ભારતે પાકિસ્તાનને હરાવી સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો, વેદાંત ત્રિવેદીની શાનદાર અડધી સદી અને બોલરોના તરખાટ સામે પાકિસ્તાની ટીમ 194 રનમાં ઓલઆઉટ

બુલાવાયો (ઝિમ્બાબ્વે): આઈસીસી મેન્સ અન્ડર-19 વર્લ્ડ કપ 2026 માં ભારતીય યુવા ટીમે કટ્ટર હરીફ પાકિસ્તાનને 58 રને હરાવીને સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. સુપર-સિક્સના આ મહત્વપૂર્ણ મુકાબલામાં ભારતે આપેલા 253 રનના લક્ષ્યાંક સામે પાકિસ્તાની ટીમ 46.2 ઓવરમાં માત્ર 194 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ જીત સાથે જ ભારતે પાકિસ્તાનને વર્લ્ડ કપની રેસમાંથી બહાર કરી દીધું છે. હવે ભારત 4 ફેબ્રુઆરીના રોજ હરારેમાં અફઘાનિસ્તાન સામે બીજી સેમીફાઈનલ રમશે.
ભારતીય ટીમની બેટિંગની વાત કરીએ તો, ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ભારતે 49.5 ઓવરમાં 252 રન બનાવ્યા હતા. ભારતની શરૂઆત ડામાડોળ રહી હતી અને એક સમયે 47 રનમાં જ 3 વિકેટ પડી ગઈ હતી. જોકે, વેદાંત ત્રિવેદીએ 98 બોલમાં 68 રનની અત્યંત મહત્ત્વની ઇનિંગ રમીને દાવને સંભાળ્યો હતો. તેને વિહાન મલ્હોત્રા (21) અને કનિષ્ક ચૌહાણ (35) નો સારો સાથ મળ્યો હતો. પાકિસ્તાન તરફથી અબ્દુલ સુભાન સૌથી સફળ બોલર રહ્યો હતો, જેણે 3 વિકેટ ઝડપી હતી.
લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાની ટીમની શરૂઆત પણ નબળી રહી હતી. સલામી બેટ્સમેન ઉસ્માન ખાને 66 રન અને હમઝા ઝહુરે 42 રન બનાવીને લડત આપવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભારતીય બોલરોએ સમયાંતરે વિકેટો ઝડપીને પાકિસ્તાનને દબાણમાં રાખ્યું હતું. ભારત તરફથી ખિલાન પટેલ અને કેપ્ટન આયુષ મ્હાત્રેએ શાનદાર બોલિંગ કરતા 3-3 વિકેટો ખેરવી હતી. હવે ફેન્સની નજર ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેના જંગ પર છે, જ્યારે બીજી તરફ ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા પ્રથમ સેમીફાઈનલમાં ટકરાશે.