે પોલીસે સત્તાવાર રીતે વધુ ટિપ્પણી કરવાનું બાકી છે.