સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ટોલ-ફ્રી ખોલવાની અને અમેરિકી નૌસેનાની નાકેબંધી તાત્કાલિક હટાવવાની ટ્રમ્પની મંજૂરી; ટૂંક સમયમાં ઈરાન પણ જાહેર કરશે સત્તાવાર નિવેદન
વોશિંગ્ટન/તેહરાન: પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) માં લાંબા સમયથી ચાલી રહેલા ભારે તણાવ વચ્ચે સમગ્ર વિશ્વ માટે એક ખૂબ જ મોટા અને રાહતના સમાચાર સામે આવ્યા છે. અમેરિકા અને ઈરાન વચ્ચે એક ઐતિહાસિક શાંતિ સમજૂતી (Peace Deal) થઈ ગઈ છે. આ મહા-સમજૂતી બાદ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાન સાથે ડીલ પૂરી થવાની જાહેરાત કરી છે. તેમણે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (Strait of Hormuz) ને કોઈપણ રોકટોક વગર ટોલ-મુક્ત ખોલવાની મંજૂરી આપી દીધી છે અને અમેરિકી નૌસેના દ્વારા કરવામાં આવેલી નાકેબંધી (Blochade) ને તાત્કાલિક હટાવવાનો સત્તાવાર આદેશ જારી કર્યો છે. જોકે, અત્યાર સુધી ઈરાન સરકાર તરફથી આ ડીલ અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી.
બીજી તરફ, ઈરાનની સત્તાવાર સમાચાર એજન્સી ‘ફાર્સ’ (Fars) નું કહેવું છે કે, ટૂંક સમયમાં જ દેશની સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલ દ્વારા અમેરિકા સાથે થયેલા આ યુદ્ધવિરામ કરાર અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ યુએસ-ઈરાન શાંતિ કરારની જાહેરાત પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ (Truth Social) પર પોસ્ટ શેર કરીને કરી છે. તેમણે લખ્યું છે કે, “ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાન સાથેની ડીલ હવે સંપૂર્ણપણે પૂરી થઈ ગઈ છે. આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન! આ સમજૂતી હેઠળ હું સ્ટ્રેટ ઓફ હોર્મુઝને કોઈપણ અવરોધ વિના ખોલવાની અને સાથે જ અમેરિકી નૌસેનાની નાકેબંધી તાત્કાલિક અસરથી હટાવવાની મંજૂરી આપું છું.”
અમેરિકા અને ઈરાન વચ્ચે પીસ ડીલનો ડ્રાફ્ટ લીક!
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝના દરિયાઈ માર્ગેથી તેલની આયાત-નિકાસ કરનારા તમામ દેશોને સંબોધતા રોમાંચક અંદાજમાં જણાવ્યું હતું કે, “દુનિયાભરના જહાજો, પોતાના એન્જિન ચાલુ કરો. તેલનો સપ્લાય ફરી શરૂ થવા દો!” આ સાથે જ લાંબા સમયથી બંધ પડેલો વૈશ્વિક ક્રૂડ ઓઈલનો બિઝનેસ ફરી પૂર્વવત થવાના સંકેતો મળી ગયા છે.
પાકિસ્તાનના પીએમ શહબાઝ શરીફે પણ કરી પુષ્ટિ
પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ (ટ્વિટર) પર એક ખાસ પોસ્ટ શેર કરીને આ વૈશ્વિક સમજૂતીની સત્તાવાર પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ સમજૂતી પર મહોર વાગી ગઈ છે. બંને પક્ષો લેબનાન સહિતના તમામ મોરચે ચાલી રહેલા સૈન્ય ઓપરેશન્સને તાત્કાલિક અને કાયમી ધોરણે બંધ કરવા માટે સંમત થયા છે.
પાકિસ્તાની પીએમ શરીફે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા આ મોટા સંકટનો રાજદ્વારી (Diplomatic) ઉકેલ લાવવા બદલ અમેરિકા અને ઈરાનની પ્રતિબદ્ધતાના વખાણ કર્યા હતા અને આ શાંતિ પ્રક્રિયામાં મહત્વની ભૂમિકા ભજવનારા સાથી દેશોનો આભાર માન્યો હતો.
સ્વિટ્ઝરલેન્ડમાં યોજાશે ભવ્ય હસ્તાક્ષર સમારોહ
પાકિસ્તાનના વડાપ્રધાનના જણાવ્યા અનુસાર, આ ઐતિહાસિક મહા-સમજૂતીને સફળ બનાવવામાં કતાર રાજ્યના મહાન નેતૃત્વ, સાઉદી અરેબિયા સામ્રાજ્ય અને તુર્કિયે પ્રજાસત્તાકના દૂરદર્શી નેતૃત્વએ અત્યંત મહત્વપૂર્ણ અને સક્રિય યોગદાન આપ્યું છે.
શહબાઝ શરીફના જણાવ્યા મુજબ, આ અઠવાડિયે કરારના અમલીકરણ પહેલાની જરૂરી ચર્ચાઓ (Pre-implementation discussions) પૂર્ણ થયા બાદ, બંને દેશોના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળો 19 જૂનના રોજ સ્વિટ્ઝરલેન્ડમાં એકબીજાને મળશે અને આ ઐતિહાસિક ડીલ પર સત્તાવાર રીતે હસ્તાક્ષર (Sign) કરશે.