ICCએ કોઈ શરત માની નહીં, વર્લ્ડ કપ પર મંડરાતા સંકટના વાદળો વિખેરાયા; કોલંબોમાં જ રમાશે ભારત-પાકિસ્તાન જંગ

કોલંબો/લાહોર (10 ફેબ્રુઆરી 2026): આગામી T20 વર્લ્ડ કપ 2026 (T20 World Cup) માં ભારત અને પાકિસ્તાન (India Vs Pakistan) વચ્ચેની હાઈ-વોલ્ટેજ મેચને લઈને સર્જાયેલી અનિશ્ચિતતા આખરે દૂર થઈ છે. પાકિસ્તાન સરકારે સોમવારે રાત્રે સત્તાવાર રીતે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ને ભારત સામેની મેચ રમવા માટે મંજૂરી આપી દીધી છે. પાકિસ્તાન સરકાર દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, મલ્ટીલેટરલ ચર્ચાઓ અને મિત્ર દેશોની વિનંતીને ધ્યાનમાં રાખીને રમતગમતની ભાવના જાળવી રાખવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે આ બ્લોકબસ્ટર મુકાબલો તેના નિર્ધારિત કાર્યક્રમ મુજબ 15 ફેબ્રુઆરી, 2026 ના રોજ કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે.
અગાઉ પાકિસ્તાને બાંગ્લાદેશના સમર્થનમાં ભારત સામેની મેચનો બહિષ્કાર કરવાની ચીમકી આપી હતી, જેના કારણે આખા ટૂર્નામેન્ટ પર આર્થિક નુકસાનનું સંકટ મંડરાઈ રહ્યું હતું. ICC ના ડેપ્યુટી ચેરમેન ઈમરાન ખ્વાજા અને PCB ચેરમેન મોહસિન નકવી વચ્ચે લાહોરમાં કલાકો સુધી ચાલેલી બેઠકો બાદ આ ગતિરોધ ઉકેલાયો છે. પાકિસ્તાને દ્વિપક્ષીય શ્રેણી અને આવકમાં વધારા જેવી અનેક શરતો મૂકી હતી, જોકે ICC એ પાકિસ્તાનની આ આર્થિક શરતો સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો હોવાનું જાણવા મળ્યું છે. તેમ છતાં, પાકિસ્તાને ટુર્નામેન્ટના હિતમાં અને સંભવિત પ્રતિબંધોથી બચવા માટે નમતું જોખ્યું છે.
પાકિસ્તાને ICC સામે કઇ શરતો મૂકી હતી ?
- દ્વિપક્ષીય શ્રેણીનું પુનરાગમન: પાકિસ્તાને માંગ કરી હતી કે ભારત તેમની સાથે ફરીથી દ્વિપક્ષીય ક્રિકેટ શ્રેણી રમવાની શરૂઆત કરે.
- ત્રિકોણીય શ્રેણી (Tri-Series) નો પ્રસ્તાવ: પાકિસ્તાન, ભારત અને બાંગ્લાદેશ વચ્ચે તટસ્થ સ્થળે (Neutral Venue) ત્રિકોણીય શ્રેણી યોજવામાં આવે તેવી શરત મૂકી હતી.
- ICC રેવન્યુમાં વધારો: પાકિસ્તાને ICC દ્વારા મળતા વાર્ષિક ફંડમાં તેમનો હિસ્સો (Revenue Share) વધારવાની માંગણી કરી હતી.
- હેન્ડશેક પ્રોટોકોલ (Handshake Protocol): એશિયા કપ 2025 દરમિયાન ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવવાનો ઇનકાર કર્યો હતો, જેના વિરોધમાં પાકિસ્તાને હવે મેચમાં ફરજિયાત ‘હેન્ડશેક પ્રોટોકોલ’ લાગુ કરવાની શરત મૂકી હતી.
- બાંગ્લાદેશ માટે આર્થિક વળતર: બાંગ્લાદેશની ટીમને વર્લ્ડ કપમાંથી બહાર રાખવામાં આવી હોવા છતાં તેને સંપૂર્ણ ‘પાર્ટિસિપેશન ફી’ (Participation Fee) અને રેવન્યુ હિસ્સો મળે તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું.
- બાંગ્લાદેશને ભવિષ્યની ઇવેન્ટની યજમાની: બાંગ્લાદેશમાં અગાઉ રદ થયેલી મહિલા T20 વર્લ્ડ કપ જેવી ઇવેન્ટના બદલામાં તેમને ભવિષ્યની કોઈ મોટી ICC ઇવેન્ટ (જેમ કે અન્ડર-19 વર્લ્ડ કપ) ની યજમાની સોંપવામાં આવે.
બીજી તરફ, ICC એ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) ને લઈને પણ મોટી રાહત જાહેર કરી છે. ભારત આવવાનો ઈન્કાર કરનાર બાંગ્લાદેશ પર કોઈ પણ પ્રકારનો દંડ કે આર્થિક પ્રતિબંધ લાદવામાં આવશે નહીં. વધુમાં, ICC એ બાંગ્લાદેશને 2028 થી 2031 વચ્ચેના કોઈ એક મોટા ICC ઇવેન્ટની યજમાની સોંપવા પર પણ સહમતી દર્શાવી છે. ભારત-પાકિસ્તાન મેચના આયોજનની પુષ્ટિ થતા જ શ્રીલંકાના ટૂરિઝમ સેક્ટર અને ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે આ એક જ મેચ પર અબજોની કમાણીનો આધાર રહેલો છે.