નવા પ્રોજેક્ટનો ખર્ચ કાઢવા જૂના બ્રિજ પર ટેક્સની તૈયારી, 1984માં લેવાતો હતો ટેક્સ, એક્ટ પાર્ટીના ડેવિડ સિમોરે કર્યો વિરોધ

ન્યુઝીલેન્ડ સરકાર વાઇતેમાતા (Waitematā) હાર્બર પર બીજા ક્રોસિંગ (ટનલ અથવા નવો બ્રિજ) ના નિર્માણ માટે ભંડોળ એકત્ર કરવાના વિકલ્પો શોધી રહી છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર કમિશને સૂચન કર્યું છે કે જો હાલના હાર્બર બ્રિજ અને નવા ક્રોસિંગ બંને પર $9 જેટલો ટોલ ટેક્સ રાખવામાં આવે, તો અંદાજે $7 થી $9 અબજની કમાણી થઈ શકે છે.

$9નો ટોલ: ઇતિહાસનું પુનરાવર્તન?

રસપ્રદ વાત એ છે કે, જ્યારે 1959માં આ બ્રિજ પહેલીવાર ખુલ્યો ત્યારે તેના પર ટોલ લેવામાં આવતો હતો, જે 1984માં બંધ કરવામાં આવ્યો હતો. કમિશનના જણાવ્યા મુજબ, તે સમયના ‘2 શિલિંગ અને 6 પેન્સ’ અત્યારના સમયમાં અંદાજે $9 બરાબર થાય છે. નિષ્ણાતોનું માનવું છે કે માત્ર નવા ક્રોસિંગ પર ટેક્સ રાખવાથી પૂરતું ફંડ નહીં મળે, તેથી જૂના બ્રિજ પર પણ ટોલ લાદવો જરૂરી બની શકે છે.

સરકાર માટે ‘મોટો નિર્ણય’: ટ્રાન્સપોર્ટ મંત્રી

ટ્રાન્સપોર્ટ મંત્રી ક્રિસ બિશપે આ પ્રોજેક્ટને ન્યુઝીલેન્ડનો અત્યાર સુધીનો સૌથી મોટો ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ ગણાવ્યો છે. તેમણે કહ્યું કે, “જૂના બ્રિજ પર ટોલ શરૂ કરવો કે નહીં તે દેશ માટે એક ખૂબ જ મોટો નિર્ણય છે.” સરકાર હાલમાં આ અંગે પદ્ધતિસર અને સર્વગ્રાહી રીતે કામ કરી રહી છે જેથી સામાન્ય જનતા પર અચાનક મોટો બોજ ન આવે.

ડેવિડ સિમોરનો વિરોધ: સામાન્ય જનતા માટે ખર્ચાળ

ACT પાર્ટીના નેતા અને ઓકલેન્ડના સાંસદ ડેવિડ સિમોર આટલા ઊંચા ટોલના પક્ષમાં નથી. તેમણે કહ્યું કે જો કોઈ વ્યક્તિ દરરોજ $9 ચૂકવે, તો અઠવાડિયાના $90 થાય, જે સામાન્ય પરિવારો માટે ખૂબ જ મુશ્કેલ છે. તેમણે સૂચવ્યું કે કદાચ માત્ર ‘પીક અવર્સ’ (વધુ ટ્રાફિકના સમયે) દરમિયાન ટોલ રાખવો જોઈએ, પરંતુ દરેક વ્યક્તિ પર $9નો બોજ નાખવો યોગ્ય નથી.