શાનદાર શરૂઆત બાદ સળંગ ત્રણ હાર, પણ કીવી ટીમને પછાડીને ભારતે ફાઇનલ-4 ની ટિકિટ મેળવી, સ્મૃતિ મંધાના અને પ્રતિકા રાવલની સદીની મદદથી ભારતે 3 વિકેટે 340 રન ખડક્યા, ડકવર્થ લુઇસ નિયમ પ્રમાણે ન્યૂઝીલેન્ડને મળ્યો હતો 325 રનનો ટાર્ગેટ, ન્યૂઝીલેન્ડ 271/8

ICC Women's World Cup, Smriti Mandhana, Pratika Rawal, India, New Zealand, Semi Final,

ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2025 ની 24મી મેચમાં ગુરુવારે (23 ઓક્ટોબર) નવી મુંબઈના ડીવાય પાટિલ સ્પોર્ટ્સ એકેડમી ખાતે ભારતે ન્યૂઝીલેન્ડને DLS નિયમ હેઠળ 53 રનથી હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. વરસાદના કારણે ન્યૂઝીલેન્ડની ઇનિંગ્સ 44 ઓવરની કરવામાં આવી હતી અને તેને જીતવા માટે 325 રનનો ટાર્ગેટ મળ્યો હતો, પરંતુ કીવી ટીમ 8 વિકેટે 271 રન જ બનાવી શકી. ન્યૂઝીલેન્ડની સાથે શ્રીલંકા પણ આ હારના કારણે રેસમાંથી બહાર થઈ ગયું છે.

ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા અને ઇંગ્લેન્ડ પહેલાથી જ સેમિફાઇનલમાં પહોંચી ચૂક્યા છે. ભારતીય ટીમ અંકતાલિકામાં ચોથા ક્રમે રહેશે અને 30 ઓક્ટોબરે સેમિફાઇનલ રમશે. ભારતનો મુકાબલો હવે ટેબલ ટોપર ટીમ સાથે થશે, જેનો નિર્ણય 25 ઓક્ટોબરે સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ પર આધારિત છે.

ભારતનો વર્લ્ડ કપમાં સર્વશ્રેષ્ઠ સ્કોર: મંધાના-રાવલના શતક

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 49 ઓવરમાં 3 વિકેટના નુકસાન પર 340 રન બનાવ્યા હતા, જે મહિલા વર્લ્ડ કપમાં ભારતનો અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર છે.

  • પ્રતીકા રાવલે 134 બોલમાં 13 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 122 રન બનાવ્યા.
  • સ્મૃતિ મંધાનાએ 95 બોલમાં 10 ચોગ્ગા અને 4 છગ્ગા સહિત 109 રનનું યોગદાન આપ્યું.
  • ત્રીજા ક્રમે આવેલી જેમિમા રોડ્રિગ્સે માત્ર 55 બોલમાં 11 ચોગ્ગા સાથે અણનમ 76 રનની ઝડપી ઇનિંગ રમી.

ન્યૂઝીલેન્ડનો સંઘર્ષ અને ભારતની બોલિંગ

325 રનના મોટા લક્ષ્યનો પીછો કરતા ન્યૂઝીલેન્ડે શરૂઆતમાં જ સુઝી બેટ્સ (1 રન)ની વિકેટ ગુમાવી દીધી હતી, જેને ક્રાંતિ ગૌડે આઉટ કરી હતી.

  • રેણુકા સિંહ ઠાકુરે જ્યોર્જિયા પ્લિમ્મર (30 રન) અને સોફી ડિવાઇનની વિકેટ ઝડપીને ભારતને મોટી સફળતા અપાવી.
  • સ્નેહ રાણાએ એમેલિયા કેર (45 રન) ને આઉટ કરી.
  • પાર્ટ-ટાઇમ સ્પિનર પ્રતીકા રાવલે પણ મેડી ગ્રીનની વિકેટ લઈને પાંચમી સફળતા અપાવી.
  • ન્યૂઝીલેન્ડ તરફથી બ્રૂક હેલીડેએ 84 બોલમાં 81 રન અને ઇસાબેલા ગેઝે 51 બોલમાં અણનમ 65 રન બનાવ્યા, પરંતુ તે જીત માટે પૂરતા ન હતા.