ન્યુઝીલેન્ડના Whanganuiની પ્રતિષ્ઠિત પાયલટ એકેડમીમાં લીધી હતી વ્યાવસાયિક તાલીમ; માત્ર ૨૫ વર્ષની વયે આકાશી સફર ખેડનાર શાંભવી મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવાર સાથે ગઈકાલે નિધન થયું હતું

ન્યુઝીલેન્ડ કનેક્શન: વુન્ગાનુઈમાં ઘડાયું હતું ભવિષ્ય શાંભવી પાઠક માટે ન્યુઝીલેન્ડ માત્ર એક દેશ નહીં, પણ તેમના પાયલટ બનવાના સપનાનું ઉદગમ સ્થાન હતું. તેમણે વર્ષ 2018 થી 2019 દરમિયાન ન્યુઝીલેન્ડના વુન્ગાનુઈ (Whanganui) સ્થિત પ્રતિષ્ઠિત ન્યુઝીલેન્ડ ઇન્ટરનેશનલ કોમર્શિયલ પાયલટ એકેડમી (NZICPA) માંથી સખત મહેનત કરી પાયલટની તાલીમ લીધી હતી. નવેમ્બર 2019 માં તેમણે ન્યુઝીલેન્ડ સિવિલ એવિએશન ઓથોરિટી (CAA NZ) તરફથી કોમર્શિયલ પાયલટ લાયસન્સ પ્રાપ્ત કર્યું હતું, જે તેમની ઉડ્ડયન કારકિર્દીનો મજબૂત પાયો બન્યો હતો.
શિક્ષણ અને કારકિર્દીનો સફર શાંભવીએ દિલ્હીની એરફોર્સ બાલ ભારતી સ્કૂલમાંથી પ્રારંભિક અભ્યાસ પૂર્ણ કર્યો હતો, જ્યાં તેમની નેતૃત્વ ક્ષમતા અને તેજસ્વીતાના કારણે તેઓ ‘સ્કૂલ કેપ્ટન’ તરીકે પસંદ થયા હતા. ત્યારબાદ તેમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી એરોનોટિક્સ અને એવિએશન સાયન્સમાં બી.એસસી.ની ડિગ્રી મેળવી. વ્યવસાયિક રીતે, તેમણે મધ્યપ્રદેશ ફ્લાઈંગ ક્લબમાં આસિસ્ટન્ટ ફ્લાઈટ ઇન્સ્ટ્રક્ટર તરીકે કામ કર્યું હતું અને છેલ્લા ત્રણ વર્ષથી તેઓ VSR વેન્ચર્સમાં ફર્સ્ટ ઓફિસર તરીકે ફરજ બજાવી રહ્યા હતા.
બારામતીમાં સર્જાયેલી અંતિમ ક્ષણો ૨૮ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર અને તેમના સ્ટાફને લઈને જઈ રહેલા લિયરજેટ ૪૫ (Learjet 45) વિમાનમાં શાંભવી સહ-પાયલટ તરીકે જવાબદારી નિભાવી રહ્યા હતા. ખરાબ વિઝિબિલિટીને કારણે ઉતરાણ દરમિયાન થયેલા અકસ્માતમાં શાંભવીએ જીવ ગુમાવ્યો હતો. તેમના પરિવારમાં પિતા વિક્રમ પાઠક (નિવૃત્ત ભારતીય વાયુસેનાના અધિકારી) અને માતા રોલી પાઠક (શિક્ષિકા) છે.
નમસ્કાર ગુજરાત ન્યુઝીલેન્ડ અને ભારત બંને સાથે જોડાયેલી આ તેજસ્વી યુવા પ્રતિભાને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પે છે.