નિકાસ પરનો ટેક્સ શૂન્ય થશે; આગામી 15 વર્ષમાં 20 અબજ ડોલરના રોકાણ અને લાખો નોકરીઓની અપેક્ષા, ન્યુઝીલેન્ડ દ્વારા અત્યાર સુધી કરવામાં આવેલો સર્વોચ્ચ ગુણવત્તાનો FTA- ટોડ મેકલે


ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આજે Free trade Agreement
કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે, સોમવારે જે કરાર પર હસ્તાક્ષર થવાના છે તેનાથી ભારતમાંથી ન્યુઝીલેન્ડ જતી તમામ ચીજવસ્તુઓ પરનો ટેક્સ (ડ્યુટી) નાબૂદ થશે. આગ્રા, જે ભારતના કુલ ચામડાના ફૂટવેરના 75% ઉત્પાદનનો હિસ્સો ધરાવે છે, તેને આનો સીધો ફાયદો મળશે. હાલમાં ફૂટવેર પર જે 5% ટેરિફ લાગે છે તે શૂન્ય થઈ જશે, જેનાથી ભારતીય નિકાસકારો ન્યુઝીલેન્ડના બજારમાં વધુ મજબૂત રીતે સ્પર્ધા કરી શકશે. ‘કાઉન્સિલ ફોર લેધર એક્સપોર્ટ્સ’ (CLE) મુજબ, 2030 સુધીમાં આ ક્ષેત્ર 50 અબજ ડોલર સુધી પહોંચવાની ક્ષમતા ધરાવે છે.
વ્યાપક ભાગીદારી: માત્ર વ્યાપાર નહીં, પ્રતિભાની પણ આપ-લે
આ FTA માત્ર ટેરિફ ઘટાડવા પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે એક વ્યાપક માળખું છે. તેમાં કૃષિ ઉત્પાદકતા, રોકાણ, પર્યટન અને ‘ટેલેન્ટ મોબિલિટી’ (કુશળ વ્યવસાયિકોની અવરજવર) નો પણ સમાવેશ થાય છે. આ કરારથી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેનો દ્વિપક્ષીય વ્યાપાર, જે હાલમાં અંદાજે 2.4 અબજ ડોલર છે, તેને બમણો કરવાનું લક્ષ્ય છે. ન્યુઝીલેન્ડે આગામી 15 વર્ષમાં ભારતમાં 20 અબજ ડોલરના રોકાણની ખાતરી આપી છે, જે ભારતીય અર્થતંત્રમાં મોટો ઉછાળો લાવશે.
ફાર્માસ્યુટિકલ અને આયુષ માટે સારા સમાચાર
દવાઓ અને મેડિકલ ડિવાઈસ ઉદ્યોગે પણ આ કરારને વધાવ્યો છે. નવા નિયમો મુજબ, ન્યુઝીલેન્ડમાં ભારતીય દવાઓની મંજૂરી માટેની પ્રક્રિયા ઝડપી બનશે અને અનુપાલનનો બોજ ઘટશે. સૌથી મહત્વની બાબત એ છે કે, આ કરારમાં પ્રથમ વખત ‘આયુષ’ (પરંપરાગત ચિકિત્સા પદ્ધતિ) માટે એક સમર્પિત પ્રકરણ સામેલ કરવામાં આવ્યું છે, જે ભારતીય પરંપરાગત સારવાર પદ્ધતિને આંતરરાષ્ટ્રીય માન્યતા અપાવશે.
MSME અને મહિલા સાહસિકોને પ્રોત્સાહન
મંત્રી પીયૂષ ગોયલે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ કરારનો લાભ દરેક સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSME) સુધી પહોંચવો જોઈએ. આ ડીલથી માત્ર મોટા ઉદ્યોગો જ નહીં, પરંતુ ખેડૂતો, મહિલા સાહસિકો, વિદ્યાર્થીઓ અને કુશળ વ્યાવસાયિકોને પણ સીધો ફાયદો થશે. ન્યુઝીલેન્ડના મંત્રી ટોડ મેકલેએ ભારતને વ્યૂહાત્મક પ્રાથમિકતા ગણાવતા કહ્યું હતું કે આ ન્યુઝીલેન્ડ દ્વારા અત્યાર સુધી કરવામાં આવેલો સર્વોચ્ચ ગુણવત્તાનો FTA છે.
દ્વિપક્ષીય વ્યાપારમાં નોંધપાત્ર વૃદ્ધિ
વાણિજ્ય મંત્રાલયના આંકડા મુજબ, ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેનો વ્યાપાર નાણાકીય વર્ષ 2024 માં 873 મિલિયન ડોલર હતો, જે નાણાકીય વર્ષ 2025 માં વધીને 1.3 અબજ ડોલર થયો છે. ભારત મુખ્યત્વે ફાર્માસ્યુટિકલ્સ, ટેક્સટાઇલ, એન્જિનિયરિંગ સામાન અને ચામડાની પેદાશોની નિકાસ કરે છે, જ્યારે ન્યુઝીલેન્ડથી ઊન, લાકડું, ફળો અને ફાર્મ પ્રોડક્ટ્સની આયાત થાય છે. આ નવો કરાર બંને દેશોના આર્થિક સંબંધોને નવી ઊંચાઈએ લઈ જશે.