ડીઝલની ચોરીમાં પણ રેકોર્ડબ્રેક વૃદ્ધિ; ઈરાન યુદ્ધ અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ થતા વધેલા ભાવોને કારણે ગુનાખોરી વધી, પોલીસે ઈંધણની ચોરીના મામલામાં 370 થી વધુ કેસ દાખલ કર્યા
ન્યુઝીલેન્ડમાં ઈંધણના ભાવમાં થયેલા તોતિંગ વધારાની સાથે ઈંધણની ચોરીની ઘટનાઓમાં પણ મોટો ઉછાળો આવ્યો છે. માર્ચ મહિનાની શરૂઆતથી અત્યાર સુધીમાં પોલીસે ઈંધણની ચોરીના મામલામાં 370 થી વધુ કેસ દાખલ કર્યા છે.
ચોરીના આંકડામાં ચિંતાજનક વધારો
આસિસ્ટન્ટ કમિશનર (રોડ પોલિસિંગ) તુષા પેનીના જણાવ્યા અનુસાર, માર્ચ મહિનાની શરૂઆતથી ડીઝલની ચોરીમાં “નોંધપાત્ર” વધારો જોવા મળ્યો છે. માર્ચની શરૂઆતમાં અઠવાડિયાના સરેરાશ 20 ગુના નોંધાતા હતા, જે એપ્રિલમાં વધીને અઠવાડિયાના 50 થી વધુ થઈ ગયા છે. કેટલીક ઘટનાઓમાં તો 1000 લિટર થી વધુ ડીઝલની ચોરી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
પેટ્રોલ પંપ પર ‘ડ્રાઈવ-ઓફ’ ની ઘટનાઓ
માર્ચ મહિનાથી અત્યાર સુધીમાં પેટ્રોલ પંપ પરથી નાણાં ચૂકવ્યા વગર ગાડી ભગાવી જવાના (Petrol Drive-offs) કિસ્સામાં 28% નો વધારો થયો છે. સરેરાશ દર અઠવાડિયે અગાઉ કરતા 100 વધુ આવા કિસ્સાઓ પોલીસ ચોપડે નોંધાઈ રહ્યા છે. જોકે, પોલીસનું કહેવું છે કે ગત અઠવાડિયે આ વધારાની ગતિ થોડી ધીમી પડી છે.
ભાવ વધારાની સીધી અસર
ઈંધણની ચોરી પાછળનું મુખ્ય કારણ આંતરરાષ્ટ્રીય સ્તરે વધેલા ભાવ છે. સ્ટેટ્સ એનઝેડ (Stats NZ) ના ડેટા મુજબ:
- પેટ્રોલ: ફેબ્રુઆરી અને માર્ચ 2026 વચ્ચે ભાવમાં 18.6% નો વધારો થયો.
- ડીઝલ: સમાન ગાળામાં ભાવમાં 42.6% નો તોતિંગ વધારો ઝીંકાયો. ઈરાન સાથેના યુદ્ધ અને હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) બંધ થવાને કારણે વૈશ્વિક એનર્જી માર્કેટ પર પડેલી અસર ન્યુઝીલેન્ડના ગ્રાહકો ભોગવી રહ્યા છે.
પોલીસની કડક કાર્યવાહી અને અપીલ
પોલીસ આ પ્રકારના ગુનાઓને ગંભીરતાથી લઈ રહી છે અને તે માટે પેટ્રોલિયમ કંપનીઓ સાથે દર અઠવાડિયે બેઠક યોજી રહી છે. તુષા પેનીએ જણાવ્યું કે, “અમે કંપનીઓ સાથે મળીને ગુના અટકાવવા માટે કામ કરી રહ્યા છીએ અને અત્યાર સુધીમાં 370 થી વધુ ચાર્જ લગાવવામાં આવ્યા છે. ગુનેગારોએ જાણી લેવું જોઈએ કે પોલીસનું ધ્યાન તેમના પર જ છે.” પોલીસે જનતાને પણ અપીલ કરી છે કે જો કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તરત જ પોલીસનો સંપર્ક કરે.
પોલીસ અને તેલ કંપનીઓની ટીમે સાથે મળીને પેટ્રોલ પંપ પર સુરક્ષા અને નિવારક પગલાં અમલમાં મૂક્યા છે. પોલીસના જણાવ્યા મુજબ, ઝડપી પ્રતિસાદ અને કંપનીઓની સતર્કતાને કારણે હવે ચોરીના ગ્રાફમાં સુધારો થવાની અપેક્ષા છે.