રાષ્ટ્રપતિ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર જાહેર કર્યું છે કે ઈરાન સાથે બે અઠવાડિયાના યુદ્ધવિરામ માટે સહમતી સધાઈ છે. અમેરિકા આ સમયગાળા દરમિયાન બોમ્બમારો અને હુમલાઓ સ્થગિત રાખશે

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પુષ્ટિ કરી છે કે આ ‘ડબલ-સાઇડેડ સીઝફાયર’ (બંને પક્ષે યુદ્ધવિરામ) પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ સાથેની વાતચીત બાદ શક્ય બન્યો છે. શહબાઝ શરીફે ટ્રમ્પને વિનંતી કરી હતી કે ઈરાન પર આજે રાત્રે જે “વિનાશક શક્તિ” મોકલવામાં આવી રહી છે, તેને રોકવામાં આવે.
યુદ્ધવિરામની શરતો ટ્રમ્પે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટ ‘ટ્રુથ સોશિયલ’ પર લખ્યું:
“જો ઈરાન ઇસ્લામિક રિપબ્લિક સ્ટ્રેટ ઓફ હોર્મુઝને સંપૂર્ણ, તાત્કાલિક અને સુરક્ષિત રીતે ખોલવા માટે સંમત થાય, તો હું બે અઠવાડિયાના સમયગાળા માટે ઈરાન પરના બોમ્બમારો અને હુમલાઓને સ્થગિત કરવા સંમત છું. આ બંને પક્ષો તરફથી યુદ્ધવિરામ રહેશે!”
લશ્કરી ઉદ્દેશ્યો અને લાંબા ગાળાની શાંતિ ટ્રમ્પે એવો દાવો પણ કર્યો હતો કે અમેરિકાએ તેના તમામ “લશ્કરી ઉદ્દેશ્યો” પહેલેથી જ પાર પાડી દીધા છે. તેમણે ઉમેર્યું કે અમેરિકા અત્યારે ઈરાન અને મધ્ય પૂર્વમાં લાંબા ગાળાની શાંતિ માટેના ચોક્કસ કરારની ખૂબ નજીક છે.
10-મુદ્દાનો શાંતિ પ્રસ્તાવ ટ્રમ્પના જણાવ્યા મુજબ:
- અમેરિકાને ઈરાન તરફથી 10 મુદ્દાનો પ્રસ્તાવ મળ્યો છે, જે વાટાઘાટો માટે એક મજબૂત આધાર છે.
- ભૂતકાળના વિવાદના લગભગ તમામ મુદ્દાઓ પર અમેરિકા અને ઈરાન વચ્ચે સહમતી સધાઈ ગઈ છે.
- આ બે અઠવાડિયાનો સમયગાળો કરારને અંતિમ ઓપ આપવા અને તેને પૂર્ણ કરવા માટે આપવામાં આવ્યો છે.
ડેડલાઈન પહેલાની રાહત આ જાહેરાત ટ્રમ્પ દ્વારા આપવામાં આવેલી ડેડલાઈન (જેમાં તેમણે “આખી સંસ્કૃતિ” ખતમ કરવાની ધમકી આપી હતી) પૂરી થવાના માત્ર દોઢ કલાક પહેલા કરવામાં આવી હતી. ટ્રમ્પે અંતમાં જણાવ્યું હતું કે, “યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ તરીકે અને મધ્ય પૂર્વના દેશોના પ્રતિનિધિ તરીકે, આ લાંબા ગાળાની સમસ્યાના ઉકેલ તરફ આગળ વધવું એ મારા માટે સન્માનની વાત છે.”