BlackRock અને BNP પેરિબાસ જેવી દિગ્ગજ કંપનીઓ ભોગ બની, ટેલિકોમ કંપનીઓના માલિક બ્રહ્મભટ્ટ પર ખોટા ઇન્વોઇસ અને દસ્તાવેજો બનાવી લોન લેવાનો આક્ષેપ

નકલી કોલેટરલથી લોન મેળવી: ટેલિકોમ કંપનીઓના માલિક બ્રહ્મભટ્ટ પર ખોટા ઇન્વોઇસ અને દસ્તાવેજો બનાવી લોન લેવાનો આક્ષેપ.

કૌભાંડની પદ્ધતિ: ‘કાગળ પર અસ્તિત્વ ધરાવતી’ સંપત્તિઓ દર્શાવી $500 મિલિયનથી વધુની લોન મેળવવાનો દાવો.

બ્લેકરોક અને અન્ય લેન્ડર્સ ભોગ બન્યા: વિશ્વના સૌથી મોટા ઇન્વેસ્ટમેન્ટ ગ્રૂપ BlackRock ની ખાનગી ક્રેડિટ શાખા HPS Investment Partners એ નાણાં વસૂલવાની કવાયત હાથ ધરી.

લોનની રકમ વિદેશમાં ટ્રાન્સફર: તપાસમાં ખુલાસો: લોનના ફંડ ભારતમાં અને મોરેશિયસના ઑફશોર એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાયા.

બ્રહ્મભટ્ટની હાલની સ્થિતિ: કથિત ગેરરીતિઓ પકડાયા બાદ CEO સંપર્ક વિહોણા; હાલ ભારતમાં હોવાની શક્યતા.

અમેરિકાના કોર્પોરેટ જગતમાં એક ભારતીય મૂળના CEO પર વિશ્વના સૌથી મોટા ઇન્વેસ્ટમેન્ટ ગ્રૂપ બ્લેકરોક (BlackRock) ની પ્રાઇવેટ-ક્રેડિટ રોકાણ શાખા સહિત અન્ય લેન્ડર્સને નિશાન બનાવીને $500 મિલિયન (લગભગ ₹4,150 કરોડ) થી વધુનું ‘ચોંકાવનારું’ કૌભાંડ આચરવાનો ગંભીર આરોપ લાગ્યો છે.

આ કૌભાંડના કેન્દ્રમાં અમેરિકા સ્થિત બ્રોડબેન્ડ ટેલિકોમ (Broadband Telecom) અને બ્રિજવોઇસ (Bridgevoice) ના માલિક, ભારતીય મૂળના CEO બંકિમ બ્રહ્મભટ્ટ છે. વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ મુજબ, લેન્ડર્સ હવે આ રકમ પાછી મેળવવાના પ્રયાસમાં છે.

કૌભાંડની પદ્ધતિ: ‘કાગળ પર અસ્તિત્વ ધરાવતી’ સંપત્તિઓ દર્શાવી લોન મેળવવાનો દાવો

ઓગસ્ટમાં દાખલ કરવામાં આવેલી ફરિયાદ મુજબ, બ્રહ્મભટ્ટ પર લોન કોલેટરલ તરીકે ઉપયોગમાં લેવા માટે ગ્રાહકો પાસેથી મળવાના બાકી રહેલા (Accounts Receivable) લાખો ડૉલરના હિસાબોમાં ફેબ્રિકેશન (ખોટી બનાવટ) કરવાનો આરોપ છે.

લેન્ડર્સનું પ્રતિનિધિત્વ કરતા વકીલોએ કોર્ટમાં જણાવ્યું હતું કે, “બ્રહ્મભટ્ટે સંપત્તિઓની એક વિસ્તૃત બેલેન્સ શીટ બનાવી હતી જે માત્ર કાગળ પર જ અસ્તિત્વ ધરાવતી હતી.” કથિત રીતે, બ્રહ્મભટ્ટે છેલ્લા બે વર્ષથી વધુ સમયથી નકલી ઇન્વોઇસ, કરાર અને ઈ-મેઈલનો ઉપયોગ કરીને એવું દર્શાવ્યું હતું કે આ નાણાં જાણીતી ટેલિકોમ કંપનીઓ પાસેથી બાકી છે, જેના આધારે લોન આપવામાં આવી હતી.

  • બ્લેકરોકની એચપીએસ (HPS) શાખાએ સપ્ટેમ્બર 2020 માં બ્રહ્મભટ્ટની ટેલિકોમ કંપનીઓ સાથે જોડાયેલી ઓછામાં ઓછી એક ફાઇનાન્સિંગ શાખાને ધિરાણ આપવાનું શરૂ કર્યું હતું.
  • એચપીએસ દ્વારા 2021ની શરૂઆતમાં આ લોનની રકમ વધારીને આશરે $385 મિલિયન અને ઓગસ્ટ 2024 માં લગભગ $430 મિલિયન કરવામાં આવી હતી.
  • આ લોનમાં મોટા ભાગનું ધિરાણ HPS Investment Partners અને અન્ય લેન્ડર્સ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં BNP Paribas પણ સામેલ હતું.

લોનની રકમ વિદેશમાં ટ્રાન્સફર: ભારત અને મોરેશિયસ લિંક

ફરિયાદમાં બ્લેકરોકે દાવો કર્યો છે કે જ્યારે એકાઉન્ટ રિસીવેબલ્સની ચકાસણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી, ત્યારે જાણવા મળ્યું કે લોનમાંથી મળેલી રકમ ભારત અને મોરેશિયસ સ્થિત ઑફશોર એકાઉન્ટ્સ (Offshore Accounts) માં ટ્રાન્સફર કરવામાં આવી હતી.

એચપીએસના અધિકારીઓએ આક્ષેપ કર્યો છે કે બ્રહ્મભટ્ટે કોલેટરલ તરીકે ગીરવે મૂકવાના હતા તેવા નાણાકીય અસ્કયામતો (Assets) નું પણ ગેરકાયદેસર રીતે સ્થળાંતર કર્યું હતું.

કોણ છે બંકિમ બ્રહ્મભટ્ટ અને ભારતમાં તેમની ઓફિસોનું શું છે કનેક્શન?

બંકિમ બ્રહ્મભટ્ટ બેન્કાઈ ગ્રૂપ (Bankai Group) ના સ્થાપક, પ્રમુખ અને CEO છે. તેઓ ત્રણ દાયકાથી વધુ સમયથી ટેલિકોમ ઉદ્યોગમાં સક્રિય છે. તેમની યુ.એસ. સ્થિત કંપનીઓ બ્રોડબેન્ડ ટેલિકોમ અને બ્રિજવોઇસ અન્ય ટેલિકોમ કંપનીઓને સેવાઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વેચે છે.

આ કૌભાંડમાં લોનના નાણાં ભારતીય એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર થવાના આક્ષેપને કારણે બેન્કાઈ ગ્રૂપની ભારતમાં આવેલી કામગીરી પણ શંકાના દાયરામાં આવી છે. બેન્કાઈ ગ્રૂપનું ટેક્નોલોજી યુનિટ પેનામેક્સ ઇન્ફોટેક (Panamax Infotech) પણ બંકિમ બ્રહ્મભટ્ટની માલિકીનું છે.

બેન્કાઈ ઇન્ફોટેકની કોર્પોરેટ ઑફિસ ભારતમાં અમદાવાદ (ગુજરાત) ખાતે આવેલી છે, જેનું સરનામું:

બેન્કાઈ હાઉસ 1, પ્લોટ નં. 8, સ્વામી વિવેકાનંદ સર્કલ પાસે, મેમનગર, અમદાવાદ, ગુજરાત – 380052, ભારત.

CEO બંકીમ ભ્રહ્મભટ્ટ સંપર્ક વિહોણા: હાલ ભારતમાં હોવાની શક્યતા

ગેરરીતિઓનો પર્દાફાશ જુલાઈ મહિનામાં થયો હતો. જ્યારે HPS અધિકારીઓએ આ મામલે બંકિમ બ્રહ્મભટ્ટનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેમણે બધું બરાબર હોવાની ખાતરી આપી હતી, પરંતુ ત્યારબાદ તેમણે લેન્ડર્સના ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. જુલાઈમાં જ્યારે HPS કર્મચારીઓ બ્રહ્મભટ્ટની ન્યૂયોર્કના ગાર્ડન સિટી સ્થિત ઓફિસની મુલાકાતે ગયા, ત્યારે તે બંધ જોવા મળી હતી.

એચપીએસ (HPS) એ તેના કેટલાક ગ્રાહકોને જણાવ્યું છે કે તેઓ માને છે કે બંકિમ બ્રહ્મભટ્ટ હાલમાં ભારતમાં છે. ન્યૂયોર્કના નિવાસસ્થાને વૈભવી કારો પાર્ક કરેલી જોવા મળી હતી, પરંતુ ત્યાં કોઈ હાજર નહોતું.

આ કેસ દાખલ થયા પછી, બ્રહ્મભટ્ટ સાથે જોડાયેલી ઘણી કંપનીઓ, જેમ કે કેરિઓક્સ કેપિટલ (Carriox Capital), એ યુ.એસ.માં ચેપ્ટર 11 (Chapter 11) બેન્કરપ્સી માટે અરજી કરી છે.