માઉન્ટ રોસ્કીલ બાદ હવે પાપાટોઈટોઈમાં બાયોસિક્યોરિટી એલર્ટ, જાન્યુઆરીમાં મળેલી ક્વીન્સલેન્ડ ફ્રુટ ફ્લાય બાદ હવે ઓરિએન્ટલ ફ્રુટ ફ્લાય દેખાતા તંત્ર હરકતમાં: બાગાયત ઉદ્યોગ પર જોખમ
ઓકલેન્ડ: ન્યુઝીલેન્ડના બાગાયત ઉદ્યોગ માટે ફરી એકવાર ચિંતાના સમાચાર સામે આવ્યા છે. સાઉથ ઓકલેન્ડના પાપાટોઈટોઈ (Papatoetoe) વિસ્તારમાં દેખરેખ માટે મુકાયેલા એક ટ્રેપમાં ‘ઓરિએન્ટલ ફ્રુટ ફ્લાય’ મળી આવતા બાયોસિક્યોરિટી વિભાગે તાત્કાલિક અસરથી ઓપરેશન શરૂ કર્યું છે. આ ઘટના ત્યારે બની છે જ્યારે હજુ ગયા અઠવાડિયે જ તંત્રએ માઉન્ટ રોસ્કીલ વિસ્તારમાં છ અઠવાડિયા સુધી ચાલેલા સફળ ઓપરેશન બાદ રાહતનો શ્વાસ લીધો હતો.
જાન્યુઆરી 2026માં માઉન્ટ રોસ્કીલમાં ‘ક્વીન્સલેન્ડ ફ્રુટ ફ્લાય’ મળી આવ્યા બાદ તંત્રએ 230 કિલોગ્રામથી વધુ ફળોની તપાસ કરી હતી અને સઘન પ્રયાસો બાદ તે વિસ્તારને સુરક્ષિત જાહેર કર્યો હતો. જોકે, પાપાટોઈટોઈ (Papatoetoe)માં મળેલી આ નવી માખી તે અગાઉના કેસ કરતા અલગ છે, જેનો અર્થ છે કે બાયોસિક્યોરિટી વિભાગે ફરીથી શૂન્યથી તપાસ શરૂ કરવી પડશે.
બાયોસિક્યોરિટી કમિશનર માઈક ઈંગ્લિસે આ બાબતે ગંભીરતા દર્શાવતા જણાવ્યું છે કે, પાપાટોઈટોઈ(Papatoetoe)ના જે ચોક્કસ વિસ્તારમાં આ જીવાત મળી છે, ત્યાં હવે ફળો અને શાકભાજીની હેરફેર પર કાયદેસરના પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. સ્થાનિક રહીશોને ખાસ અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાના બગીચા કે ઘરના તાજા ફળો અને શાકભાજી પ્રોપર્ટીની બહાર ન લઈ જાય. આવતીકાલથી જ તપાસ ટુકડીઓ ઘરે-ઘરે જઈને નિરીક્ષણ શરૂ કરશે અને વધારાના ટ્રેપ ગોઠવશે.
જોકે આ માખીઓથી માનવ સ્વાસ્થ્યને કોઈ જોખમ નથી, પરંતુ ન્યુઝીલેન્ડના અબજો ડોલરના નિકાસ ઉદ્યોગ માટે તે મોટું આર્થિક જોખમ ઊભું કરી શકે છે. 1996થી અત્યાર સુધીમાં ઓકલેન્ડ અને નોર્થલેન્ડમાં કુલ 15 વખત આવી જીવાતોના આક્રમણને સફળતાપૂર્વક ડામી દેવામાં આવ્યું છે. તંત્રને આશા છે કે 8000 જેટલા ટ્રેપના મજબૂત નેટવર્ક અને સ્થાનિક સમુદાયના સહકારથી આ વખતે પણ ખતરાને વહેલી તકે ટાળી શકાશે. જો કોઈને શંકાસ્પદ જીવાત દેખાય તો તુરંત જ 0800 80 99 66 પર સંપર્ક કરવા જણાવાયું છે.