પ્રતિ પ્રયાસ ફી અને પ્રતીક્ષા સમયમાં વધારો, સરકારના આંતરિક ડોક્યુમેન્ટ્સના આધારે નવી માહિતી બહાર આવી, NZ Heraldનો રિપોર્ટ

નમસ્કાર ગુજરાત ન્યૂઝ. ઑકેલન્ડ
ન્યૂઝીલેન્ડમાં નાગરિકતા (Citizenship by grant) મેળવવા માટે લાગુ કરવામાં આવનારી નવી સિટીઝનશિપ ટેસ્ટને જાહેર કરતા પહેલાં અનેક વિલંબનો સામનો કરવો પડ્યો છે. તાજેતરમાં જાહેર થયેલા સરકારી દસ્તાવેજો દર્શાવે છે કે આંતરિક બાબતોના મંત્રી (Internal Affairs Minister) બ્રુક વેન વેલ્ડેન (Brooke van Velden) એ ટેસ્ટ આપવાના દરેક પ્રયાસ (per-test attempt) માટે અલગથી ફી વસૂલવા માટે હસ્તક્ષેપ કર્યો છે અને હવે વધુ એક બદલાવ પણ કરવાનો નિર્ણય કરાયો છે. પહેલા સિટીઝનશિપ ટેસ્ટ ઓનલાઇન કરવાનું આયોજન હતું પરંતુ હવે તેને રુબરુ સેન્ટર પર જઇને ટેસ્ટ આપવો પડશે તેવો નિર્ણય કરાયો છે.

ટેસ્ટનું માળખું અને અમલીકરણની નવી મુદત

  • શરૂઆત: આ ટેસ્ટ ૨૦૨૭ ના ઉત્તરાધ (લાસ્ટ ક્વાર્ટર) થી નાગરિકતા માટે અરજી કરનાર મોટાભાગના લોકો માટે અમલી બનશે.
  • પરીક્ષા પદ્ધતિ: આ પરીક્ષા સેન્ટર પર જઈને રૂબરૂ (in-person) આપવાની રહેશે, જેમાં ૨૦ બહુવિકલ્પ (multiple-choice) પ્રશ્નોમાંથી ઓછામાં ઓછા ૧૫ સાચા જવાબો (૭૫%) આપવા ફરજિયાત છે.
  • વય મર્યાદા અને મુક્તિ: ૬૫ વર્ષથી વધુ વયના અરજદારોને આ ટેસ્ટમાંથી મુક્તિ આપવામાં આવી છે. શરૂઆતમાં આ મર્યાદા ૬૭ વર્ષ રાખવાની ભલામણ કરાઈ હતી, પરંતુ બાદમાં ૬૫ વર્ષ વધુ યોગ્ય ગણવામાં આવ્યા હતા.

ઓનલાઈન ટેસ્ટનો વિકલ્પ શા માટે રદ કરાયો?

શરૂઆતમાં સરકારી વેબસાઈટ પર જ ઓનલાઈન ટેસ્ટ પોર્ટલ બનાવવાનું આયોજન હતું. જોકે, અધિકારીઓ અને મંત્રી વચ્ચેની સમીક્ષા બાદ આ વિકલ્પ રદ કરવામાં આવ્યો:

  • ગેરરીતિ પકડવી મુશ્કેલ: ન્યૂઝીલેન્ડ ક્વોલિફિકેશન્સ ઓથોરિટી (NZQA) સાથેની ચર્ચામાં જાણવા મળ્યું કે સ્ક્રીન તરફથી નજર હટાવવી કે AI ટેકનોલોજીનો ઉપયોગ કરીને થતી ચોરી પકડવી ડિજિટલ માધ્યમથી મુશ્કેલ હતી.
  • પ્રાઈવસી અને સિક્યુરિટી: ઓનલાઈન દેખરેખ માટે બાયોમેટ્રિક અને અંગત માહિતી એકત્રિત કરવી પડે તેમ હતી, જેનાથી પ્રાઈવસીના મોટા પ્રશ્નો ઊભા થાય તેમ હતા.

મંત્રી બ્રુક વેન વેલ્ડેને સ્પષ્ટ કર્યું કે ઓનલાઈન પદ્ધતિથી ટેસ્ટની નિષ્પક્ષતા જોખમાય તેમ હતી. આથી, એક સક્ષમ અને પારદર્શક મૂલ્યાંકન માટે રૂબરૂ (In-person) પરીક્ષા જ પસંદ કરવામાં આવી છે.

પ્રતિ પ્રયાસ ફી અને પ્રતીક્ષા સમયમાં વધારો

મંત્રી વેન વેલ્ડેનના નિર્દેશ મુજબ, પ્રતિ વ્યક્તિ કે પ્રતિ અરજીને બદલે દરેક પ્રયાસ (per test attempt) માટે અલગથી ફી લેવામાં આવશે:

મંત્રી બ્રુક વેન વેલ્ડેનનું નિવેદન:

“પ્રતિ ટેસ્ટ ફીનું માળખું લોકોને ગંભીરતાથી અભ્યાસ કરવા અને પ્રથમ પ્રયાસે જ પાસ થવા પ્રોત્સાહિત કરે છે. સાથે જ આનાથી યોગ્ય ખર્ચ વસૂલાત થાય છે. જે લોકો મહેનત કરીને પહેલીવારમાં પાસ થાય છે, તેઓ નાપાસ થનારા લોકોનો ખર્ચ ઉઠાવે તે અયોગ્ય છે.”

આ ઉપરાંત, નાપાસ થયા બાદ ફરીથી ટેસ્ટ આપવા માટેનો પ્રતીક્ષા સમય (re-sit waiting period) ૧૦ કામકાજના દિવસોથી વધારીને ૩૦ કામકાજના દિવસો (30 working days) કરવામાં આવ્યો છે, જેથી અરજદારો તૈયારી માટે પૂરતો સમય લઈ શકે.

પરિણામનો અંદાજ અને અન્ય પ્રતિભાવો

  • સફળતાનો દર: વિભાગના દસ્તાવેજો મુજબ, અંદાજે ૮૫% અરજદારો પ્રથમ પ્રયાસમાં જ પાસ થઈ જશે અને અંતે ૯૬% લોકો આ ટેસ્ટ સફળતાપૂર્વક પાસ કરશે.
  • અન્ય સંસ્થાઓનો અભિપ્રાય: ‘તે પુની કોકિરી’ (Te Puni Kōkiri – માઓરી વિકાસ મંત્રાલય) એ વિદેશમાં જન્મેલા માઓરીઓ માટે આ ટેસ્ટ કેટલી યોગ્ય છે તે અંગે પ્રશ્ન ઉઠાવ્યો હતો.