સંવેદનશીલ માહિતી સુરક્ષિત હોવાનો દાવો, હૅકિંગ ગ્રુપ ‘સ્કેટર્ડ સ્પાઈડર’ પર શંકા, એરલાઇન્સ સેક્ટરમાં સાયબર સુરક્ષાની ચિંતા વધી

Qantas Airlines, Cyber Attack, Data Breach, qantas,

સિડની, ઓસ્ટ્રેલિયા: ઓસ્ટ્રેલિયાની અગ્રણી એરલાઇન કન્તાસ (Qantas) એક ગંભીર સાયબર હુમલાનો ભોગ બની છે, જેના કારણે 60 લાખ ગ્રાહકોનો ડેટા ચોરાઈ જવાની આશંકા છે. સોમવારે (જૂન 30, 2025) ક્વોન્ટાસના કોન્ટેક્ટ સેન્ટર દ્વારા ઉપયોગમાં લેવાતા એક થર્ડ-પાર્ટી પ્લેટફોર્મ પર અસામાન્ય પ્રવૃત્તિ જોવા મળ્યા બાદ આ સાયબર હુમલાનો પર્દાફાશ થયો હતો. ક્વોન્ટાસે પુષ્ટિ કરી છે કે પ્લેટફોર્મ પર નોંધાયેલા 6 મિલિયન ગ્રાહકોના રેકોર્ડમાંથી “નોંધપાત્ર” પ્રમાણમાં ડેટા ચોરાયો હોવાની સંભાવના છે.


કઈ માહિતી જોખમમાં અને કઈ સુરક્ષિત?

પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે ચોરાયેલા ડેટામાં ગ્રાહકોના નામ, ઈમેલ એડ્રેસ, ફોન નંબર, જન્મ તારીખો અને ફ્રીક્વન્ટ ફ્લાયર નંબરો જેવી માહિતી શામેલ હોઈ શકે છે. જોકે, કન્તાસે ગ્રાહકોને આશ્વાસન આપતા જણાવ્યું છે કે ક્રેડિટ કાર્ડની વિગતો, અંગત નાણાકીય માહિતી અને પાસપોર્ટની વિગતો આ સિસ્ટમમાં સંગ્રહિત નથી. આ ઉપરાંત, કોઈ પણ ફ્રીક્વન્ટ ફ્લાયર એકાઉન્ટ્સ સાથે ચેડા થયા નથી, કે પાસવર્ડ્સ, પિન નંબરો અથવા લોગિન વિગતો પણ ઍક્સેસ કરવામાં આવી નથી. આ સુરક્ષિત માહિતી ગ્રાહકો માટે મોટી રાહત સમાન છે.

હુમલાનો ભોગ બનેલી સિસ્ટમને તાત્કાલિક અલગ કરી દેવામાં આવી છે અને અસરગ્રસ્ત ગ્રાહકોને સીધો સંપર્ક કરીને જાણ કરવામાં આવશે તેમ ક્વોન્ટાસે જણાવ્યું છે.


આંતરરાષ્ટ્રીય હેકિંગ ગ્રુપ ‘સ્કેટર્ડ સ્પાઈડર’ પર શંકા

ઓસ્ટ્રેલિયાની અગ્રણી સાયબર સુરક્ષા પેઢી CyberCX છેલ્લા 24 કલાકથી ક્વોન્ટાસ સાથે આ ઘટનાને સંભાળવા માટે કામ કરી રહી છે. CyberCX ના પ્રવક્તાએ ABC ન્યૂઝને જણાવ્યું છે કે આ ઘટનામાં કુખ્યાત હેકર ગ્રુપ ‘સ્કેટર્ડ સ્પાઈડર’ (Scattered Spider) ના હુમલાના તમામ લક્ષણો જોવા મળે છે. આ ગ્રુપ જાણીતું છે કે તે એક પછી એક ચોક્કસ વ્યવસાય ક્ષેત્રોને નિશાન બનાવે છે.

તાજેતરમાં, આ હેકિંગ ગ્રુપ નાણાકીય અને વીમા ક્ષેત્રો પરના હુમલાઓ માટે જાણીતું બન્યું હતું. CyberCX ના પ્રવક્તાએ વધુમાં જણાવ્યું કે, સપ્તાહના અંતે યુએસ સત્તાવાળાઓ તરફથી ચેતવણીઓ મળી હતી કે સ્કેટર્ડ સ્પાઈડર એવિએશન સેક્ટરને નિશાન બનાવવાનો ઇરાદો ધરાવે છે.

નોંધનીય છે કે, ન્યુઝીલેન્ડની એરલાઇન એર ન્યુઝીલેન્ડે (Air New Zealand) પુષ્ટિ કરી છે કે તેમને આવા કોઈ હેકિંગ પ્રયાસનો સામનો કરવો પડ્યો નથી. આ ઘટના એરલાઇન્સ અને મોટા ડેટા ધરાવતી સંસ્થાઓ માટે સાયબર સુરક્ષાના મહત્વને ફરી એકવાર રેખાંકિત કરે છે.