લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને ‘વાસણો વગાડી’ પોતાનો વિરોધ નોંધાવ્યો, હવાના જેવા મોટા શહેરોમાં વીજળી ન હોવાથી વોટર પમ્પિંગ સ્ટેશનો બંધ

ન્યૂ જર્સીથી વરિષ્ઠ પત્રકાર સમીર શુક્લનો વિશેષ અહેવાલ : કેરેબિયન દેશ ક્યુબા અત્યારે ઇતિહાસના સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. 16 March 2026, સોમવારનો દિવસ આખા દેશની નેશનલ વીજળી ગ્રીડ ધરાશાયી થતાં કરોડો લોકો અંધકારમાં ડૂબી ગયા છે. રાજધાની હવાના સહિતના શહેરોમાં સ્થિતિ એટલી ગંભીર છે કે રસ્તાઓ પર માત્ર હેડલાઇટ અને બેટરીના આછા પ્રકાશ સિવાય કંઈ દેખાતું નથી.

⚡ ગ્રીડ ફેલ થવાનું મુખ્ય કારણ શું?
ક્યુબાની વીજળી પ્રણાલી અત્યંત જૂની થઈ ગઈ છે. ઉપરાંત, અમેરિકા દ્વારા તેલના શિપમેન્ટ પર લાદવામાં આવેલા પ્રતિબંધોને કારણે દેશમાં ઈંધણની ભારે અછત સર્જાઈ છે. અગાઉ વેનેઝુએલા ક્યુબાને દરરોજ 35,000 બેરલ તેલ મોકલતું હતું, પરંતુ જાન્યુઆરીમાં રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની અટકાયત અને અમેરિકી દબાણ બાદ આ પુરવઠો સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે.

“અમે ખાલી હાથે અને અંધારામાં છીએ” – સ્થાનિકોનો આક્રોશ
વીજળી ગુલ થવાને કારણે પાણીના પંપ બંધ પડ્યા છે, પીવાના પાણીની સખત તંગી સર્જાઈ છે. લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને ‘વાસણો વગાડી’ પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે. હવાના જેવા મોટા શહેરોમાં વીજળી ન હોવાથી વોટર પમ્પિંગ સ્ટેશનો બંધ છે. લાખો લોકો અત્યારે પીવાના પાણી માટે ટેન્કરો અથવા વરસાદી પાણી પર નિર્ભર બન્યા છે.

​સ્થિતી એવી છે કે અહીં વીજળી નથી, પાણી નથી, ખોરાક નથી અને મોંઘવારી આસમાને છે. અસંખ્ય લોકો નરક જેવી જિંદગી જીવી રહ્યાં છે. આટલી ગંભીર પરિસ્થિતિઓ વચ્ચે અમેરિકાના પ્રેસિડેન્ટ ર્ડોનાલ્ડ ટ્રમ્પે વિવાદાસ્પદ નિવેદન કરતા કહ્યું કે : “હું ક્યુબાને કબજે કરી શકું છું”

ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં પત્રકારો સાથે વાત કરતા કહ્યું:

“ક્યુબા અત્યારે અત્યંત નબળો દેશ છે. હું તેને આઝાદ કરું કે તેના પર કબજો કરું, હું જે ઈચ્છું તે કરી શકું છું. તે મારો અધિકાર છે.”

ટ્રમ્પે ક્યુબાને ‘ફ્રેન્ડલી ટેકઓવર’ અથવા ‘ડીલ’ કરવાની ધમકી આપી છે, અન્યથા ગંભીર પરિણામો ભોગવવા તૈયાર રહેવા જણાવ્યું છે.

એકતરફ તણાવ છે, તો બીજી તરફ સમાધાનની આશા પણ છે. ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે કહ્યું કે તેઓ અમેરિકા સાથે વાતચીત કરી રહ્યા છે. સદ્દભાવનાના પ્રતીક રૂપે ક્યુબાએ 51 કેદીઓને મુક્ત પણ કર્યા છે.

ક્યુબાની હાલત એક નજરે:

  • વીજળી: ગ્રીડ ફેલ થતા અંધારપટ
  • પાણી: પંપ ન ચાલતા પાણીની અછત
  • પર્યટન: ફ્લાઈટ્સ રદ થતા પ્રવાસન ઉદ્યોગને મોટો ફટકો
  • ખોરાક: ટ્રાન્સપોર્ટ મોંઘુ થતા જીવનજરૂરી વસ્તુઓના ભાવમાં તોતિંગ વધારો

ક્યુબા સરકાર હવે સ્થાનિક ક્રૂડ ઓઈલ અને સોલર એનર્જી પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, પરંતુ જનતાનો આક્રોશ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. જો આગામી થોડા દિવસોમાં ઈંધણનું નવું શિપમેન્ટ નહીં આવે, તો ક્યુબામાં મોટું જન-આંદોલન ફાટી નીકળવાની શક્યતા છે. અમેરિકા આ તકનો લાભ લઈ ક્યુબામાં મોટું શાસન પરિવર્તન લાવવા દબાણ કરી શકે છે.