પક્ષમાં 298 અને વિરોધમાં 230 મત પડ્યા: પરિસીમન અને OBC અનામતના મુદ્દે સત્તાપક્ષ અને વિરોધપક્ષ આમને-સામને
સંસદના ત્રણ દિવસીય વિશેષ સત્ર દરમિયાન મહિલા અનામત સંબંધિત 131માં સુધારા બિલને પસાર કરી શકાયું નથી. શુક્રવારે સાંજે થયેલી વોટિંગમાં બિલને જરૂરી બે તૃતીયાંશ બહુમતી ન મળતા તે ફગાવી દેવામાં આવ્યું છે. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ જાહેર કર્યું કે કુલ 528 મત પડ્યા હતા, જેમાંથી બિલની તરફેણમાં 298 અને વિરોધમાં 230 મત પડ્યા હતા. બિલ પાસ કરવા માટે 352 મતોની જરૂર હતી, એટલે કે જરૂરિયાત કરતા 54 મત ઓછા પડ્યા હતા.
ગૃહમંત્રી અમિત શાહે પરિસીમનની અનિવાર્યતા સમજાવી. અમિત શાહે દલીલ કરી હતી કે હાલમાં સંસદીય મતવિસ્તારોમાં મતદારોની સંખ્યામાં ભારે અસમાનતા છે. કોઈ વિસ્તારમાં 49 લાખ મતદારો છે તો ક્યાંક માત્ર 60,000 છે. આટલા મોટા વિસ્તારોમાં સાંસદ માટે મતદારોની અપેક્ષાઓ પૂરી કરવી મુશ્કેલ છે. આ જ કારણોસર બંધારણમાં સમયાંતરે પરિસીમન (Delimitation) ની જોગવાઈ કરવામાં આવી છે, જેથી મતદારોનું પ્રતિનિધિત્વ યોગ્ય રીતે થઈ શકે.
વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ બિલને “છલાવો” ગણાવ્યું. રાહુલ ગાંધીએ જોરદાર વિરોધ કરતા કહ્યું કે આ બિલ ખરેખર મહિલાઓના હિત માટે નથી, પરંતુ ચૂંટણી નકશા (Electoral Map) ને બદલવાનો એક પ્રયાસ છે. તેમણે દાવો કર્યો હતો કે આ બિલ દ્વારા અસલ મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવામાં આવી રહ્યું છે અને તેની પાછળ ઊંડું રાજકીય ગણિત છુપાયેલું છે. તેમણે અગાઉ જ આશંકા વ્યક્ત કરી હતી કે આ બિલ પસાર થશે નહીં.
પ્રિયંકા ગાંધીએ OBC અનામત અને જૂની વસ્તી ગણતરીનો મુદ્દો ઉઠાવ્યો. કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીએ સ્પષ્ટ કર્યું કે તેમની પાર્ટી મહિલા અનામતની વિરુદ્ધ નથી, પરંતુ જે રીતે તેને લાગુ કરવામાં આવી રહ્યું છે તેની સામે વાંધો છે. તેમણે કહ્યું કે OBC વર્ગનો સમાવેશ કર્યા વિના અને જૂની વસ્તી ગણતરીના આધારે પરિસીમન કરીને અનામત લાગુ કરવી એ બંધારણની મૂળ ભાવનાની વિરુદ્ધ છે. તેમણે આ બિલના પડવાને લોકશાહી અને દેશની એકતાની જીત ગણાવી હતી.
સરકાર અને વિરોધ પક્ષ વચ્ચે વૈચારિક સંઘર્ષ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ પક્ષોને મહિલા સશક્તિકરણ માટે આ બિલને સમર્થન આપવા અપીલ કરી હતી, પરંતુ વિરોધ પક્ષે તેને “બંધારણ પર હુમલો” ગણાવીને ફગાવી દીધું. સરકાર આને મહિલા પ્રતિનિધિત્વ તરફનું મોટું કદમ માની રહી હતી, જ્યારે વિરોધ પક્ષ તેને રાજકીય માળખામાં ફેરફાર કરવાની વ્યૂહરચના તરીકે જોઈ રહ્યો છે.