ICC Under 19 World Cup Final : વૈભવના 175 રન અને 15 છગ્ગા: ફાઈનલમાં રિકોર્ડ્સનો વરસાદ; ભારતની 100 રને ભવ્ય જીત, ભારત 411/9, ઇંગ્લેન્ડ 311 રન

હરારે (7 ફેબ્રુઆરી 2026): ઝિમ્બાબ્વેના હરારે સ્પોર્ટ્સ ક્લબ ખાતે રમાયેલા અન્ડર-19 વર્લ્ડ કપ 2026ના હાઈ-વોલ્ટેજ ફાઈનલમાં ભારતે ઈંગ્લેન્ડને 100 રને પરાજય આપીને છઠ્ઠી વખત ખિતાબ પોતાના નામે કર્યો છે. ભારતની આ ઐતિહાસિક જીતનો શ્રેય માત્ર 14 વર્ષના યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીને જાય છે, જેણે પોતાની વિસ્ફોટક બેટિંગથી અંગ્રેજ બોલરોને લાચાર બનાવી દીધા હતા. વૈભવે માત્ર 80 બોલમાં 175 રનની ઇનિંગ રમીને રિકોર્ડ્સની ઝડી લગાવી દીધી હતી. તેની આ ઇનિંગમાં 15 ગગનચુંબી છગ્ગા સામેલ હતા, જે યુથ વનડેના ઇતિહાસમાં એક નવો વિક્રમ છે.
ભારતે પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 50 ઓવરમાં 411/9 રનનો પહાડ જેવો સ્કોર ઉભો કર્યો હતો. અન્ડર-19 વર્લ્ડ કપના નોકઆઉટ ઇતિહાસમાં આ સૌથી મોટો સ્કોર છે. વૈભવ સૂર્યવંશીએ માત્ર 55 બોલમાં સદી અને 71 બોલમાં 150 રન પૂરા કરીને પોતાની અસાધારણ પ્રતિભાનો પરિચય આપ્યો હતો. તેની આક્રમક રમતને કારણે ભારત સતત બીજી વખત 400થી વધુ રન બનાવવામાં સફળ રહ્યું હતું. વૈભવ હવે વર્લ્ડ કપ ફાઈનલમાં સદી ફટકારનાર સૌથી નાની ઉંમરનો (14 વર્ષ 316 દિવસ) ખેલાડી બની ગયો છે, જેણે પાકિસ્તાનના બાબર આઝમનો વર્ષો જૂનો રેકોર્ડ તોડ્યો છે.
લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમ ભારતીય બોલરો સામે ઝઝૂમતી જોવા મળી હતી. પહાડ જેવા સ્કોરના દબાણ હેઠળ ઈંગ્લેન્ડની આખી ટીમ 311 રનમાં સમેટાઈ ગઈ હતી. આ જીત સાથે ભારતે ટૂર્નામેન્ટમાં પોતાનું અજેય અભિયાન ચાલુ રાખ્યું અને ફરી એકવાર સાબિત કર્યું કે ભારતીય ક્રિકેટનું ભવિષ્ય સુરક્ષિત હાથોમાં છે.
વૈભવ સૂર્યવંશીને તેની આ અવિશ્વસનીય ઈનિંગ માટે ‘પ્લેયર ઓફ ધ મેચ’ જાહેર કરવામાં આવ્યો હતો. ક્રિકેટ નિષ્ણાતો હવે તેને સિનિયર ટીમ ઈન્ડિયામાં સ્થાન આપવા માટેની માંગ કરી રહ્યા છે, કારણ કે તેણે સાબિત કર્યું છે કે તેની પાસે આંતરરાષ્ટ્રીય સ્તરની અસાધારણ પ્રતિભા છે.