કેટેગરી 2 ચક્રવાત શનિવાર રાતથી મચાવશે ધમાલ, મેટસર્વિસ (MetService) એ ચક્રવાત વૈઆનુના સંભવિત માર્ગની વિગતવાર માહિતી આપી, વાવાઝોડાની ‘આંખ’ (Eye) રવિવારે કોરોમંડલ અને બે ઓફ પ્લેન્ટી ઉપરથી પસાર થશે

વોર્નિંગ્સની વિગતો:

  • સ્ટ્રોંગ વિન્ડ વોર્નિંગ (રેડ): કોરોમંડલ અને ગ્રેટ બેરિયર આઇલેન્ડ – રવિવાર સવારે 5 થી સાંજે 6 સુધી.
  • હેવી રેઈન વોર્નિંગ (ઓરેન્જ): ઓકલેન્ડ અને ગ્રેટ બેરિયર આઇલેન્ડ – રવિવાર વહેલી સવારે 2 થી બપોરે 2 સુધી (12 કલાક).
  • સ્ટ્રોંગ વિન્ડ વોર્નિંગ (ઓરેન્જ): ઓકલેન્ડ – શનિવાર રાત્રે 9 થી રવિવાર સાંજે 4 સુધી (19 કલાક).
  • હેવી રેઈન વોચ: વાઈકાટો, બે ઓફ પ્લેન્ટી અને નોર્થલેન્ડના અનેક વિસ્તારોમાં અંદાજે 12 થી 16 કલાક સુધી વરસાદની શક્યતા.

મેટસર્વિસ (MetService) એ ચક્રવાત વૈઆનુના સંભવિત માર્ગની વિગતવાર માહિતી આપી છે. આ કેટેગરી 2 ચક્રવાત એક વિશાળ અને વિનાશક સિસ્ટમ હોવાની અપેક્ષા છે. શનિવાર સાંજથી ન્યુઝીલેન્ડના ફાર નોર્થ (Far North) વિસ્તારમાં તેની અસર જોવા મળશે, જ્યાં તેજ પવન, ભારે વરસાદ અને દરિયામાં ઉંચા મોજા ઉછળવાની શરૂઆત થશે. ત્યારબાદ રવિવાર સુધીમાં આ ચક્રવાત નોર્થ આઇલેન્ડમાં દક્ષિણ-પૂર્વ તરફ આગળ વધશે.

જીવન માટે જોખમી સાબિત થઈ શકે છે આ વાવાઝોડું

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વિનાશક પવન, અતિભારે વરસાદ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં પૂરનું મિશ્રણ આ ઘટનાને અત્યંત જોખમી બનાવે છે. ચક્રવાતના માર્ગને આધારે વીજળી ગુલ થવી, વૃક્ષો પડવા, ભૂસ્ખલન, રસ્તાઓ બંધ થવા અને સંપર્ક વિહોણા સમુદાયો જેવી ગંભીર અસરોની ચેતવણી આપવામાં આવી છે. જોકે ચક્રવાતની શ્રેણી ઘટાડવામાં આવી છે, પરંતુ તેની તીવ્રતા અને જોખમમાં કોઈ ઘટાડો થયો નથી.

કોરોમંડલ અને અન્ય વિસ્તારો માટે કડક સૂચનાઓ

મેટસર્વિસના હવામાનશાસ્ત્રી હિધર કીટ્સે જણાવ્યું છે કે વાવાઝોડાની ‘આંખ’ (Eye) રવિવારે કોરોમંડલ અને બે ઓફ પ્લેન્ટી ઉપરથી પસાર થશે, પરંતુ તેની કલાકો પહેલા જ ખરાબ હવામાન શરૂ થઈ જશે. કોરોમંડલ પેનિનસુલા અને ગ્રેટ બેરિયર આઇલેન્ડ માટે રવિવારે સવારે 5 થી સાંજે 6 વાગ્યા સુધી 13 કલાક માટે પવનની ‘રેડ વોર્નિંગ’ જારી કરવામાં આવી છે. અગાઉ આપવામાં આવેલી યલો વોર્નિંગને હવે અનેક વિસ્તારોમાં ઓરેન્જ વોર્નિંગમાં ફેરવવામાં આવી છે.

તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે તૈયારીઓ

નેશનલ ઇમરજન્સી મેનેજમેન્ટ એજન્સી (NEMA) ના ડાયરેક્ટર જોન પ્રાઇસે લોકોને સાવધ રહેવા અને બેદરકાર ન રહેવા અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે આ ચક્રવાત ઘણું ઝડપી અને નોંધપાત્ર હશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં 6 મીટરથી 8 મીટર જેટલા ઊંચા મોજા ઉછળવાની શક્યતા છે. આ ચક્રવાતની સરખામણી 2017 ના ચક્રવાત કૂક (Cyclone Cook) સાથે કરવામાં આવી રહી છે.

દરિયાઈ વાહનો અને બોટ માલિકોને સાવચેતીની સલાહ

ઓકલેન્ડ હાર્બર માસ્ટર એન્ડ્રુ હેયટને બોટ માલિકોને વિશેષ તકેદારી રાખવા જણાવ્યું છે. ઓકલેન્ડ પ્રદેશમાં આશરે 3500 બોટો જે રસ્સીથી બાંધેલી છે, તેમને સૌથી વધુ જોખમ છે. માલિકોને શનિવાર સુધીમાં પોતાની બોટો સુરક્ષિત સ્થળે ખસેડવા અથવા તેને મજબૂત રીતે બાંધી દેવા સૂચના આપવામાં આવી છે. મોટી કોમર્શિયલ શિપ્સના એન્ટ્રી શેડ્યૂલ પણ સોમવાર સુધી મોકૂફ રાખવામાં આવ્યા છે.