મેલબોર્ન પોલીસ તપાસમાં જોતરાઈ, 9 જુલાઈના પ્રસ્તાવિત પ્રવાસ અને ભારતીય સમુદાયના કાર્યક્રમને ઓનલાઈન નિશાન બનાવાયો; ઓસ્ટ્રેલિયન ફેડરલ પોલીસે શંકાસ્પદ IP એડ્રેસ શોધી કાઢ્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગામી 9 જુલાઈના પ્રસ્તાવિત ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલાં સુરક્ષા એજન્સીઓ હાઈ-એલર્ટ પર છે. મેલબોર્નમાં આયોજિત થનારા ‘મેલબોર્ન મીટ્સ મોદી’ (Melbourne Meets Modi) કાર્યક્રમને લઈને સોશિયલ મીડિયા પર મળેલી જાનથી મારી નાખવાની ધમકી બાદ ઓસ્ટ્રેલિયન ફેડરલ પોલીસ (AFP) એ સઘન તપાસ શરૂ કરી દીધી છે.

ઓસ્ટ્રેલિયાના મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ધમકી ફેસબુક પર એ પોસ્ટની નીચે ટિપ્પણી કરીને આપવામાં આવી હતી, જેમાં મેલબોર્નના પ્રખ્યાત માર્વેલ સ્ટેડિયમમાં આયોજિત થનારા કમ્યુનિટી પ્રોગ્રામની જાહેરાત કરવામાં આવી રહી હતી. વડાપ્રધાન મોદીના આ પ્રવાસમાં ભારતીય સમુદાયનો આ કાર્યક્રમ સૌથી મોટું આકર્ષણ માનવામાં આવી રહ્યો છે.

તપાસ એજન્સીઓએ IP એડ્રેસ શોધી કાઢ્યું

સૂત્રોના જણાવ્યા અનુસાર, તપાસ એજન્સીઓએ આ શંકાસ્પદ સોશિયલ મીડિયા પોસ્ટ સાથે જોડાયેલા IP એડ્રેસની ઓળખ કરી લીધી છે. હવે પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ ટિપ્પણી કોણે કરી હતી અને તેની પાછળ તેનો શું ઈરાદો હતો. સાથે જ અધિકારીઓ એ બાબતની પણ તપાસ કરી રહ્યા છે કે આ કેસમાં કોઈ ગુનાહિત કાયદાનું ઉલ્લંઘન થયું છે કે નહીં.

જોકે, ઓસ્ટ્રેલિયન ફેડરલ પોલીસે હજુ સુધી આ તપાસ અંગે કોઈ સત્તાવાર નિવેદન જાહેર કર્યું નથી, પરંતુ સ્થાનિક મીડિયાનું કહેવું છે કે કોઈપણ વિદેશી રાષ્ટ્રાધ્યક્ષ કે સરકારના વડાને આપવામાં આવેલી આવી ધમકીઓને ઓસ્ટ્રેલિયાની સુરક્ષા એજન્સીઓ અત્યંત ગંભીરતાથી લે છે.

PM મોદીની સુરક્ષા માટે અનેક એજન્સીઓ તૈનાત રહેશે

વડાપ્રધાન મોદીના આ પ્રવાસ દરમિયાન સુરક્ષા વ્યવસ્થવાની જવાબદારી અનેક એજન્સીઓ સંયુક્ત રીતે સંભાળશે. તેમાં ઓસ્ટ્રેલિયન ફેડરલ પોલીસ (AFP), સ્ટેટ પોલીસ અને વિશેષ સુરક્ષા યુનિટો સામેલ રહેશે. ધમકી મળ્યા બાદ તમામ કાર્યક્રમોની સુરક્ષા વ્યવસ્થાની વ્યાપક સમીક્ષા કરવામાં આવી રહી છે.

પોતાના ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી દ્વિપક્ષીય બેઠકોમાં ભાગ લેવાની સાથે-સાથે ત્યાં રહેતા ભારતીય સમુદાયને પણ સંબોધિત કરવાના છે. આથી મેલબોર્નનો આ કાર્યક્રમ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ઓનલાઈન ધમકી મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓ કોઈપણ સંભવિત ખતરાને પહોંચી વળવા સંપૂર્ણ રીતે સતર્ક છે અને સમગ્ર મામલાની ઊંડી તપાસ ચાલી રહી છે.

Original Article : The Australia Today : https://www.theaustraliatoday.com.au/online-death-threat-targets-indian-pm-narendra-modi-ahead-of-melbourne-visit-as-australian-federal-police-traces-suspects-ip/