પંજાબ કોંગ્રેસમાં રાજકારણ ગરમાયુ છે. 40 ધારાસભ્યોએ મોર્ચો ખોલ્યા બાદ કેપ્ટન અમરિંદર સિંહ મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપી દીધુ છે. આ સાથે જ તેમના મંત્રીમંડળે પણ રાજીનામુ સોંપી દીધુ છે. તે 20 ધારાસભ્યો અને પંજાબના સાંસદોની સાથે રાજભવન પહોંચ્યા છે.

જે બાદ રાજભવનની બહાર મીડિયાને સંબોધિત કરતા કેપ્ટન અમરિંદર સિંહે કહ્યુ કે છેલ્લા કેટલાક દિવસોમાં ત્રીજી વાર આવુ થયુ છે. જેથી તેઓ અપમાન અનુભવી રહ્યા છે. તેમણે કહ્યુ કે સવારે જ રાજીનામુ આપવાનો નિર્ણય કરી લીધો હતો અને આની જાણકારી કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પણ આપી દીધી હતી.

કેપ્ટન અમરિંદર સિંહના રાજીનામા બાદ કોંગ્રેસના ધારાસભ્ય દળોની સાંજે પાંચ વાગે બેઠક થશે અને તેમાં નવા ધારાસભ્ય દળના નેતાની ચૂંટણી કરવાની શક્યતા છે. સૂત્ર અનુસાર સીએમ અમરિંદર સિંહે સોનિયા ગાંધીને ફોન કરીને AICC દ્વારા તેમને વિશ્વાસમાં લીધા વિના કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક બોલાવવા પર વાંધો ઉઠાવ્યો છે. તેમણે કહ્યુ કે જો આ રીતે પાર્ટીમાં તેમને કિનારે કરવામાં આવે તો તેઓ સીએમ તરીકે રહેવા ઈચ્છુક નથી.

રાજીનામુ આપ્યા બાદ મીડિયા સાથેની વાતમાં કેપ્ટન અમરિંદર સિંહે કહ્યુ, જેની પર હાઈકમાન્ડને વિશ્વાસ છે, તેને પંજાબના આગામી મુખ્યમંત્રી બનાવે, મને એવુ લાગે છે કે તેમને મારી પર વિશ્વાસ નથી. જોકે તેમણે એ પણ કહ્યુ કે તેઓ હજુ કોંગ્રેસમાં જ છે અને ભવિષ્યમાં સમય આવવા પર નિર્ણય લેશે.