આદિત્ય બિરલા ગ્રુપ, ટાઇમ્સ ગ્રુપ, બ્લેકસ્ટોન અને બોલ્ટ વેન્ચર્સના કન્સોર્ટિયમે મળીને RCBને ખરીદી, પુરુષ ટીમની સાથે મહિલા ટીમ (WPL) નો પણ ડીલમાં સમાવેશ

RCBને કન્સોર્ટિયમે 16,706 કરોડમાં ખરીદી, નવા મેનેજમેન્ટની જાહેરાત: આર્યમન બિરલા બનશે ચેરમેન

આઈપીએલની સૌથી લોકપ્રિય ટીમોમાંની એક અને વર્તમાન ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) હવે નવા માલિકોના હાથમાં ગઈ છે. આદિત્ય બિરલા ગ્રુપ, ટાઇમ્સ ગ્રુપ, બ્લેકસ્ટોન અને બોલ્ટ વેન્ચર્સના કન્સોર્ટિયમે મળીને આ ટીમને આશરે 1.78 બિલિયન ડોલર (લગભગ 16,706 કરોડ રૂપિયા) માં ખરીદી લીધી છે. આ સોદો યુનાઈટેડ સ્પિરિટ્સ લિમિટેડ (ડાયજિયોની પેટાકંપની) સાથે થયો છે, જેમાં ટીમની 100% હિસ્સેદારી ટ્રાન્સફર કરવામાં આવશે. આ ડીલમાં પુરુષ ટીમની સાથે મહિલા ટીમ (WPL) નો પણ સમાવેશ થાય છે.

નવા મેનેજમેન્ટની જાહેરાત: આર્યમન બિરલા બનશે ચેરમેન

આ નવી માલિકી હેઠળ ટીમનું સુકાન યુવા હાથોમાં સોંપવામાં આવ્યું છે. આદિત્ય બિરલા ગ્રુપના આર્યમન વિક્રમ બિરલા ટીમના નવા ચેરમેન તરીકે કાર્યભાર સંભાળશે. જ્યારે ટાઇમ્સ ગ્રુપના સત્યાન ગજવાની વાઈસ ચેરમેન હશે. આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન કુમાર મંગલમ બિરલાએ આ અંગે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આઈપીએલે છેલ્લા 20 વર્ષમાં ક્રિકેટનું સ્વરૂપ બદલી નાખ્યું છે અને આરસીબી જેવી શક્તિશાળી બ્રાન્ડ સાથે જોડાવું એ તેમના માટે ગર્વની વાત છે.

એક જ દિવસમાં બે મોટી ટીમોના માલિક બદલાયા

આરસીબીના આ સોદા પહેલા જ દિવસે રાજસ્થાન રોયલ્સ (RR) ટીમના માલિકી હક પણ બદલાયા હતા. રાજસ્થાન રોયલ્સને અમેરિકન બિઝનેસમેન કાલ સોમાનીએ આશરે 13,600 કરોડ રૂપિયા (1.63 બિલિયન ડોલર) માં ખરીદી લીધી છે. આમ, આઈપીએલના ઈતિહાસમાં 24 માર્ચ 2026નો દિવસ ખૂબ જ મહત્વનો સાબિત થયો છે, કારણ કે એક જ દિવસે બે મોટી ફ્રેન્ચાઈઝીના માલિક બદલાયા છે.

ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે મેદાનમાં ઉતરશે RCB

નોંધનીય છે કે આરસીબીની ટીમ આ વખતે ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે મેદાનમાં ઉતરવાની છે. ગયા વર્ષે વિરાટ કોહલીની આ ટીમે પંજાબ કિંગ્સને હરાવીને પ્રથમ વખત આઈપીએલનો ખિતાબ જીત્યો હતો. ટીમની લોકપ્રિયતા અને તેના વફાદાર ચાહકોને કારણે નવા માલિકો તેને વૈશ્વિક સ્પોર્ટ્સ બ્રાન્ડ બનાવવા માંગે છે. જોકે, આ ડીલને હજુ બીસીસીઆઈ (BCCI) અને કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI) ની અંતિમ મંજૂરી મળવાની બાકી છે.