ન્યૂજર્સી અને ન્યૂયોર્ક સહિત 10 રાજ્યોમાં ‘સ્ટેટ ઇમરજન્સી’, ન્યૂજર્સી: વરિષ્ઠ પત્રકાર સમીર શુક્લનો અહેવાલ, 10,000 થી વધુ ફ્લાઈટ્સ રદ, 6,100 ડોમેસ્ટિક ફ્લાઈટ્સ વિલંબિત.

અમેરિકાના પૂર્વોત્તર અને ઉત્તર-પૂર્વના રાજ્યોમાં ભીષણ બરફનું તોફાન (Blizzard) ત્રાટક્યું છે. છેલ્લા દાયકાનું આ સૌથી મોટું હિમ-તોફાન હોવાનું મનાય છે. પરિસ્થિતિની ગંભીરતાને જોતા ન્યૂજર્સી, ડેલવેર અને ન્યૂયોર્કના ગવર્નરો દ્વારા ‘સ્ટેટ ઇમરજન્સી’ જાહેર કરવામાં આવી છે. 10 જેટલા રાજ્યોમાં 18 થી 30 ઇંચ સુધી બરફ પડવાની આગાહી કરવામાં આવી છે.
બ્લિઝાર્ડ વોર્નિંગ (Blizzard Warning): ન્યૂજર્સીના અનેક કાઉન્ટીઓમાં કટોકટી જાહેર કરાઈ છે. પવનની ગતિ 60 માઇલ પ્રતિ કલાક સુધી પહોંચી ગઈ છે. ખાસ કરીને બર્લિંગ્ટન, મોનમાઉથ અને ઓશન કાઉન્ટીમાં 20 થી 28 ઇંચ સુધી હિમવર્ષાની શક્યતા છે. સલામતીના ભાગરૂપે હાઈવે પર વાહનોની સ્પીડ લિમિટ ઘટાડીને 35 માઇલ પ્રતિ કલાક કરી દેવામાં આવી છે.
શાળાઓ અને મુસાફરી પર પ્રતિબંધ: ન્યૂજર્સી અને ન્યૂયોર્કની મોટાભાગની સરકારી શાળાઓ 23 ફેબ્રુઆરી, સોમવારના રોજ બંધ રાખવાની જાહેરાત કરાઈ છે. આ સાથે જ ન્યૂયોર્ક સિટી અને ન્યૂજર્સીમાં વહીવટીતંત્ર દ્વારા બિનજરૂરી મુસાફરી પર કડક પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
અસરગ્રસ્ત રાજ્યોની સ્થિતિ:
- ન્યૂજર્સી અને ન્યૂયોર્ક: મધ્ય અને દક્ષિણ ન્યૂજર્સીમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. ન્યૂયોર્ક સિટી અને લોંગ આઈલેન્ડમાં રેકોર્ડબ્રેક બરફવર્ષાની આશંકા છે. હાલ દર કલાકે 2 થી 3 ઇંચ બરફ પડી રહ્યો છે, જે સોમવાર સાંજ સુધીમાં 30 ઇંચ સુધી પહોંચી શકે છે.
- પેન્સિલવેનિયા: ફિલાડેલ્ફિયા સહિતના પૂર્વીય ભાગોમાં ભારે હિમવર્ષા ચાલુ છે.
- કનેક્ટિકટ: અહીં પણ મુસાફરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
- ડેલવેર અને મેરીલેન્ડ: દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે હિમવર્ષાની ચેતવણી આપવામાં આવી છે.
- મેસેચ્યુસેટ્સ: બોસ્ટન અને તેની આસપાસના વિસ્તારોમાં 2 ફૂટથી વધુ બરફ પડવાની સંભાવના છે.