સેમિફાઇનલમાં ન્યુઝીલેન્ડનો 9 વિકેટે વિજય, એલનની 33 બોલમાં સદી, સાઇફર્ટ 58 રન, 170 રનનો ટાર્ગેટ 12.3 ઓવરમાં જ પૂર્ણ કર્યો, હવે 8 માર્ચે અમદાવાદમાં ફાઇનલ મુકાબલો

T20 World Cup Semi Final : કોલકાતા: કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સ મેદાન પર રમાયેલી ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026ની પ્રથમ સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડે દક્ષિણ આફ્રિકાને 9 વિકેટે હરાવીને ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. ફિન એલનની તોફાની સદીના જોરે ન્યૂઝીલેન્ડે દક્ષિણ આફ્રિકા દ્વારા આપવામાં આવેલો 170 રનનો લક્ષ્યાંક માત્ર 13 ઓવરમાં જ હાંસલ કરી લીધો હતો. આ હાર સાથે દક્ષિણ આફ્રિકાનું ફરી એકવાર વર્લ્ડ કપ જીતવાનું સપનું રોળાયું છે.
ફિન એલનનું 33 બોલમાં તોફાની શતક
170 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની શરૂઆત અત્યંત આક્રમક રહી હતી. ઓપનર ફિન એલને માત્ર 33 બોલમાં 10 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી અણનમ સદી ફટકારીને દક્ષિણ આફ્રિકાના બોલરોને પાયમાલ કરી દીધા હતા. ટિમ સીફર્ટે પણ અડધી સદી (50 રન) ફટકારીને એલનનો પૂરો સાથ આપ્યો હતો. બંને વચ્ચે પ્રથમ વિકેટ માટે 117 રનની ભાગીદારી થઈ હતી, જેણે મેચ ન્યૂઝીલેન્ડના પક્ષમાં લાવી દીધી હતી.
દક્ષિણ આફ્રિકાની બેટિંગ: માર્કો યાનસેને લાજ બચાવી
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની શરૂઆત ખરાબ રહી હતી. ક્વિન્ટન ડી કોક (12 રન) અને રિકલ્ટન (0 રન) સસ્તામાં આઉટ થઈ ગયા હતા. એક સમયે ટીમ મુશ્કેલીમાં હતી, પરંતુ અંતિમ ઓવરોમાં માર્કો યાનસેનની આક્રમક અડધી સદીના કારણે દક્ષિણ આફ્રિકા 169 રન સુધી પહોંચવામાં સફળ રહ્યું હતું. ન્યૂઝીલેન્ડ તરફથી મેટ હેનરી, રચિન રવિન્દ્ર અને કોલે 2-2 વિકેટ ઝડપી હતી.
નસીબના જોરે સેમીફાઈનલ અને તાકાતથી ફાઈનલ
રસપ્રદ વાત એ છે કે દક્ષિણ આફ્રિકા સુપર-8માં એક પણ મેચ હાર્યા વગર સેમીફાઈનલમાં પહોંચ્યું હતું, જ્યારે ન્યૂઝીલેન્ડ નસીબ અને પાકિસ્તાન કરતા સારા નેટ રન રેટના આધારે સેમીફાઈનલમાં આવ્યું હતું. જોકે, મોટા મંચ પર દક્ષિણ આફ્રિકા ફરી એકવાર દબાણ હેઠળ ‘ચોક’ થઈ ગયું અને ન્યૂઝીલેન્ડે એકપક્ષીય વિજય મેળવ્યો.
8 માર્ચે અમદાવાદમાં રમાશે મહામુકાબલો
આ જીત સાથે ન્યૂઝીલેન્ડ હવે 8 માર્ચ 2026ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી ફાઇનલ મેચ માટે ક્વોલિફાય થઈ ગયું છે. ફાઇનલમાં ન્યૂઝીલેન્ડનો મુકાબલો ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી બીજી સેમીફાઇનલના વિજેતા સાથે થશે. ભારતીય ચાહકો હવે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ફાઈનલની આશા રાખી રહ્યા છે.