કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શનિવારે (10 ફેબ્રુઆરી) ના રોજ નાગરિકતા સંશોધન કાયદા (CAA)ને લઈને મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે લોકસભા ચૂંટણી પહેલા CAA લાગુ કરવા માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવશે અને તેને લાગુ પણ કરવામાં આવશે.
મહત્વનું છે કે ગયા વર્ષે પણ અમિત શાહે ડિસેમ્બરમાં તેમની પશ્ચિમ બંગાળની મુલાકાત દરમિયાન કહ્યું હતું કે CAAના અમલીકરણ થઈને રહેશે તેને કોઈ રોકી શકશે નહીં.
હવે ગૃહમંત્રી અમિત શાહે ફરી એકવાર પુનરોચ્ચાર કર્યો છે કે દેશમાં CAAને લોકસભા ચૂંટણી પહેલા લાગુ કરવામાં આવશે જેથી કોઈ ભ્રમમાં ન રહે.
ન્યૂઝ એજન્સી ANI અનુસાર, અમિત શાહે કહ્યું, “હું સ્પષ્ટ કરવા માંગુ છું કે CAA કોઈપણ વ્યક્તિની નાગરિકતા છીનવશે નહીં, તેનો ઉદ્દેશ્ય માત્ર ધાર્મિક અત્યાચારનો સામનો કરી રહેલા પાકિસ્તાની, અફઘાન અને બાંગ્લાદેશી લઘુમતીઓને જ નાગરિકતા આપવાનો છે.”
અમિત શાહે કહ્યું કે કોંગ્રેસે પાડોશી દેશોના લઘુમતીઓને નાગરિકતા આપવાનું વચન આપ્યું હતું.
“જ્યારે દેશનું વિભાજન થયું અને ત્યાં લઘુમતીઓ પર અત્યાચાર ગુજારવામાં આવ્યો, તે બધા ભારત આવવા માંગતા હતા, ત્યારે કોંગ્રેસે કહ્યું હતું કે તમે અહીં આવો, તમને અહીંની નાગરિકતા આપવામાં આવશે.”
કેન્દ્રીય ગૃહમંત્રીએ વિપક્ષ પર મુસ્લિમોને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો,તેમણે કહ્યું, “આપણા મુસ્લિમ ભાઈઓને CAA વિશે ગેરમાર્ગે દોરવામાં અને ઉશ્કેરવામાં આવી રહ્યા છે.
CAA માત્ર પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના ધાર્મિક લઘુમતીઓને નાગરિકતા આપવા માટે છે.” તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદી સરકાર દ્વારા રજૂ કરાયેલ CAAનો ઉદ્દેશ્ય 31 ડિસેમ્બર, 2014 પહેલા બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં આવેલા હિંદુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને ખ્રિસ્તીઓ સહિતના સતાવણીગ્રસ્ત બિન-મુસ્લિમ ઇમિગ્રન્ટ્સને ભારતીય નાગરિકતા આપવાનો છે.
ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર 2019માં સંસદ દ્વારા CAA પસાર થયા બાદ અને ત્યારબાદ રાષ્ટ્રપતિ દ્વારા મંજૂરી મળ્યા બાદ દેશના વિવિધ ભાગોમાં વિરોધ પ્રદર્શનો થયા હતા.