મુદત પૂરી થાય તે પહેલાં પદ છોડવાનો નિર્ણય, વિલ્સને 2022માં ટાટા ગ્રૂપની એરલાઇન્સ એર ઇન્ડિયા જોઇન કરી હતી, યુદ્ધ અને આર્થિક નુકસાન વચ્ચે સાથ છોડ્યો

એર ઇન્ડિયાના સીઈઓ કેમ્પબેલ વિલ્સને તેમની મુદત ૨૦૨૭માં પૂરી થવાની હતી તે પહેલાં જ રાજીનામું આપી દીધું છે. ન્યૂઝીલેન્ડમાં જન્મેલા વિલ્સન, નવા ઉત્તરાધિકારીની નિમણૂક ન થાય ત્યાં સુધી પદ પર રહેશે. સિંગાપોર એરલાઇન્સના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ વિલ્સનને ૨૦૨૨માં ટાટા ગ્રૂપ દ્વારા એર ઇન્ડિયાના કાયાકલ્પ માટે લાવવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે એરલાઇનમાં પાયાના પરિવર્તનો થઈ ગયા હોવાથી હવે સત્તા સોંપવાનો આ યોગ્ય સમય છે.

ગંભીર સુરક્ષા ક્ષતિઓ અને વિમાન દુર્ઘટના

વિલ્સનનું રાજીનામું એવા સમયે આવ્યું છે જ્યારે એરલાઇન અનેક વિવાદોમાં ઘેરાયેલી છે. ગયા વર્ષે જૂન મહિનામાં લંડન જઈ રહેલું બોઇંગ 787 ડ્રીમલાઇનર ટેક-ઓફની થોડી જ સેકન્ડોમાં તૂટી પડ્યું હતું, જેમાં વિમાનમાં સવાર ૨૪૧ અને જમીન પરના ૧૯ સહિત કુલ ૨૬૦ લોકોના મોત થયા હતા. એવિએશન રેગ્યુલેટર્સે એર ઇન્ડિયાને એરવર્થિનેસ સર્ટિફિકેટ વગર વિમાન ઉડાડવા અને ઇમરજન્સી સાધનોની તપાસ વગર કામગીરી કરવા બદલ સખત ઠપકો આપ્યો હતો.

યુદ્ધ અને આર્થિક નુકસાનનો મોટો ફટકો

ઈરાન અને અમેરિકા-ઈઝરાયેલ વચ્ચેના યુદ્ધને કારણે એર ઇન્ડિયાની આર્થિક સ્થિતિ વધુ કથળી છે:

  • રૂટમાં ફેરફાર: ગલ્ફના આકાશમાં અવરોધ હોવાથી એર ઇન્ડિયાને યુરોપ અને ઉત્તર અમેરિકાની ફ્લાઈટ્સ આફ્રિકા પરથી ફેરવવી પડી રહી છે, જેનાથી મુસાફરીનો સમય અને ઈંધણ ખર્ચમાં મોટો વધારો થયો છે.
  • જંગી નાણાકીય નુકસાન: ૨૦૨૪-૨૫માં એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસનું કુલ નુકસાન રૂ. ૯૮.૦૮ અબજ રહ્યું હતું, જે આગામી વર્ષે વધીને રૂ. ૨૦૦ અબજ સુધી પહોંચવાની આશંકા છે.

હરીફ કંપની ઇન્ડિગોમાં પણ ફેરફાર

એર ઇન્ડિયામાં આ ફેરફાર એવા સમયે થઈ રહ્યો છે જ્યારે તેની હરીફ કંપની ઇન્ડિગોએ પણ નવા સીઈઓ તરીકે વિલી વોલ્શની નિમણૂક કરી છે. ઇન્ડિગોના અગાઉના સીઈઓ પીટર એલ્બર્સે ડિસેમ્બર ૨૦૨૫માં થયેલી ૫,૦૦૦ જેટલી ફ્લાઈટ્સ રદ થવાની ઘટના બાદ રાજીનામું આપ્યું હતું.

કેમ્પબેલ વિલ્સનના નેતૃત્વમાં એર ઇન્ડિયાએ ૪ એરલાઇન્સનું મર્જર કર્યું અને ૬૦૦ નવા વિમાનોનો ઓર્ડર આપ્યો છે, પરંતુ સુરક્ષા અને આર્થિક પડકારો હવે નવા સીઈઓ માટે મોટી કસોટી સમાન રહેશે.