૯ માર્ચથી ૪૭ નવા વ્યવસાયોને માન્યતા, મીડિયન વેજમાં પણ તોતિંગ વધારો, નવી વ્યવસાય સૂચિ (NOL) અને ૪૭ નવી ભૂમિકાઓ
ન્યુઝીલેન્ડ સરકાર હવે જૂની ANZSCO પદ્ધતિને બદલે પોતાની નવી નેશનલ ઓક્યુપેશન લિસ્ટ (NOL) પદ્ધતિ અમલમાં મૂકી રહી છે. ૯ માર્ચ ૨૦૨૬થી, આ યાદીમાં કૌશલ્ય સ્તર (Skill Level) ૧ થી ૩ ના ૪૭ વધારાના વ્યવસાયો ઉમેરવામાં આવશે.
- આ ફેરફારમાં ખાસ કરીને શેફ (Chef) ની ભૂમિકાઓને તેમની વરિષ્ઠતા અને કૌશલ્ય મુજબ અલગ-અલગ શ્રેણીમાં વહેંચવામાં આવી છે.
- એમ્પ્લોયર્સ હવે આ ૪૭ વ્યવસાયો માટે ‘જોબ ચેક’ સબમિટ કરી શકશે, પરંતુ તેમણે પહેલા ૧૪ દિવસ સુધી ન્યુઝીલેન્ડના નાગરિકને હાયર કરવાનો પ્રયાસ કરવો પડશે.
પગારના ધોરણો (Median Wage) માં વધારો: $૩૫.૦૦ પ્રતિ કલાક
ઇમિગ્રેશનના હેતુ માટે મીડિયન વેજ (મધ્યમ પગાર) ના દરો અપડેટ કરવામાં આવ્યા છે. ૯ માર્ચથી લઘુત્તમ પગારનો દર વધીને NZD $૩૫.૦૦ પ્રતિ કલાક થઈ જશે. આ વધારાની અસર નીચે મુજબના વિઝા સેટિંગ્સ પર પડશે:
- ગ્રીન લિસ્ટ: ગ્રીન લિસ્ટ હેઠળના વ્યવસાયો માટે પગારની જરૂરિયાતો વધશે.
- ફેમિલી વિઝા: પાર્ટનર અથવા બાળકોને સપોર્ટ કરવા માટેના આવકના ધોરણો પણ વધશે. (દા.ત. લેવલ ૧-૩ પાર્ટનર સપોર્ટ માટે હવે $૨૮.૦૦ પ્રતિ કલાકનો પગાર જરૂરી રહેશે).
- રેસિડન્સ પાથવે: SMC અને ગ્રીન લિસ્ટ દ્વારા રેસિડન્સી મેળવવા માંગતા લોકોએ હવે નવા પગાર ધોરણો મુજબ લાયક ઠરવું પડશે. ઉદાહરણ તરીકે, શિક્ષકોએ હવે પે-સ્કેલના સ્ટેપ ૫ પર હોવું અનિવાર્ય છે.
ત્રણ વ્યવસાયોનું રી-ક્લાસિફિકેશન: હવે વધુ કડક નિયમો
ત્રણ લોકપ્રિય વ્યવસાયોને સ્તર ૩ થી ઘટાડીને સ્તર ૪ (Skill Level 4) માં મૂકવામાં આવ્યા છે: ૧. પેટ ગ્રૂમર (Pet Groomer) ૨. નેની (Nanny) ૩. કેનલ હેન્ડ (Kennel Hand) અસર: હવે આ ભૂમિકાઓ માટે અંગ્રેજી ભાષાની જરૂરિયાત (English Language Requirement) ફરજિયાત બનશે, મેક્સિમમ સ્ટે મર્યાદિત થશે અને પાર્ટનરને સપોર્ટ કરવાની ક્ષમતા પર પણ તેની અસર પડી શકે છે. જેઓ પાસે પહેલેથી વિઝા છે તેમને આ ફેરફાર લાગુ પડશે નહીં.
AEWV ધારકો માટે રાહતના સમાચાર
જે કર્મચારીઓ હાલમાં લેવલ ૪ કે ૫ માં કામ કરી રહ્યા છે, જો તેમની ભૂમિકા હવે નવા NOL લિસ્ટ મુજબ લેવલ ૧ થી ૩ માં આવતી હોય, તો તેઓ નવા AEWV માટે અરજી કરી શકશે. આનાથી તેઓ ન્યુઝીલેન્ડમાં રોકાણનો સમયગાળો (Maximum Continuous Stay) લંબાવી શકશે.