સિંગાપોરનો પાસપોર્ટ વિશ્વમાં પ્રથમ ક્રમે; ન્યુઝીલેન્ડના નાગરિકો 183 દેશોમાં વિઝા વગર પ્રવાસ કરી શકશે , ભારતીય નાગરિકો હવે ૫૫ દેશોમાં વિઝા વગર પ્રવાસ કરી શકશે
વર્ષ 2026 ના હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સ (Henley Passport Index)ના લેટેસ્ટ રિપોર્ટમાં ભારતીય પાસપોર્ટે 5 ક્રમની છલાંગ લગાવીને 80મું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ગત વર્ષે એટલે કે 2025 માં ભારત 85માં સ્થાને હતું. ભારતીય પાસપોર્ટ ધારકો હવે વિશ્વના 55 સ્થળો પર વિઝા-ફ્રી અથવા ‘વિઝા-ઓન-અરાઇવલ’ ની સુવિધા સાથે મુસાફરી કરી શકશે. ભારત આ ક્રમ નાઇજર અને અલ્જીરિયા સાથે શેર કરી રહ્યું છે.
ઓસ્ટ્રેલિયા 2026 ના વૈશ્વિક પાસપોર્ટ રેન્કિંગમાં એક સ્થાન નીચે સરકી ગયું છે, છેલ્લા બે વર્ષથી તેનું સ્થાન જાળવી રાખ્યા પછી છઠ્ઠાથી સાતમા સ્થાને પહોંચી ગયું છે. ઓસ્ટ્રેલિયન પાસપોર્ટ ધારકો હવે 182 સ્થળોએ વિઝા-મુક્ત પ્રવેશનો આનંદ માણે છે.
વૈશ્વિક સ્તરે ટોચના દેશો
ઈન્ડેક્સ મુજબ, એશિયાના દેશોએ ફરી એકવાર મેદાન માર્યું છે. સિંગાપોર 192 દેશોમાં વિઝા-ફ્રી એક્સેસ સાથે પ્રથમ ક્રમે છે, જ્યારે જાપાન અને દક્ષિણ કોરિયા સંયુક્ત રીતે 188 દેશો સાથે બીજા ક્રમે છે. ડેનમાર્ક, સ્વિટ્ઝરલેન્ડ, સ્વીડન, સ્પેન અને લક્ઝમબર્ગ 186 દેશોમાં પ્રવેશ સાથે ત્રીજા સ્થાને છે.
UAE નું ઐતિહાસિક પ્રદર્શન અને અમેરિકાની વાપસી
- UAE: યુનાઈટેડ આરબ અમીરાત (UAE) એ તેના 20 વર્ષના ઇતિહાસમાં સૌથી મજબૂત પ્રદર્શન કર્યું છે. તે ગયા વર્ષથી 5 ક્રમ ચઢીને હવે વિશ્વમાં 5માં સ્થાને પહોંચી ગયું છે. 2006 થી અત્યાર સુધીમાં તેણે કુલ 149 નવા વિઝા-ફ્રી સ્થળોનો ઉમેરો કર્યો છે.
- USA: અમેરિકાએ ફરી એકવાર ટોપ-10 માં વાપસી કરી છે. ગયા વર્ષે 12માં સ્થાને સરકી ગયા બાદ, આ વર્ષે તે 10માં ક્રમે આવ્યું છે. યુએસ પાસપોર્ટ ધારકો 179 દેશોમાં વિઝા વગર જઈ શકે છે.
પાડોશી દેશોની સ્થિતિ
ભારતના પાડોશી દેશોની સ્થિતિ હજુ પણ નબળી જોવા મળી છે. પાકિસ્તાન 98માં સ્થાને છે, જ્યારે અફઘાનિસ્તાન 101માં ક્રમ સાથે દુનિયાનો સૌથી નબળો પાસપોર્ટ ધરાવતો દેશ છે, જ્યાં માત્ર 24 દેશોમાં જ વિઝા વગર પ્રવેશ મળે છે.
ભારતીય પાસપોર્ટ: એક નજરે
| વર્ષ | રેન્કિંગ (Ranking) | વિઝા-ફ્રી સ્થળો (Destinations) |
| 2026 | 80મું | 55 |
| 2025 | 85માં | 57 |
| 2024 | 80મું | 62 |
કેવી રીતે નક્કી થાય છે આ રેન્કિંગ?
હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સ વિશ્વના 199 પાસપોર્ટ અને 227 પ્રવાસ સ્થળોનું મૂલ્યાંકન કરે છે. આ માટે ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન (IATA) ના એક્સક્લુઝિવ ડેટાનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઈન્ડેક્સ દર્શાવે છે કે કોઈ પણ દેશનો પાસપોર્ટ ધારક પૂર્વ વિઝા મેળવ્યા વગર કેટલા દેશોમાં પ્રવેશ કરી શકે છે.