પાર્કિંગ ફીમાં પણ પ્રતિ કલાક $0.50 નો વધારો; 1 ફેબ્રુઆરીથી નવા દરો લાગુ થશે, વધતા જતા સંચાલન ખર્ચને પહોંચી વળવા માટે વધારાનો નિર્ણય
ઓકલેન્ડ: ઓકલેન્ડ ટ્રાન્સપોર્ટે તેના વાર્ષિક રિવ્યુ બાદ બસ, ટ્રેન અને ફેરીના ભાડામાં સરેરાશ 5.1% નો વધારો કરવાની જાહેરાત કરી છે. આ નવા દરો આગામી 1 ફેબ્રુઆરી થી અમલમાં આવશે. વધતા જતા સંચાલન ખર્ચને પહોંચી વળવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું વિભાગે જણાવ્યું છે.
ભાડામાં કેટલો વધારો થશે?
- બસ અને ટ્રેન: પુખ્ત વયના લોકો (Adults) માટે પ્રતિ ટ્રિપ દીઠ ભાડામાં $0.10 થી $0.25 નો વધારો થશે.
- ફેરી: ફેરીના ભાડામાં પ્રતિ ટ્રિપ દીઠ $0.40 થી $0.60 નો વધારો કરવામાં આવ્યો છે.
- વીકલી કેપ: રાહતની વાત એ છે કે ગયા વર્ષે શરૂ કરવામાં આવેલી $50 ની સાપ્તાહિક ફેર કેપ (Weekly Fare Cap) માં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. એટલે કે, અઠવાડિયા દરમિયાન $50 ખર્ચ્યા પછી બાકીની મુસાફરી મફત રહેશે.
પાર્કિંગ પણ મોંઘું બન્યું માત્ર ભાડા જ નહીં, પણ ઓકલેન્ડ ટ્રાન્સપોર્ટ દ્વારા સંચાલિત ઓન-સ્ટ્રીટ પાર્કિંગ અને કારપાર્કની ફીમાં પણ સમગ્ર પ્રદેશમાં કલાક દીઠ $0.50 નો વધારો કરવામાં આવશે. જોકે, જે વિસ્તારોમાં છેલ્લા એક વર્ષમાં ભાવ વધારો થઈ ચૂક્યો છે, ત્યાં આ ફેરફાર લાગુ પડશે નહીં.
શા માટે વધારો કરાયો? ઓકલેન્ડ ટ્રાન્સપોર્ટના ડાયરેક્ટર સ્ટેસી વાન ડેર પુટ્ટને જણાવ્યું હતું કે, “છેલ્લા એક વર્ષમાં જાહેર પરિવહન ચલાવવાનો ખર્ચ 10% થી વધુ વધ્યો છે. રેલવે ચાર્જમાં વધારો અને વધુ વારંવાર બસ સેવાઓ ચલાવવાને કારણે આ વધારો અનિવાર્ય બન્યો છે.”
પાર્કિંગ સેવાઓના મેનેજર જોન સ્ટ્રોબ્રિજે ઉમેર્યું કે, પાર્કિંગમાંથી થતી આવકનો ઉપયોગ નવી ટેકનોલોજી અને રસ્તાઓ પર બ્લોક થયેલા ડ્રાઈવવે કે ફૂટપાથ જેવી ફરિયાદોના નિરાકરણ માટે કરવામાં આવશે, જેથી આ આર્થિક બોજ સામાન્ય કરદાતાઓ (Ratepayers) પર ન પડે.