ડેરિલ મિશેલની શાનદાર સદી (131) એ ભારતની આશા પર ફેરવ્યું પાણી; શ્રેણી 1-1 થી બરાબર, કેએલ રાહુલની સદી એળે ગઈ

રાજકોટ (15 જાન્યુઆરી, 2026): રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં રમાયેલી બીજી વનડે મેચમાં ન્યુઝીલેન્ડે ભારતને 7 વિકેટે હરાવીને નવો ઈતિહાસ રચ્યો છે. આ મેદાન પર અત્યાર સુધી રમાયેલી તમામ વનડે મેચોમાં પ્રથમ બેટિંગ કરનાર ટીમ જ જીતતી હતી, પરંતુ ન્યુઝીલેન્ડે 285 રનનો લક્ષ્યાંક પાર પાડીને આ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ જીત સાથે 3 મેચોની શ્રેણી હવે 1-1 ની બરાબરી પર આવી ગઈ છે.
ડેરિલ મિશેલ અને વિલ યંગની વિજયી ભાગીદારી 285 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી કીવી ટીમની શરૂઆત મધ્યમ રહી હતી, પરંતુ ડેરિલ મિશેલ અને વિલ યંગ વચ્ચે ત્રીજી વિકેટ માટે થયેલી 162 રનની મજબૂત ભાગીદારીએ મેચનો પાસો પલટી નાખ્યો હતો. મિશેલે સંયમિત બેટિંગ કરતા અણનમ 131 રન બનાવ્યા હતા, જ્યારે વિલ યંગે 87 રનનું મહત્વનું યોગદાન આપ્યું હતું. ન્યુઝીલેન્ડે 47.3 ઓવરમાં માત્ર 3 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.
કેએલ રાહુલની સદી એળે ગઈ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 50 ઓવરમાં 7 વિકેટે 284 રન બનાવ્યા હતા. વિકેટકીપર-બેટ્સમેન કેએલ રાહુલે અદભૂત બેટિંગ કરતા અણનમ 112 રન ફટકાર્યા હતા. કેપ્ટન શુભમન ગિલે 56 રન બનાવ્યા હતા, જ્યારે રોહિત શર્મા (24), વિરાટ કોહલી (23) અને રવીન્દ્ર જાડેજા (27) સારી શરૂઆતને મોટા સ્કોરમાં બદલી શક્યા નહોતા. ન્યુઝીલેન્ડ તરફથી ક્રિશ્ચિયન ક્લાર્કે 3 વિકેટ ઝડપી હતી.
રાજકોટ સ્ટેડિયમનો અનોખો રેકોર્ડ તૂટ્યો આ મેદાન પર અગાઉ રમાયેલી 4 વનડે મેચોમાં હંમેશા પ્રથમ બેટિંગ કરનાર ટીમનો જ વિજય થયો હતો:
- 2013: ઈંગ્લેન્ડે ભારતને 9 રનથી હરાવ્યું.
- 2015: સાઉથ આફ્રિકાએ ભારતને 18 રનથી હરાવ્યું.
- 2020: ભારતે ઓસ્ટ્રેલિયાને 36 રનથી હરાવ્યું.
- 2023: ઓસ્ટ્રેલિયાએ ભારતને 66 રનથી હરાવ્યું.
- 2026 (નવો રેકોર્ડ): ન્યુઝીલેન્ડે ભારતને 7 વિકેટે (રન-ચેઝ કરીને) હરાવ્યું.
હવે રવિવારે ‘ફાઈનલ’ જંગ શ્રેણી હવે નિર્ણાયક તબક્કે પહોંચી ગઈ છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે શ્રેણીની ત્રીજી અને અંતિમ વનડે મેચ રવિવારે (18 જાન્યુઆરી) ઈન્દોરમાં રમાશે, જે શ્રેણીનો વિજેતા નક્કી કરશે.