વેસ્ટ ઈન્ડિઝની ટીમે 20 ઓવરમાં 4 વિકેટે 195 રન બનાવ્યા. સંજુના 97 રનની મદદથી ભારતે અંતિમ ઓવરમાં 5 વિકેટ ગુમાવી જીત હાંસલ કરી, હવે ઇંગ્લેન્ડ સામે સેમિફાઇનલમાં મુકાબલો

કોલકાતા: ભારતીય ટીમે રવિવારે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાયેલી કરો અથવા મરો જેવી સુપર-8 મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 5 વિકેટે હરાવીને સેમીફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે. આ જીત સાથે ભારતે સેમીફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે, જ્યારે વેસ્ટ ઈન્ડિઝની ટીમ વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગઈ છે.

સંજુ સેમસનનું ‘સ્પેશિયલ 97’: સદી ચૂકી પણ દિલ જીત્યા

વેસ્ટ ઈન્ડિઝે આપેલા 196 રનના પહાડ જેવા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી. અભિષેક શર્મા અને ઈશાન કિશન વહેલા આઉટ થઈ ગયા હતા. જોકે, ઓપનર તરીકે આવેલા સંજુ સેમસને એક છેડો સાચવી રાખીને તોફાની બેટિંગ કરી હતી. સેમસને માત્ર 50 બોલમાં અણનમ 97 રન ફટકાર્યા હતા, જેમાં 12 ચોગ્ગા અને 4 ગગનચુંબી છગ્ગાનો સમાવેશ થાય છે. તે માત્ર 3 રનથી પોતાની સદી ચૂકી ગયો હતો, પરંતુ તેની આ ઈનિંગે ભારતને જીત અપાવી હતી.

વેસ્ટ ઈન્ડિઝનો સ્કોર અને ભારતીય બોલિંગ

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમે 20 ઓવરમાં 4 વિકેટે 195 રન બનાવ્યા હતા. રોસ્ટન ચેઝ (40) અને શાઈ હોપ (32) એ સારી શરૂઆત આપી હતી, જ્યારે અંતિમ ઓવરોમાં જેસન હોલ્ડર (37*) અને રોવમેન પોવેલ (34*) એ ઝડપી બેટિંગ કરીને સ્કોર 190 પાર પહોંચાડ્યો હતો. ભારત તરફથી જસપ્રિત બુમરાહ સૌથી સફળ બોલર રહ્યો હતો, જેણે 36 રન આપીને 2 વિકેટ ઝડપી હતી.

સેમીફાઈનલનું સમીકરણ: હવે ઈંગ્લેન્ડ સામે મહામુકાબલો

ભારત પોતાના ગ્રુપમાં બીજા સ્થાને રહ્યું છે, જેના કારણે હવે સેમીફાઈનલમાં તેની ટક્કર બીજા ગ્રુપની ટોપર ટીમ ઈંગ્લેન્ડ સામે થશે.

બીજી તરફ, પહેલી સેમીફાઈનલ 4 માર્ચે કોલકાતામાં ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે. વર્લ્ડ કપની ફાઈનલ મેચ 8 માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે.