ઇમિગ્રેશન કાયદા હેઠળ જો કોઈ વિઝા ધારક ગેરવર્તણૂક અથવા ફેડરલ કાયદાનું ઉલ્લંઘન કરે, તો તેનો વિઝા રદ થઈ શકે, “આ કોઈ ટિકટોક સેટ નથી, શ્રદ્ધાંજલિનું સ્થળ છે” – શહીદોના પરિવારો અને સોશિયલ મીડિયા યુઝર્સે કરી આકરી ટીકા

વોશિંગ્ટન ડીસી, અમેરિકા: અમેરિકામાં રહેતા મધુ રાજુ નામના ભારતીય મૂળના વ્યક્તિ અત્યારે મોટી મુસીબતમાં મુકાયા છે. વોશિંગ્ટન ડીસીના પ્રખ્યાત ‘નેશનલ વર્લ્ડ વોર-2 મેમોરિયલ’ પર એક મહિલા સાથે ડાન્સ કરતો તેમનો વીડિયો ટિકટોક પર વાયરલ થયા બાદ અમેરિકી ઇમિગ્રેશન સત્તાવાળાઓએ તેમની સામે તપાસ શરૂ કરી છે. આ સ્મારક બીજા વિશ્વયુદ્ધમાં શહીદ થયેલા 4 લાખથી વધુ અમેરિકી સૈનિકો અને સેનાના 1.6 કરોડ સભ્યોના માનમાં બનાવવામાં આવ્યું છે.

વિવાદનું કારણ: સોશિયલ મીડિયા પર આ વીડિયો આવતા જ લોકોએ તેને અત્યંત અપમાનજનક ગણાવ્યો છે. ઘણા લોકોએ ટિપ્પણી કરી છે કે આ એક પવિત્ર સ્થળ છે જ્યાં લોકો શહીદોને યાદ કરવા આવે છે, નહીં કે રીલ્સ બનાવવા. એક યુઝરે લખ્યું, “મારા દાદાએ આ યુદ્ધમાં ગોળી ખાધી હતી, આ સ્થળ કોઈ ટિકટોક સેટ નથી.” જોકે, કેટલાક લોકોએ તેને ભારતીય સંસ્કૃતિની અભિવ્યક્તિ ગણાવીને બચાવ પણ કર્યો હતો, પરંતુ મોટાભાગના લોકોએ શિષ્ટાચારના અભાવ પર સવાલ ઉઠાવ્યા છે.

કાયદાકીય મુશ્કેલી: રિપોર્ટ અનુસાર, અમેરિકી ઇમિગ્રેશન વિભાગ અત્યારે એ તપાસ કરી રહ્યું છે કે શું આ કૃત્ય વિઝાના નિયમોનું ઉલ્લંઘન છે. અમેરિકામાં ફેડરલ સ્મારકો પર પરવાનગી વગર કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ કે શૂટિંગ કરવું એ ગુનો બની શકે છે. જો મધુ રાજુ દોષિત ઠરશે, તો તેમનો વિઝા રદ થઈ શકે છે અને તેમને અમેરિકામાંથી દેશનિકાલ કરવામાં આવી શકે છે.