ભારતની પોતાના વિશ્વકપ ઇતિહાસની સૌથી ખરાબ હાર, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાનો ફ્લોપ શો: નેટ રન રેટમાં મોટો ઘટાડો થતા સેમિફાઈનલની રાહ મુશ્કેલ બની

અમદાવાદ: આઈસીસી મેન્સ ટી-20 વર્લ્ડ કપ 2026 ના સુપર-8 ના મહત્વના મુકાબલામાં રવિવારે દક્ષિણ આફ્રિકાએ ભારતને 76 રનના મોટા અંતરથી હરાવ્યું છે. આ હાર સાથે જ ભારતનો નેટ રન રેટ -3.80 પર પહોંચી ગયો છે, જે સેમિફાઈનલની રેસમાં ભારત માટે મોટો ફટકો સાબિત થઈ શકે છે.
- દક્ષિણ આફ્રિકા: 187/10 (મિલર 63, બ્રેવિસ 45; બુમરાહ 3/15)
- ભારત: 111 ઓલઆઉટ (શિવમ દુબે 42, સૂર્યકુમાર 18; જાનસેન 4/14)
દક્ષિણ આફ્રિકાની મજબૂત બેટિંગ: 187 રનનો પડકાર
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાએ નિર્ધારિત 20 ઓવરમાં 187 રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકાની શરૂઆત નબળી રહી હતી અને માત્ર 12 રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ ડેવિડ મિલરે (63 રન) અને ડેવાલ્ડ બ્રેવિસે (45 રન) વચ્ચેની 97 રનની ભાગીદારીએ મેચનો નકશો બદલી નાખ્યો હતો. ભારત તરફથી જસપ્રીત બુમરાહે શાનદાર બોલિંગ કરતા 4 ઓવરમાં માત્ર 15 રન આપી 3 વિકેટ ઝડપી હતી, જ્યારે અર્શદીપને 2 સફળતા મળી હતી.
ભારતીય બેટ્સમેનોનો ફ્લોપ શો: 111 રનમાં આખી ટીમ ઓલઆઉટ
188 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત અત્યંત ખરાબ રહી હતી.
- ઈશાન કિશન અને રિંકુ સિંહ શૂન્ય રને આઉટ થયા હતા.
- ઓપનર અભિષેક શર્મા માત્ર 15 રન બનાવી શક્યો હતો.
- કેપ્ટન સૂર્યકુમાર યાદવ (18 રન) અને હાર્દિક પંડ્યા પણ મોટી ઇનિંગ રમવામાં નિષ્ફળ રહ્યા હતા.
- શિવમ દુબેએ સૌથી વધુ 42 રન બનાવ્યા હતા, પરંતુ તે ટીમને જીત સુધી પહોંચાડવા માટે પૂરતા નહોતા.
દક્ષિણ આફ્રિકા તરફથી માર્કો જાનસેને સૌથી વધુ 4 વિકેટ ઝડપીને ભારતીય બેટિંગની કમર તોડી નાખી હતી. જ્યારે કેશવ મહારાજે એક જ ઓવરમાં 3 વિકેટ લઈને ભારતની હાર નિશ્ચિત કરી દીધી હતી.
હવે ભારત માટે શું છે સમીકરણ?
આ હાર બાદ હવે ભારત માટે સેમિફાઈનલમાં પહોંચવા માટે આગામી બંને મેચો મોટા અંતરથી જીતવી અનિવાર્ય બની ગઈ છે. સાથે જ, ભારતે હવે અન્ય ટીમોના રન રેટ પર પણ નિર્ભર રહેવું પડશે.