પતિના લોહીવાળા શૂઝ (પગરખાં) કચરાપેટીમાં છુપાવ્યા હતા; ગુરજીત સિંહની હત્યાના કેસમાં પત્ની પર પણ કાયદાકીય સકંજો
ડ્યુનેડિન: ન્યુઝીલેન્ડના ડ્યુનેડિનમાં 2024 માં થયેલી ગુરજીત સિંહની નિર્મમ હત્યાના કેસમાં એક નવો વળાંક આવ્યો છે. આ કેસમાં દોષિત ઠરેલા હત્યારા રાજિન્દર સિંહની પત્ની ગુરપ્રીત કૌરે મંગળવારે હાઈકોર્ટમાં કબૂલાત કરી છે કે તેણે તેના પતિને બચાવવા માટે મહત્વના પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો. અત્યાર સુધી ગુરપ્રીતની સંડોવણીના સમાચાર દબાવવામાં આવ્યા હતા (Suppressed), પરંતુ તેના ગુનાની કબૂલાત બાદ હવે આ વિગતો જાહેર થઈ છે.
પોલીસ પૂછપરછ અને શંકાસ્પદ વર્તન
કોર્ટમાં રજૂ કરાયેલી વિગતો (Summary of Facts) મુજબ, 5 ફેબ્રુઆરીના રોજ જ્યારે પોલીસ ગુરપ્રીતના કામના સ્થળે પહોંચી અને તેને નિવેદન આપવા જણાવ્યું, ત્યારે જે ઘટના બની તે ફિલ્મી દ્રશ્ય જેવી હતી:
- બાથરૂમનો સહારો: પોલીસ સ્ટેશન જવા નીકળતા પહેલા ગુરપ્રીતે પોતાની હેન્ડબેગ સાથે બાથરૂમ જવાની પરવાનગી માંગી હતી.
- શંકાસ્પદ હલચલ: તે બાથરૂમના કેબિનમાં ઘણી મિનિટો સુધી અંદર રહી હતી અને બે વાર ‘ફ્લશ’ કરવાનો અવાજ આવ્યો હતો. જ્યારે તે બહાર આવી ત્યારે તે ખૂબ જ ગભરાયેલી હતી, તેને પરસેવો વળી રહ્યો હતો અને તે ધ્રૂજી રહી હતી.
કચરાપેટીમાંથી મળ્યા ‘પુરાવા’
ગુરપ્રીત બહાર આવ્યા બાદ પોલીસે શંકાના આધારે તે કેબિનની તપાસ કરી, જ્યાં કચરાપેટીમાંથી એક બેગ મળી આવી હતી. આ બેગમાં ડાર્ક કલરના લેસ વાળા શૂઝ હતા.
- ગુરપ્રીતની દલીલ: શરૂઆતમાં તેણે આ શૂઝ વિશે અજાણ હોવાનો દાવો કર્યો. બાદમાં તેણે કબૂલ્યું કે આ શૂઝ તેના પતિના હતા અને પતિને તે ગમતા ન હોવાથી તેને આપી દીધા હતા. તેણે ડરના માર્યા આ શૂઝ કચરાપેટીમાં ફેંક્યા હોવાનું સ્વીકાર્યું હતું.
- ફોરેન્સિક રિપોર્ટ: તપાસમાં આ શૂઝના તળિયામાંથી કાચના ટુકડાઓ મળી આવ્યા હતા, જે હત્યાના સ્થળે તૂટેલી બારીના કાચ સાથે સંપૂર્ણપણે મેળ ખાતા હતા.
સજા અને કાયદાકીય સ્થિતિ
ગુરપ્રીત કૌર હાલ જામીન પર છે અને તેને 7 જુલાઈના રોજ સજા સંભળાવવામાં આવશે. બીજી તરફ, મુખ્ય હત્યારા રાજિન્દર સિંહને આવતીકાલે એટલે કે 1 એપ્રિલના રોજ સજા ફટકારવામાં આવશે. ગત ડિસેમ્બરમાં જ જ્યુરી ટ્રાયલ બાદ રાજિન્દરને હત્યા માટે દોષિત ઠેરવવામાં આવ્યો હતો.