જાણીતી બ્રાન્ડ્સ ફ્રેન્ચ કંપની લેક્ટાલિસ સાથે સોદો થયો, એન્કર (Anchor) અને મેઈનલેન્ડ (Mainland) જેવી દિગ્ગજ બ્રાન્ડ્સ હવે ફ્રેન્ચ ડેરી જાયન્ટ ‘લેક્ટાલિસ’ હસ્તક
ફોન્ટેરા હવે તેના મૂળ બિઝનેસ અને દૂધ ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કરશે, માર્કેટિંગ અને રિટેલ બ્રાન્ડ્સથી અલગ થશે
નમસ્કાર ગુજરાત ન્યૂઝ. ઓકલેન્ડ, ન્યુઝીલેન્ડ: ન્યુઝીલેન્ડની સૌથી મોટી ડેરી કો-ઓપરેટિવ કંપની ‘ફોન્ટેરા’ (Fonterra Co-operative Group Ltd) એ આજે પુષ્ટિ કરી છે કે તેની વૈશ્વિક કન્ઝ્યુમર બ્રાન્ડ્સ અને મેઈનલેન્ડ ગ્રુપના વ્યવસાયોને ફ્રેન્ચ ડેરી કંપની ‘લેક્ટાલિસ’ (Lactalis) ને વેચવાનો સોદો હવે બિનશરતી (Unconditional) બની ગયો છે. આ સોદો અંદાજે $4.22 બિલિયન (અંદાજે ₹22,000 કરોડથી વધુ) માં નક્કી થયો છે.
ફોન્ટેરાના ચેરમેન પીટર મેકબ્રાઈડે આ નિર્ણયને કંપનીના ઈતિહાસનો સૌથી મોટો માળખાકીય ફેરફાર ગણાવ્યો છે. તેમણે જણાવ્યું કે, “આ વેચાણથી કંપની હવે તેના મુખ્ય સામર્થ્ય એટલે કે દૂધ ઉત્પાદન અને ખેડૂતોના હિત પર વધુ ધ્યાન આપી શકશે. અમે બિઝનેસને સરળ અને વધુ ધ્યાન કેન્દ્રિત (Focused) બનાવવા માંગીએ છીએ.” આ સોદામાં એન્કર, મેઈનલેન્ડ અને બેગા (Bega) જેવી મોટી બ્રાન્ડ્સનો સમાવેશ થાય છે.
મહત્વની વાત એ છે કે, બ્રાન્ડ્સનું માલિકી હક બદલાવા છતાં, ન્યુઝીલેન્ડના ખેડૂતો જ આ બ્રાન્ડ્સ માટે દૂધનો સપ્લાય કરવાનું ચાલુ રાખશે. ફોન્ટેરાના ચીફ એક્ઝિક્યુટિવ માઈલ્સ હરેલે જણાવ્યું હતું કે, આ વેચાણથી મળેલી રકમનો મોટો હિસ્સો ખેડૂતો અને શેરધારકોને વહેંચવામાં આવશે. કંપનીનો લક્ષ્યાંક શેર દીઠ $2 નું મૂડી વળતર આપવાનો છે, જે કુલ $3.2 બિલિયન જેટલું થવા જાય છે.