વિક્ટોરિયા લિબરલ પાર્ટીનો મોટો નિર્ણય: સત્તામાં આવશે તો 3,000 વધારાના પોલીસ જવાનોની ભરતી કરશે, વિદેશી અનુભવી અધિકારીઓને આકર્ષવા માટે $5,000ના રિલોકેશન ભથ્થાની જાહેરાત

વિક્ટોરિયામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધારવા માટે વિપક્ષી લિબરલ પાર્ટીએ એક મોટી યોજના જાહેર કરી છે. આ નીતિ હેઠળ, કુલ 3,000 નવા પોલીસ અધિકારીઓની ભરતી કરવાનું લક્ષ્ય છે, જેમાંથી અડધા (અંદાજે 1,500) અધિકારીઓની ભરતી વિદેશથી કરવામાં આવશે.

લિબરલ પાર્ટીની યોજના મુજબ, બ્રિટન, આયર્લેન્ડ અને ન્યુઝીલેન્ડ જેવા દેશોના અનુભવી પોલીસ અધિકારીઓને વિક્ટોરિયામાં લાવવામાં આવશે. આ આંતરરાષ્ટ્રીય ભરતી પાછળનો હેતુ પોલીસ દળમાં રહેલી સ્ટાફની અછતને ઝડપથી દૂર કરવાનો અને અનુભવી અધિકારીઓને તાત્કાલિક ફરજ પર તૈનાત કરવાનો છે. જે અધિકારીઓ વિદેશથી આવશે તેમને સ્થાયી થવા માટે સરકાર તરફથી $5,000 નું વિશેષ ભથ્થું પણ આપવામાં આવશે.

વિરોધ પક્ષના નેતા જેસ વિલ્સને જણાવ્યું હતું કે રાજ્યમાં ગુનાખોરીનો દર વધ્યો છે અને સુરક્ષા વ્યવસ્થા નબળી પડી છે. તેમણે દાવો કર્યો હતો કે હાલમાં અનેક પોલીસ સ્ટેશનો બંધ છે અથવા ઓછા સમય માટે કામ કરે છે, જેના કારણે લોકોને સમયસર પોલીસની મદદ મળતી નથી. લિબરલ પાર્ટીનો દાવો છે કે આ નવી ભરતીથી ૪૦ થી વધુ બંધ પોલીસ સ્ટેશનો ફરીથી શરૂ કરી શકાશે અને શેરીઓમાં પોલીસની હાજરી વધશે.

આ ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા અને ઝડપ લાવવા માટે સ્પેશિયલ ટીમોની રચના કરવામાં આવશે. શેડો પોલીસ મિનિસ્ટર બ્રેડ બેટિને સ્પષ્ટ કર્યું હતું કે વિદેશી ઉમેદવારોના બેકગ્રાઉન્ડ ચેક અને હાયરિંગની પ્રક્રિયાને ઝડપી બનાવવામાં આવશે. જોકે, આ આંતરરાષ્ટ્રીય અધિકારીઓએ વિક્ટોરિયા પોલીસ એકેડેમીમાં જરૂરી તાલીમ અને કાર્યક્રમોમાંથી પસાર થવું ફરજિયાત રહેશે જેથી તેઓ સ્થાનિક કાયદાઓથી માહિતગાર થઈ શકે.

જોકે, આ યોજના સામે કેટલાક પડકારો પણ છે, જે અગાઉ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં જોવા મળ્યા હતા. વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં પણ આવી જ યોજના લાગુ કરવામાં આવી હતી, પરંતુ વિઝા પાત્રતા અને માઈગ્રેશન એક્ટના કડક નિયમોને કારણે ભરતીના લક્ષ્યાંકો પૂરા થઈ શક્યા નહોતા. આ ઉપરાંત, વિદેશી અધિકારીઓને સ્થાનિક પોલીસ માળખામાં સેટ કરવામાં અને બેકગ્રાઉન્ડ વેરિફિકેશનમાં થતા વિલંબ જેવી સમસ્યાઓ પણ લિબરલ પાર્ટી માટે પડકારરૂપ સાબિત થઈ શકે છે.