‘હર હર મહાદેવ’ના નાદથી ગુંજી ઉઠ્યો ટોટારા ઇવેન્ટ હોલ, શિવ મહોત્સવમાં સમુદાયના સભ્યોએ મોટી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લીધો
નમસ્કાર ગુજરાત ન્યૂઝ. ઓકલેન્ડ
ન્યુઝીલેન્ડના ઓકલેન્ડ ખાતે વસતા બ્રહ્મ સમાજ દ્વારા મહાશિવરાત્રીના પવિત્ર પર્વ નિમિત્તે ટોટારા ઇવેન્ટ હોલ (Totara Event Hall) ખાતે શિવપૂજનના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આધ્યાત્મિક મહોત્સવમાં સમુદાયના સભ્યોએ મોટી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
વૈદિક મંત્રોચ્ચાર અને શિવ ભક્તિનો સંગમ
કાર્યક્રમની શરૂઆત શિવભક્તો દ્વારા કરવામાં આવેલા “હર હર મહાદેવ” ના ગગનભેદી નાદ સાથે થઈ હતી, જેનાથી સમગ્ર હોલનું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. પવિત્ર શિવ પૂજાનું વિધિવત સંચાલન નીરજભાઈ શાસ્ત્રી દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે અત્યંત સ્પષ્ટતા અને શ્રદ્ધાપૂર્વક વૈદિક મંત્રોચ્ચાર સાથે ભાવિકોને દરેક પૂજાવિધિ કરાવી હતી.















આધ્યાત્મિક સમજણ અને પૂજનવિધિ
શાસ્ત્રીજીએ ઉપસ્થિત ભાવિકોને કળશ પૂજાનું મહત્વ સમજાવ્યું હતું. ત્યારબાદ શિવ શોડષોપચાર પૂજન, આરતી અને પ્રસાદ વિતરણ સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું. શાસ્ત્રીજીના ઊંડા જ્ઞાન અને માર્ગદર્શન હેઠળ થયેલા પૂજનથી ભક્તોમાં આધ્યાત્મિક ચેતનાનો સંચાર થયો હતો.
સામાજિક એકતા અને ફરાળી પ્રસાદ
આ આખા કાર્યક્રમનું આયોજન અત્યંત સુવ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું હતું, જે બ્રહ્મ સમાજના સભ્યોની એકતા અને સમર્પણ દર્શાવતું હતું. ઉપવાસ કરનારા તમામ ભક્તો માટે ખાસ ફરાળી ભોજન (પ્રસાદ) ની વ્યવસ્થા કરવામાં આવી હતી, જ્યાં સૌએ સાથે મળીને પ્રસાદ ગ્રહણ કર્યો હતો. પ્રસાદના દાતા તરીકે દિવ્યાંગભાઇ (સ્વાગત રેસ્ટોરન્ટવાળા) આગળ આવ્યા હતા.
બ્રહ્મ સમાજનું ભાવિ વિઝન
કાર્યક્રમના અંતે એક વિશેષ સંદેશ દ્વારા સમાજના સભ્યોને નીચે મુજબની બાબતો પર ભાર મૂકવા વિનંતી કરવામાં આવી હતી:
બ્રાહ્મણ એકતા: ન્યુઝીલેન્ડમાં વસતા તમામ બ્રાહ્મણો વચ્ચે એકતા મજબૂત કરવા પર ભાર મૂકાયો હતો અને સંગઠનને વધુ મજબૂત કરવા માટે આહવાન કરાયું હતું. અંદાજે 100થી 125 બ્રાહ્મણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.
નવા પ્રવાસીઓને ટેકો: ન્યુઝીલેન્ડમાં આવતા નવા બ્રાહ્મણ ભાઈ-બહેનોને મદદરૂપ થવું અને તેમને પ્રોત્સાહિત કરવા.
સાંસ્કૃતિક વારસો: આપણી સમૃદ્ધ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વિરાસતને જાળવી રાખી નવી પેઢી સુધી પહોંચાડવી.
ભવિષ્યના આયોજન: આગામી સમયમાં વધુ ને વધુ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોનું આયોજન કરવું. જેમાં પરશુરામ જયંતિ અને રક્ષાબંધન સહિત દિવાળી જેવા મહત્વના તહેવારોમાં કાર્યક્રમનું આયોજન કરવા પર વિચારણા કરાઇ હતી. મહાશિવરાત્રીની આ ઉજવણી માત્ર એક ધાર્મિક વિધિ નહીં, પરંતુ એકતા અને શ્રદ્ધાનો સુંદર અનુભવ બની રહી હતી.