ખેલાડીઓનો આબાદ બચાવ, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી હોટેલ પરત ફરતી વખતે શોર્ટ સર્કિટના કારણે બની ઘટના; 1 કલાક સુધી ફસાયેલા રહ્યા બાદ ખેલાડીઓને સુરક્ષિત બહાર કઢાયા


અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રવિવારે રાત્રે રમાયેલી આઈપીએલ 2026 ની ફાઇનલ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (RCB) સામે હાર્યા બાદ ગુજરાત ટાઇટન્સની આખી ટીમ એક મોટા અકસ્માતનો શિકાર બનતા માંડ-માંડ બચી ગઈ છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈ (PTI) ના અહેવાલ મુજબ, ફાઇનલ મેચ પૂરી થયા બાદ જ્યારે ગુજરાત ટાઇટન્સની ટીમ બસ સ્ટેડિયમથી પરત હોટેલ તરફ જઈ રહી હતી, ત્યારે બસમાં અચાનક આગ ફાટી નીકળી હતી.
પ્રાથમિક માહિતી અનુસાર, આ આગ બસમાં વાયરિંગમાં થયેલા શોર્ટ સર્કિટ (Short Circuit) ના કારણે લાગી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ ખેલાડી કે સ્ટાફ મેમ્બરને ઈજા થઈ નથી અને તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે.
અડધી રાત્રે રોડ પર સર્જાયા ભારે અફડાતફડીના દ્રશ્યો
આ અકસ્માત એટલો ગંભીર હતો કે ખેલાડીઓ લાંબા સમય સુધી મુશ્કેલીમાં મુકાયા હતા:
- ૧ કલાક સુધી ફસાયા ખેલાડીઓ: બસમાં આગ લાગ્યા બાદ સાવચેતીના ભાગરૂપે હાઈવે પર જ બસને રોકી દેવાઈ હતી. આગ અને ધુમાડાના કારણે ગુજરાત ટાઇટન્સના ખેલાડીઓ લગભગ 1 કલાક સુધી ત્યાં જ ફસાયેલા રહ્યા હતા.
- બીજી બસની વ્યવસ્થા કરાઈ: ઘટનાની ગંભીરતાને જોતા તાત્કાલિક ધોરણે ખેલાડીઓ માટે બીજી વૈકલ્પિક બસની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેના દ્વારા તમામ ખેલાડીઓને સુરક્ષિત રીતે હોટેલ પહોંચાડાયા હતા.
ગુજરાત ટાઇટન્સ માટે મુશ્કેલીઓથી ભરેલી રહી આ ફાઇનલ
ગુજરાત ટાઇટન્સની ટીમ માટે અમદાવાદની આ ફાઇનલ મેચ ક્યારેય ન ભૂલાય તેવી સાબિત થઈ છે. ફાઇનલ મેચ પહેલા અને મેચ દરમિયાન પણ ટીમ ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થઈ હતી:
ચંદીગઢમાં તોફાન અને ફ્લાઇટ વિવાદ:
ગુજરાતની ટીમ આઈપીએલ ફાઇનલ રમવા માટે અમદાવાદ ઘણી મોડી પહોંચી હતી. ચંદીગઢમાં આવેલા ભારે વાવાઝોડા અને તોફાનના કારણે તેમની ફ્લાઇટ ત્યાં જ ફસાઈ ગઈ હતી, જેના લીધે ખેલાડીઓને ટ્રાવેલિંગમાં ભારે મુશ્કેલી પડી હતી.
ખેલાડીઓનો અતિશય થાક :
ખેલાડીઓ સતત મુસાફરી અને ઓછા દિવસોમાં વધુ મેચો રમવાના કારણે શારીરિક રીતે થાકી ગયા હતા. ક્રિકેટ ડાયરેક્ટર વિક્રમ સોલંકીએ મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં સ્વીકાર્યું કે, “અમે એવું કહીને વાત પૂરી કરવા નથી માંગતા કે માત્ર આરસીબી સારું રમી એટલે જીતી ગઈ. વાસ્તવિકતા એ છે કે અમે ખૂબ જ ઓછા દિવસોમાં સતત વધારે મેચો રમી હતી, જેના કારણે અમારા ખેલાડીઓ અતિશય થાકી ગયા હતા. અમે પણ હોમ ગ્રાઉન્ડ પર ટ્રોફી જીતવા માંગતા હતા, પણ નસીબે સાથ ન આપ્યો.”
ગુજરાત ટાઇટન્સ પાસે પોતાના હોમ ગ્રાઉન્ડ પર બીજી વખત આઈપીએલ ચેમ્પિયન બનવાની સુવર્ણ તક હતી, પરંતુ પહેલા મેચમાં હાર અને ત્યારબાદ આ બસ અકસ્માતની ઘટનાએ ટીમના પ્રશંસકોને પણ ચિંતામાં મૂકી દીધા છે.