ઇન્દિરા ગાંધીના હત્યારાનો ભત્રીજો બલતેજ સિંહ નામ છુપાવવાનો કેસ હાર્યો, ન્યુઝીલેન્ડમાં અત્યાર સુધીના સૌથી મોટા મેથામ્ફેટામાઇન (Meth) રેકેટનો માસ્ટરમાઇન્ડ જાહેર

‘નમસ્કાર ગુજરાત ન્યૂઝ’ ઓકલેન્ડ : ન્યુઝીલેન્ડમાં અત્યાર સુધીના સૌથી મોટા ડ્રગ્સ સ્મગલિંગ કેસમાં દોષિત ઠરેલા બલતેજ સિંહની ઓળખ પરથી વર્ષો જૂનો પડદો ઉંચકાયો છે. બલતેજ સિંહ 1984માં ભારતના પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા કરનાર બોડીગાર્ડ સતવંત સિંહનો ભત્રીજો છે. કોર્ટના દસ્તાવેજો મુજબ, તેના પિતાએ સ્વીકાર્યું હતું કે આ હત્યાકાંડ બાદ તેમનો પરિવાર વિશ્વભરમાં “કુખ્યાત” બન્યો હતો અને તેમને સતત ધમકીઓ મળતી હતી.

નામ છુપાવવા માટેની કાનૂની લડાઈ

શરૂઆતમાં હાઈકોર્ટે બલતેજ સિંહનું નામ ગુપ્ત રાખવા (Name Suppression) મંજૂરી આપી હતી. જસ્ટિસ કિરી તાહાનાએ જણાવ્યું હતું કે શિખ કાર્યકર્તાઓ પ્રત્યે વધતા આંતરરાષ્ટ્રીય તણાવને જોતા તેના પરિવારની સુરક્ષા જોખમમાં મુકાઈ શકે છે. જોકે, સરકારી વકીલોએ આની સામે અપીલ કરી હતી. ‘કોર્ટ ઓફ અપીલે’ અંતે ચુકાદો આપ્યો કે આટલા મોટા પાયે થયેલા ગુનામાં પારદર્શિતા વધુ મહત્વની છે, અને બલતેજનું નામ પહેલેથી જ આંતરરાષ્ટ્રીય મીડિયામાં આવી ચૂક્યું હોવાથી તેને છુપાવવાનો કોઈ અર્થ નથી.

સ્મગલિંગની અદ્યતન પદ્ધતિ: બીયર અને કોકોનટ વોટરમાં ડ્રગ્સ

તપાસમાં બહાર આવ્યું છે કે આ ઓપરેશન અત્યંત વ્યવસ્થિત હતું. ડ્રગ્સને કાયદેસરની આયાતના ઓથા હેઠળ છુપાવવામાં આવતું હતું:

  • વસ્તુઓ: હની બેર (Honey Bear) બીયરના કેન, કોકોનટ વોટર અને કોમ્બુચાની બોટલો.
  • સ્વરૂપ: મેથામ્ફેટામાઇન અને એફેડ્રિનને પ્રવાહી સ્વરૂપે આ પીણાંઓમાં ઓગાળી દેવામાં આવતું હતું.
  • રૂટ: આ શિપમેન્ટ્સ નવી દિલ્હી, દુબઈ, ટોરોન્ટો અને અમેરિકાથી ઓકલેન્ડ પહોંચતા હતા.

એક નિર્દોષ યુવાનનું કરુણ મોત

આ કેસમાં સૌથી દુખદ વળાંક ત્યારે આવ્યો જ્યારે 21 વર્ષીય એડન સાગાલા (Aidan Sagala) નું મોત થયું. એડન ક્યારેય ડ્રગ્સ લેતો નહોતો, પરંતુ તેને તેના મિત્ર અને બલતેજના સાથીદાર હિમતજીત ‘જીમી’ સિંહ ખલોન દ્વારા ડ્રગ્સ મિશ્રિત બીયર આપવામાં આવી હતી. એડનના શરીરમાં મેથનું પ્રમાણ એટલું ઊંચું હતું કે ડોક્ટરો પણ ચોંકી ગયા હતા. આ ગુના બદલ ખલોનને ‘મેનસ્લોટર’ (સાપરાધ મનુષ્યવધ) માટે 21 વર્ષની જેલની સજા થઈ છે.

ધરપકડ અને સજા

બલતેજ સિંહ જ્યારે ઓકલેન્ડ એરપોર્ટ પરથી દુબઈ ભાગવાની ફિરાકમાં હતો ત્યારે તેની ધરપકડ કરવામાં આવી હતી. તેની બેગમાંથી $10,000 રોકડા મળી આવ્યા હતા. કોર્ટમાં બલતેજે દલીલ કરી હતી કે તેને વિદેશી જૂથો દ્વારા દબાણ કરીને આ કામમાં લગાડવામાં આવ્યો હતો, પરંતુ જસ્ટિસે આ દલીલ ફગાવી દીધી હતી.

જસ્ટિસ તાહાનાએ નોંધ્યું કે જો આ 700 કિલો ડ્રગ્સ સમાજમાં વહેંચાયું હોત, તો તેના પરિણામો અત્યંત વિનાશક હોત. ડિટેક્ટિવ ઇન્સ્પેક્ટર ગ્લેન બાલ્ડવિને કહ્યું, “આ ડ્રગ્સ માફિયાઓ માટે મોટો ફટકો છે, પરંતુ આ આખી તપાસના કેન્દ્રમાં એડન સાગાલાના મોતની કરૂણાંતિકા હંમેશા રહેશે.”