કાર સેન્ટર લાઈન ઓળંગીને ટેન્કર સાથે અથડાઈ; ઈમરજન્સી સેવાઓએ હેલિકોપ્ટરની મદદથી હાથ ધરી તપાસ, મૃતક તૌરંગાના રહેવાસી

વાઈઓરુ (Waiouru) નજીક સ્ટેટ હાઈવે 1 પર સોમવારે મોડી રાત્રે એક કાર અને ટેન્કર ટ્રક વચ્ચે થયેલા ભયાનક અકસ્માતમાં ત્રણ લોકોના કરૂણ મોત નીપજ્યા છે. અકસ્માતમાં માર્યા ગયેલા ત્રણેય મૃતક ભારતીય હતા અને તેઓ તૌરંગાના રહેવાસી હતા અને ન્યુઝીલેન્ડમાં વર્ક વિઝા પર હતા. સૂત્રોના અનુસાર માર્યા ગયેલા લોકો પંજાબી હતા અને 1 પંજાબથી તથા 2 ઉત્તરાખંડના વતની હોવાનું માલૂમ પડી રહ્યું છે. અકસ્માતમાં માર્યા ગયેલા ત્રણ લોકોના નામ મનજિંદર સિંહ, સંદીપ સિંહ, વરિન્દરપાલ સિંહ હોવાનું સામે આવ્યું છે.

આ અકસ્માત સોમવારે રાત્રે આશરે 11:50 વાગ્યે શોક્રોફ્ટ રોડ (Shawcroft Rd) અને એક્સેસ રોડ નં. 17 વચ્ચે સર્જાયો હતો, જે વાઈઓરુ શહેરથી લગભગ 5 કિમી ઉત્તરે આવેલું છે. પ્રારંભિક તપાસમાં બહાર આવ્યું છે કે એક કાર અચાનક સેન્ટર લાઈન ઓળંગીને સામેથી આવતા ટેન્કર ટ્રક સાથે અથડાઈ હતી. આ અથડામણ એટલી જોરદાર હતી કે કારમાં સવાર ત્રણેય વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. ટેન્કર ચાલકને મધ્યમ ઈજાઓ થઈ છે, જેની સારવાર ચાલી રહી છે.

પોલીસ અને તપાસ એજન્સીઓની કામગીરી

વાંગાનુઈ એરિયા કમાન્ડર ઇન્સ્પેક્ટર નીલ ફોરલોંગે આ ઘટનાને અત્યંત હૃદયદ્રાવક ગણાવી છે. તેમણે જણાવ્યું હતું કે, “અમારી પ્રાથમિક તપાસ મુજબ કારે અકસ્માત પહેલા સેન્ટર લાઈન ઓળંગી હતી, પરંતુ આવું કેમ થયું તે તપાસનો વિષય છે.” અકસ્માત બાદ એવી આશંકા હતી કે કારમાં ચોથી વ્યક્તિ પણ હોઈ શકે છે, જેના માટે હેલિકોપ્ટરની મદદથી સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જોકે બાદમાં પોલીસે સ્પષ્ટતા કરી હતી કે કારમાં માત્ર ત્રણ જ લોકો હતા.

બચાવ કામગીરી અને માર્ગની સ્થિતિ

ઇન્સ્પેક્ટર ફોરલોંગે મુશ્કેલ પરિસ્થિતિમાં ઝડપી કામગીરી કરવા બદલ ઈમરજન્સી ટીમોની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે આવા અકસ્માતો સમગ્ર સમુદાય માટે આઘાતજનક હોય છે અને પોલીસ અસરગ્રસ્ત પરિવારોને તમામ મદદ પૂરી પાડશે. સીરિયસ ક્રેશ યુનિટે (Serious Crash Unit) ઘટનાસ્થળની તપાસ પૂર્ણ કરી લીધી છે. તપાસના કારણે બંધ કરવામાં આવેલો રસ્તો આજે સવાર સુધીમાં ફરીથી ખોલી દેવામાં આવશે તેવી અપેક્ષા છે.