ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના ભવિષ્યના સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન આપવા મૈત્રી મેચનું આયોજન, અમદાવાદના SGVP ગુરુકુલ મેદાન પર યોજાઇ T10 મેચ






‘નમસ્કાર ગુજરાત’ ન્યૂઝ. અમદાવાદ. ગુજરાતના અમદાવાદના SGVP ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આજે ગુજરાત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એક વિશેષ મૈત્રીપૂર્ણ ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. રમતગમત ક્ષેત્રે બંને દેશોના સહયોગ અને ભવિષ્યના સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન આપવા માટે રમાયેલી આ મેચમાં રમતગમતનો ઉત્સાહ ચરમસીમાએ જોવા મળ્યો હતો. આ કાર્યક્રમમાં રાજ્યના મંત્રીઓ, ઉચ્ચ સનદી અધિકારીઓ અને ઓસ્ટ્રેલિયાના પ્રતિનિધિઓની હાજરીએ આ મૈત્રીપૂર્ણ મેચને યાદગાર બનાવી દીધી હતી.
બેટિંગમાં હર્ષ સંઘવીનો જાદુ: ચોગ્ગા-છગ્ગાની રમઝટ
મેચ દરમિયાન સૌથી મોટું આકર્ષણ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની બેટિંગ રહી હતી. હર્ષ સંઘવીએ મેદાનના ચારેય ખૂણે ચોગ્ગા અને છગ્ગાની જે રીતે ફટકાબાજી કરી, તેણે હાજર રહેલા તમામ મહેમાનો અને પ્રેક્ષકોને સુખદ આશ્ચર્યમાં મૂકી દીધા હતા. તેમની શાનદાર બેટિંગ જોઈને સામે પક્ષે રહેલા ઓસ્ટ્રેલિયાના હાઈ કમિશનર ફિલિપ ગ્રીન પણ પ્રભાવિત થયા હતા. બેટિંગ બાદ બંને મહાનુભાવો વચ્ચે મેદાન પર થયેલો સંવાદ રમતગમતની સાચી ભાવના પ્રદર્શિત કરતો હતો.
દિગ્ગજ મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિ
આ ખાસ મેચમાં રાજ્ય સરકારના અનેક મંત્રીઓએ હાજરી આપી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. જેમાં રાજ્યકક્ષાના મંત્રીઓ જયરામભાઈ ગામીત, પ્રવીણભાઈ માળી અને કૌશિકભાઈ વેકરિયાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, પ્રશાસનિક સ્તરેથી ગુજરાતના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) કે.એલ.એન. રાવ, આઈએએસ આલોક કુમાર પાંડે, હરિત શુક્લા અને વિદેહ ખરે જેવા ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી હાઈ કમિશનર ફિલિપ ગ્રીને તેમની ટીમનું નેતૃત્વ કર્યું હતું.
સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મૈત્રીપૂર્ણ સંબંધો
આ મેચ માત્ર મનોરંજન માટે જ નહીં, પરંતુ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમતગમતના ક્ષેત્રમાં વધી રહેલા સહયોગના પ્રતીક રૂપે રમાઈ હતી. અમદાવાદ જે રીતે 2030 કોમનવેલ્થ ગેમ્સ અને ભવિષ્યના ઓલિમ્પિક્સ માટે તૈયાર થઈ રહ્યું છે, તેમાં ઓસ્ટ્રેલિયાનો અનુભવ અને ગુજરાતની કાર્યક્ષમતાનો સમન્વય જોવા મળી રહ્યો છે. મેચના અંતે બંને ટીમોએ એકબીજાનું અભિવાદન કર્યું હતું અને રમતગમત ક્ષેત્રે બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.