ક્વીન સ્ટ્રીટ અને હાર્બર બ્રિજ નજીક પોલીસનો ચુસ્ત બંદોબસ્ત; મુસાફરોને વૈકલ્પિક રસ્તા પસંદ કરવા સૂચના, ડેસ્ટિની ચર્ચ સાથે સંકળાયેલ ‘ફ્રીડમ એન્ડ રાઈટ્સ કોલિશન’ દ્વારા વિક્ટોરિયા પાર્ક ખાતે રેલીનું આયોજન

Pro-Palestine, anti-migration protests, Twin protests, Auckland, Freedom and Rights Coalition, Te Komititanga Square, Harbour Bridge,

ઓકલેન્ડના સેન્ટ્રલ સિટી (Auckland Central) વિસ્તારમાં આ શનિવારે બે અલગ-અલગ વિરોધ પ્રદર્શનો યોજાવા જઈ રહ્યા છે, જેના કારણે ટ્રાફિકમાં ભારે વિલંબ થવાની શક્યતા છે. ઓકલેન્ડ પોલીસે નાગરિકોને ચેતવણી આપી છે કે શહેરના મધ્ય ભાગમાં પ્રદર્શનકારીઓની (Protest) મોટી ભીડ જમા થવાને કારણે મુસાફરોએ અગાઉથી આયોજન કરવું પડશે અને ગંતવ્ય સ્થાને પહોંચવા માટે વધારાનો સમય ફાળવવો પડશે.

પ્રથમ વિરોધ પ્રદર્શનનું આયોજન ‘Toitū te Aroha’ દ્વારા કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં લોકો પેલેસ્ટાઈન સાથે એકતા દર્શાવવા માટે અને લઘુમતી સમુદાયો સામે વધતી પજવણી વિરુદ્ધ અવાજ ઉઠાવવા માટે એકત્ર થશે. આ જૂથ સવારે 11:00 AM થી ‘Te Komititanga Square’ (બ્રિટોમાર્ટ) પાસે ભેગું થવાનું શરૂ કરશે અને ત્યારબાદ બપોરના સમયે ક્વીન સ્ટ્રીટ થઈને માયર્સ પાર્ક સુધી કૂચ કરશે.

બીજી તરફ, ડેસ્ટિની ચર્ચ સાથે સંકળાયેલ ‘ફ્રીડમ એન્ડ રાઈટ્સ કોલિશન’ દ્વારા વિક્ટોરિયા પાર્ક ખાતે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. અગાઉ આ જૂથે ઓકલેન્ડ હાર્બર બ્રિજ પર કૂચ કરવાની માંગ કરી હતી, જે પોલીસે નકારી કાઢી છે. પોલીસ ઇન્સ્પેક્ટર જેકી વ્હીટેકરે સ્પષ્ટ કર્યું છે કે પોલીસ આ હીકોઈ (કૂચ) પર સતત નજર રાખશે અને તેમનું મુખ્ય ધ્યાન પ્રદર્શન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય અને સામાન્ય જનતાને ઓછામાં ઓછી તકલીફ પડે તે સુનિશ્ચિત કરવા પર રહેશે.

આ પ્રદર્શનોને કારણે શનિવારે સવારે 11:00 AM થી શહેરના કેન્દ્રમાંથી પસાર થતી તમામ બસ સેવાઓના રૂટ બદલી દેવામાં આવશે (Detours). ઓકલેન્ડ ટ્રાન્સપોર્ટ (AT) અને NZTA એ વાહનચાલકોને સલાહ આપી છે કે તેઓ ગૂગલ મેપ્સ પર રસ્તા બંધ હોવાની વિગતો તપાસતા રહે. જે મુસાફરો ટ્રેન અથવા ફેરીનો ઉપયોગ કરવાના છે તેમણે પણ બ્રિટોમાર્ટ સ્ટેશન અને ડાઉનટાઉન ફેરી ટર્મિનલ સુધી પહોંચવામાં વિલંબની તૈયારી રાખવી પડશે.