બંને પુરુષોએ પોલીસ અત્યાચાર અને પારિવારિક હિંસાના આધારે શરણ માગી હતી; ઇમિગ્રેશન ટ્રિબ્યુનલે વાર્તામાં વિસંગતતાઓ હોવાનું કહી અપીલ ફગાવી
ન્યુઝીલેન્ડમાં શરણ (Refuge) માગી રહેલા બે ભારતીય પુરુષો, જેઓ પોતાને સમલૈંગિક સંબંધોમાં હોવાનું જણાવતા હતા, તેમને ન્યુઝીલેન્ડથી પાછા ભારત ડિપોર્ટ (દેશનિકાલ) કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
ઇમિગ્રેશન એન્ડ પ્રોટેક્શન ટ્રિબ્યુનલ (Immigration and Protection Tribunal) એ તારણ કાઢ્યું છે કે આ બંને પુરુષો પોતે ગે (Gay) હોવાનું સાબિત કરવામાં નિષ્ફળ રહ્યા છે, અને તેથી ન્યુઝીલેન્ડમાં પ્રોટેક્શન કે આશ્રય મેળવવા માટેનો તેમનો દાવો ટકી શકે તેમ નથી.
25 થી 30 વર્ષની વયના (Late 20s) આ બંને પુરુષો ઉત્તર ભારતના જમ્મુથી આવે છે. તેમણે દલીલ કરી હતી કે તેમના સમલૈંગિક સંબંધોને કારણે પરિવાર તરફથી થતી હિંસા, ધમકીઓ અને પોલીસના અત્યાચારથી બચવા માટે તેઓ 2023 માં ભારત છોડીને ભાગી ગયા હતા. તેઓ સાથે સુરક્ષિત રીતે જીવવા માટે ન્યુઝીલેન્ડ આવ્યા હોવાનો દાવો કર્યો હતો.
ટ્રિબ્યુનલે તેમની શરણાર્થી અરજી નકારવામાં આવ્યા બાદ માનવતાવાદી (Humanitarian) ધોરણે કરાયેલી અપીલને પણ તાજેતરના ચુકાદામાં ફગાવી દીધી છે. ટ્રિબ્યુનલે તેમની વાર્તાના લગભગ દરેક પાસાને અવિશ્વસનીય અને પરસ્પર વિરોધાભાસી ગણાવ્યા છે.
અદાલતના આદેશમાં સ્પષ્ટ લખ્યું છે કે, “અરજદારોનો સમલૈંગિક સંબંધોમાં હોવાનો અને જમ્મુમાં તેમના પરિવારો તથા પોલીસ દ્વારા મુશ્કેલીઓનો સામનો કર્યો હોવાનો દાવો તદ્દન ખોટો છે.” ત્યારબાદ પુરુષોએ ભારત પરત ફરવા પર આર્થિક તંગી અને ભેદભાવનો સામનો કરવો પડશે તેવી માનવતાવાદી અપીલ કરી હતી, જેને પણ કોર્ટે અમાન્ય રાખી છે.
નિવેદનોમાં જોવા મળેલી મુખ્ય વિસંગતતાઓ
બંને પુરુષોના જણાવ્યા મુજબ, તેઓ 2021 ના અંતમાં જમ્મુમાં એક લગ્ન પ્રસંગમાં મળ્યા હતા અને પ્રેમમાં પડ્યા હતા. જ્યારે પરિવારને ખબર પડી ત્યારે તેઓ પંજાબના અમૃતસર ભાગી ગયા હતા, પરંતુ પરિવારે તેમને શોધી કાઢ્યા, માર માર્યો અને પોલીસને સોંપી દીધા હતા જ્યાં પોલીસે તેમને આખી રાત માર માર્યો હતો.
જો કે, ટ્રિબ્યુનલે તેમના મૌખિક જવાબો, લેખિત નિવેદનો અને ઇમિગ્રેશન અધિકારીઓ સાથેના અગાઉના ઇન્ટરવ્યુની સરખામણી કરી ત્યારે ઘણા વિરોધાભાસ સામે આવ્યા:
- સાથે સમય વિતાવવા અંગે: એક પુરુષે દાવો કર્યો કે તેઓ રવિવારે ભાગ્યે જ સાથે સમય વિતાવતા કારણ કે તેઓ ઓફિસમાં સાથે જ કામ કરતા હતા. જ્યારે બીજા પુરુષે કહ્યું કે તેઓ મહિનામાં “એક કે બે વાર” સાથે સમય વિતાવતા અને પાર્ક તથા સ્વિમિંગ પૂલમાં જતા હતા.
