18 વર્ષીય કિશન અતિત પટેલના આકસ્મિક મૃત્યુની તપાસ બાદ બહાર પાડવામાં આવ્યો

ન્યૂઝીલેન્ડના કોરોનરે (Coroner) કારની નીચે કામ કરતી વખતે લેવી પડતી સુરક્ષા સાવચેતીઓ અંગે એક મહત્વનો અહેવાલ જાહેર કર્યો છે. આ અહેવાલ 18 વર્ષીય કિશન અતિત પટેલના આકસ્મિક મૃત્યુની તપાસ બાદ બહાર પાડવામાં આવ્યો છે.
શું બની હતી ઘટના?
25 સપ્ટેમ્બર, 2025 ના રોજ, 18 વર્ષીય કિશન અતિત પટેલ પોતાની કારનું ઓઈલ બદલવા માટે પાડોશી પાસેથી જેક (Jack) અને અન્ય સાધનો ઉધાર લેવા ગયો હતો. કિશન અવારનવાર પોતાની કારનું સમારકામ જાતે જ કરતો હતો. પાડોશીએ તેને જેકનો સુરક્ષિત ઉપયોગ કરવાની સલાહ પણ આપી હતી.
જોકે, તે જ દિવસે બપોરે જ્યારે એક મિત્રએ તેને ફોન કર્યો અને સંપર્ક ન થયો, ત્યારે તે કિશનને મળવા ઘરે ગયો. ત્યાં તેણે જોયું કે કિશન કારની નીચે દબાયેલો હતો અને કાર તેની ઉપર પડી ગઈ હતી. એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી અને સીપીઆર (CPR) આપવામાં આવ્યું, પરંતુ કિશનને બચાવી શકાયો નહીં.
તપાસમાં સામે આવ્યું મોટું કારણ: ખોટી જગ્યાએ જેક મૂકવો
કોરોનર ઈયાન ટેલફોર્ડના રિપોર્ટ મુજબ, કિશને કારને ઊંચી કરવા માટે વપરાતો ‘ટ્રોલી જેક’ (Trolley Jack) કારના આગળના બમ્પરની નીચે મૂક્યો હતો.
• ફોટોગ્રાફ્સમાં જોવા મળ્યું કે કારના વજનને કારણે બમ્પર વળી ગયું (Buckle થયું).
• આના કારણે કાર અસ્થિર થઈ ગઈ અને નીચે કામ કરી રહેલા કિશન પર પડી ગઈ.
• પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ, માથા અને ધડના ભાગે લાગેલી ગંભીર ઈજાઓને કારણે તેનું મૃત્યુ થયું હતું.
કોરોનરની મહત્વની ચેતવણી અને સલાહ
કોરોનરે આ ઘટનાને અત્યંત દુઃખદ ગણાવતા વાહન માલિકો માટે નીચેની સૂચનાઓ આપી છે:
• જેક માત્ર ઉઠાવવા માટે છે: ટ્રોલી જેક માત્ર ગાડીને ઊંચી કરવા માટે જ બનાવવામાં આવ્યા છે, તેના વજનને ટેકો આપવા માટે નહીં.
• જેક સ્ટેન્ડનો ઉપયોગ અનિવાર્ય: મોટર ઈન્ડસ્ટ્રી ટ્રેનિંગ ઓર્ગેનાઈઝેશન મુજબ, જ્યાં સુધી ગાડીની નીચે રેટેડ સ્ટેન્ડ (Jack Stands) મૂકવામાં ન આવે, ત્યાં સુધી તેની નીચે ક્યારેય ન જવું જોઈએ.
• નિર્ધારિત પોઈન્ટ્સ: જેકને હંમેશા કંપનીએ આપેલા ચોક્કસ ‘જેકિંગ પોઈન્ટ્સ’ પર જ મૂકવો જોઈએ, બમ્પર કે અન્ય નબળા ભાગો પર નહીં.
પરિવાર પ્રત્યે સંવેદના
તપાસના અંતે, કોરોનરે કિશન પટેલના પરિવાર અને મિત્રો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી. આ કિસ્સો એ તમામ લોકો માટે ચેતવણીરૂપ છે જેઓ ઘરે પોતાની ગાડીનું સમારકામ જાતે કરે છે.