2025ના જૂના પરિણામોમાં એક માત્ર કુણાલ ભલ્લાનો પરાજય, લેબર પાર્ટીની વી.હૌસિયા પ્રથમ નંબરે, ગત ચૂંટણી રદ્દ થયા બાદ ઓટારા-પાપેટોઇટોઇ લોકલ બોર્ડની ચૂંટણી ફરીથી આયોજિત કરાઇ હતી
ઓકલેન્ડ કાઉન્સિલના ગવર્નન્સ એન્ડ એન્ગેજમેન્ટ જનરલ મેનેજર લૂ-એન બેલેન્ટાઈન દ્વારા 10 એપ્રિલ 2026 ના રોજ પાપાટોઈટોઈ સબડિવિઝન (ઓટારા-પાપાટોઈટોઈ લોકલ બોર્ડ) ની પેટા-ચૂંટણીના અંતિમ અને સત્તાવાર પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. આ પરિણામોમાં ભારતીય મૂળના ઉમેદવારોએ શાનદાર પ્રદર્શન કરી વિજય મેળવ્યો છે.
ચૂંટાયેલા સભ્યો અને મેળવેલા મતોની વિગત
આ સત્તાવાર પરિણામો મુજબ, 2025-2028 ના કાર્યકાળ માટે નીચે મુજબના ઉમેદવારો ઓટારા-પાપાટોઈટોઈ લોકલ બોર્ડના નવા સભ્યો તરીકે ચૂંટાયા છે:
| ક્રમ | ઉમેદવારનું નામ | પક્ષ/જોડાણ | મેળવેલા મતો |
| 1 | વી હૌસિયા (Vi HAUSIA) | લેબર પાર્ટી (Labour) | 2858 |
| 2 | જીત સિંઘ (Jeet SINGH) | પાપાટોઈટોઈ ઓટારા એક્શન ટીમ | 2503 |
| 3 | સંદીપ સૈની (Sandeep SAINI) | પાપાટોઈટોઈ ઓટારા એક્શન ટીમ | 2499 |
| 4 | કુષ્મા નાયર (Kushma NAIR) | પાપાટોઈટોઈ ઓટારા એક્શન ટીમ | 2399 |
ભારતીય સમુદાયનો દબદબો
આ પરિણામોની સૌથી મોટી વિશેષતા એ છે કે ટોચના 4 વિજેતા ઉમેદવારોમાંથી 3 ઉમેદવારો (જીત સિંઘ, સંદીપ સૈની અને કુષ્મા નાયર) ભારતીય મૂળના છે. આ તમામ વિજેતા ભારતીય ઉમેદવારો ‘પાપાટોઈટોઈ ઓટારા એક્શન ટીમ’ સાથે જોડાયેલા છે. આ જીત ઓકલેન્ડના સ્થાનિક રાજકારણમાં ભારતીય સમુદાયના વધતા પ્રભાવ અને એકતાને દર્શાવે છે.
ઓકલેન્ડ કાઉન્સિલનો પ્રતિભાવ
કાઉન્સિલના અધિકારી લૂ-એન બેલેન્ટાઈને આ નવી ચૂંટણીમાં થયેલા મતદાન અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, “હું આ તમામ ચૂંટાયેલા સભ્યોને અભિનંદન પાઠવું છું અને 2025-2028 ના ચૂંટણી ટર્મ માટે ઓટારા-પાપાટોઈટોઈ લોકલ બોર્ડમાં તેમનું સ્વાગત કરું છું.”
પાપાટોઈટોઈ સબડિવિઝનની આ રિ-રન (ફરીથી યોજાયેલી) ચૂંટણીના પરિણામોએ સ્થાનિક પ્રશ્નો ઉકેલવા માટે ભારતીય પ્રતિનિધિઓ પર વિશ્વાસ મૂક્યો છે. હવે આ નવા સભ્યો આગામી ત્રણ વર્ષ સુધી વિસ્તારના વિકાસ, સુરક્ષા અને સામુદાયિક સુવિધાઓ માટે કાર્ય કરશે. આ સફળતા અન્ય ભારતીય મૂળના યુવાનોને પણ ન્યુઝીલેન્ડના જાહેર જીવનમાં આવવા માટે પ્રેરણા આપશે.