ફિજીમાં પાયમાલી બાદ ન્યૂઝીલેન્ડ તરફ પ્રયાણ, 8 મીટર ઉંચા મોજાની Metserviceની ચેતવણી, શનિવાર રાતથી રવિવાર સુધી હવામાનમાં મોટો પલટો આવશે
ફિજી મેટિયોરોલોજિકલ સર્વિસના જણાવ્યા અનુસાર, ‘કેટેગરી-3’ ના Cyclone Vaianu તોફાને ફિજીમાં ભારે તબાહી મચાવી છે. તોફાનના કેન્દ્રમાં પવનની ગતિ 130 કિમી/કલાક હતી, જ્યારે પવનના ઝાપટાં (Gusts) 185 કિમી/કલાક ની પ્રચંડ ગતિએ ફૂંકાયા હતા. આને કારણે ફિજીમાં અનેક જગ્યાએ વીજળી ગુલ થઈ ગઈ છે અને હવામાન વિભાગની કેટલીક સિસ્ટમ્સ પણ ખોરવાઈ ગઈ છે. ફિજીમાં શાળાઓ બંધ કરી દેવામાં આવી છે અને અનેક ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. જોકે, હવે આ તોફાન ફિજીથી દૂર જઈ રહ્યું હોવાથી ત્યાં જોખમ ઘટ્યું છે.
ન્યૂઝીલેન્ડ માટે આગામી 24 કલાક નિર્ણાયક
- વેધર એલર્ટ: મેટસર્વિસ આગામી 24 કલાકમાં ચક્રવાત વાયાનુ માટે સત્તાવાર ચેતવણીઓ (Watches/Warnings) જાહેર કરશે.
- ન્યૂઝીલેન્ડમાં પ્રવેશ: આજે રાત સુધીમાં આ ચક્રવાત ન્યૂઝીલેન્ડના દરિયાઈ ક્ષેત્રમાં પ્રવેશશે અને શનિવાર સુધીમાં દેશના ઉત્તર ભાગ (Northland) સુધી પહોંચી જશે.
- રવિવારની અસર: રવિવારે આ ચક્રવાત નોર્થ આઈલેન્ડ પરથી પસાર થઈને મધ્યરાત્રિ સુધીમાં ‘ઈસ્ટ કેપ’ (East Cape) તરફ આગળ વધશે.

ભયાનક મોજા અને પૂરનું જોખમ
- 8 મીટર ઊંચા મોજા: રવિવારે વહેલી સવારે 1 વાગ્યાથી ફાર નોર્થ (Far North) ના પૂર્વી વિસ્તારોમાં 8 મીટર (આશરે 26 ફૂટ) જેટલા ઊંચા અને વિશાળ દરિયાઈ મોજા ઉછળવાની આગાહી છે. આ અસરો સોમવાર બપોર સુધીમાં ગિસ્બોર્ન (Gisborne) સુધી પહોંચશે.
- ભારે વરસાદ: આ ચક્રવાતને કારણે 24 કલાકમાં 50mm થી 100mm જેટલો ભારે વરસાદ પડી શકે છે. તારા રુઆ (Tararua) અને મનાવાટુ (Manawatū) જિલ્લાઓમાં ભારે વાવાઝોડાની પણ શક્યતા છે.
સ્થાનિક તંત્રની ચિંતા
વાંગારેઈ (Whangārei) ના મેયર કેન કુપરના જણાવ્યા મુજબ, ઉત્તર-પૂર્વીય પ્રદેશો પહેલેથી જ બે મોટા તોફાનોનો સામનો કરી રહ્યા છે અને હવે આ નવા ચક્રવાતને કારણે પરિસ્થિતિ વધુ વણસી શકે છે. તેમણે કહ્યું કે આ પ્રદેશ અત્યારે “એક તાંતણે લટકી રહ્યો છે” (Hanging by a thread). નેશનલ ઇમરજન્સી મેનેજમેન્ટ એજન્સી (NEMA) અને સિવિલ ડિફેન્સ અત્યારે સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે.