અમેરિકામાં ૫૦ વર્ષ પછી બનશે પ્રથમ નવી ઓઇલ રિફાઇનરી, મુકેશ અંબાણીના 300 અબજ ડોલરના રોકાણની ટ્રમ્પે કર્યું એલાન, ટેક્સાસના બ્રાઉન્સવિલે પોર્ટ પર સ્થિત આ પ્લાન્ટ ૧૦૦% અમેરિકન શેલ ઓઇલ (Shale Oil) પર કામ કરશે.

વોશિંગ્ટન/બ્રાઉન્સવિલે: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે એક ઐતિહાસિક જાહેરાત કરતા જણાવ્યું છે કે, ભારતીય અબજોપતિ મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી અમેરિકામાં છેલ્લા 50 વર્ષમાં પ્રથમ નવી ઓઇલ રિફાઇનરી સ્થપાશે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર આ 300 અબજ ડોલરના પ્રોજેક્ટને અમેરિકાના ઇતિહાસનો સૌથી મોટો રોકાણ સોદો ગણાવ્યો છે.

અમેરિકા-ભારતની ભાગીદારી: ટ્રમ્પે આ જંગી રોકાણ માટે ભારતની સૌથી મોટી ખાનગી ઉર્જા કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો આભાર માન્યો હતો. નોંધનીય છે કે રિલાયન્સ પાસે ભારતના જામનગરમાં પહેલેથી જ વિશ્વની સૌથી મોટી ઓઇલ રિફાઇનરી છે. આ નવો પ્રોજેક્ટ ટેક્સાસના બ્રાઉન્સવિલે પોર્ટ પર ‘અમેરિકા ફર્સ્ટ રિફાઇનિંગ’ દ્વારા વિકસાવવામાં આવી રહ્યો છે, જે સંપૂર્ણપણે અમેરિકન શેલ ઓઇલ પર આધારિત હશે.

વ્યૂહાત્મક મહત્વ: ટ્રમ્પના જણાવ્યા અનુસાર, આ પ્રોજેક્ટ અમેરિકાની ઉર્જા ઉત્પાદન ક્ષમતામાં વધારો કરશે અને અબજો ડોલરની આર્થિક અસરો પેદા કરશે. તેલ બજારના નિષ્ણાતો માને છે કે ઇરાન અને ઇઝરાયેલ-અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ 120 ડોલરની આસપાસ પહોંચી ગયા છે, ત્યારે આ નવી રિફાઇનરી અમેરિકા માટે ઉર્જા સુરક્ષા કવચ પૂરું પાડશે.

બજારની સ્થિતિ: આ જાહેરાત સમયે અમેરિકન ક્રૂડ ઓઇલના ભાવ 1.15% વધીને 84.71 ડોલર અને બ્રેન્ટ ક્રૂડ 1.33% વધીને 88.98 ડોલર પર ટ્રેડ કરી રહ્યા હતા. આ પ્રોજેક્ટથી શેલ ઓઇલ રિફાઇનર્સને મોટો ફાયદો થવાની અપેક્ષા છે.