- ગાડીનો વિવાદ: અમૃતસરથી પરિવાર તેમને કેવી રીતે પાછો લાવ્યો તે અંગે એકે કહ્યું કે તેમને એક જ કારમાં સાથે લાવવામાં આવ્યા હતા, જ્યારે બીજાએ કહ્યું કે તેમને અલગ-અલગ વાહનોમાં લાવવામાં આવ્યા હતા. ટ્રિબ્યુનલે નોંધ્યું કે જો આવી ઘટના સાચે જ બની હોય, તો વ્યક્તિને એટલું તો યાદ જ હોય કે તેઓ એક ગાડીમાં આવ્યા હતા કે અલગ ગાડીમાં.
- નોકરી અંગે શંકા: તેઓ જે કુરિયર કંપનીમાં સાથે કામ કરતા હોવાનો દાવો કરતા હતા, તેના વિશે પણ પ્રશ્નો ઉભા થયા. એક અરજદારે દાવો કર્યો કે તે ત્યાં 1 વર્ષ સુધી 10 કુરિયર બોયનો સુપરવાઈઝર હતો, પરંતુ તે કંપનીમાં કુલ કેટલા કર્મચારીઓ કામ કરતા હતા તેનો અંદાજ પણ તે આપી શક્યો નહીં.
- પોલીસ સ્ટેશન જવાનો દાવો: ટ્રિબ્યુનલને એ વાત પણ અવિશ્વસનીય લાગી કે જે પોલીસ સ્ટેશનમાં તેમને કથિત રીતે બેરહેમીથી માર મારવામાં આવ્યો હતો, તે જ પોલીસ સ્ટેશનમાં તેઓ કાયદેસર રીતે સાથે રહેવા માટે મદદ માગવા પોતાની મરજીથી પાછા ગયા હતા.
જૂના સંબંધોના કોઈ ઐતિહાસિક પુરાવા નહીં
આ બંને પુરુષો ભારતમાં તેમના જૂના સંબંધો દર્શાવતા કોઈ મેસેજ, ચેટ, કે ફોટોગ્રાફ્સ રજૂ કરી શક્યા નથી. તેમણે બચાવમાં જણાવ્યું કે તેમના પરિવારોએ તેમના ફોનમાંથી તમામ પુરાવા ડિલીટ (ભૂંસી) નાખ્યા હતા.
ટ્રિબ્યુનલે સ્વીકાર્યું કે જમ્મુ-કાશ્મીરમાં ધાર્મિક તણાવ, અસ્થિરતા અને આર્થિક મુશ્કેલીઓ છે, અને ભારતમાં એલજીબીટી (LGBT) સમુદાય તથા શીખ લોકો સામે ભેદભાવ અસ્તિત્વ ધરાવે છે. પરંતુ આ પુરુષો વ્યક્તિગત રીતે કોઈ ગંભીર જોખમ કે અત્યાચારનો સામનો કરી રહ્યા છે તે સાબિત થઈ શક્યું નથી. માત્ર કાશ્મીરની નબળી આર્થિક સ્થિતિ એ માનવતાવાદી ધોરણે ન્યુઝીલેન્ડમાં રહેવા માટેનો કાનૂની આધાર બની શકતી નથી.
આ બંને પુરુષો છેલ્લા અઢી વર્ષથી ન્યુઝીલેન્ડમાં રહીને બાગાયત (Horticulture) ક્ષેત્રમાં કામ કરતા હતા, પરંતુ ટ્રિબ્યુનલે જણાવ્યું કે ન્યુઝીલેન્ડ સાથે તેમના સંબંધો મર્યાદિત છે અને તેમનું મુખ્ય જોડાણ હજી પણ ભારત સાથે જ છે જ્યાં તેમના પરિવારો રહે છે. ઇમિગ્રેશન એક્ટ (Immigration Act) હેઠળ આ અપીલ સત્તાવાર રીતે ફગાવી દેવામાં આવી છે, જેથી હવે તેમને ભારત ડિપોર્ટ કરવામાં આવશે.