દેશમાં લોકસભાની ચૂંટણીનો ઢોલ વાગ્યો છે અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ સૌ પ્રથમ ભાજપના ઉમેદવાર તરીકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું નામ જાહેર કર્યું છે અને ગાંધીનગરમાં અમિત શાહના કાર્યાલયનું પણ ઉદ્ધાટન કર્યું છે.
સાથે સાથે ગુજરાતની લોકસભાની અન્ય 25 બેઠકના કાર્યાલયનું પણ વર્ચ્યુઅલ ઉદ્ધાટન કરી સૌને કામે લાગી જવા હાકલ કરી છે.
મહત્વનું છે કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા હાલ ગુજરાતની મુલાકાતે છે અને તેઓના હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન કરી પ્રદેશ ભાજપ દ્વારા લોકસભા ચૂંટણીની તૈયારીઓનો પ્રારંભ કરી દીધો છે.
ગાંધીનગરમાં પણ લોકસભા ચૂંટણીના મુખ્ય કાર્યાલયનો પણ પ્રારંભ કરાશે.
“મોદીની ગેરંટી” સ્લોગન ઉપર ભાજપ ચૂંટણી લડશે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ચહેરા ઉપર લોકસભા ચૂંટણી લડાશે.
દરમિયાન લોકસભા ચૂંટણીને લઈ આવતીકાલે ગાંધીનગરમાં પ્રદેશ ભાજપની બેઠક મળનાર છે. કમલમમાં પ્રદેશ પ્રમુખ તેમજ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં બેઠક મળનાર છે. આ બેઠકમાં લોકસભા ચૂંટણીની જવાબદારી સોંપેલ તમામ હોદ્દેદારોને ઉપસ્થિત રહેવાનું કહેવાયું છે.
–કોને કોને ક્યાં જિલ્લાની જવાબદારી સોપાઈ વાંચો નીચે મુજબનું લિસ્ટ
ગુજરાતમાં જે તે જીલ્લાની જવાબદારી સિનિયર નેતાઓને સોંપવામાં આવી છે, જેમાં બાબુભાઈ જેબલિયાને મહેસાણા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર બેઠકની જવાબદારી સોંપવામાં આવી છે જ્યારે કે.સી.પટેલને ગાંધીનગર, અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ બેઠકની જવાબદારી સોંપવામાં આવી છે.
નરહરી અમીનને આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ બેઠકની જવાબદારી સોંપાઈ છે જ્યારે પ્રદિપસિંહ જાડેજાને વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ બેઠકની જવાબદારી સોંપવામાં આવી છે.
તેજ રીતે ડો.જ્યોતિબેન પંડ્યાને સુરત, નવસારી, બારડોલી, વલસાડ બેઠકની જવાબદારી સોંપાઈ છે અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને જૂનાગઢ, અમરેલી, ભાવનગર બેઠકની જવાબદારી સોપાઈ છે જ્યારે આર.સી.ફળદુને જામનગર, પોરબંદર, રાજકોટ બેઠકની જવાબદારી સોંપાઈ છે જ્યારે અમિત ઠાકરને કચ્છ, બનાસકાંઠા, પાટણ બેઠકની જવાબદારી સોંપવામાં આવી છે.