પોલીસ વાહનોમાં 45 વખત ખોટું બળતણ ભરાયું, નાગરિકોના $20,000 થી વધુનો ધુમાડો; ટેક્સપેયર્સ યુનિયને પોલીસની કાર્યક્ષમતા સામે ઉઠાવ્યા ગંભીર સવાલો
નમસ્કાર ગુજરાત ન્યૂઝ ઓકલેન્ડ: ન્યુઝીલેન્ડ ટેક્સપેયર્સ યુનિયન દ્વારા કરવામાં આવેલી ઓફિશિયલ ઇન્ફોર્મેશન એક્ટ (OIA) વિનંતીના જવાબમાં ન્યુઝીલેન્ડ પોલીસના પ્રોપર્ટી એન્ડ ફ્લીટ ડાયરેક્ટર પોલ ન્યુમેને ચોંકાવનારી વિગતો આપી છે. સત્તાવાર દસ્તાવેજો અનુસાર, 1 જાન્યુઆરી 2023 થી 1 ઓક્ટોબર 2025 ની વચ્ચે ન્યુઝીલેન્ડ પોલીસના વાહનોમાં કુલ 45 વખત ખોટું ફ્યુલ ભરવાની ઘટનાઓ બની છે. આ ભૂલોને સુધારવા માટે કુલ $20,475.42 (GST સિવાય) નો ખર્ચ થયો છે.
વર્ષવાર આંકડા અને સત્તાવાર ખર્ચની વિગતો:
પોલીસ નેશનલ હેડક્વાર્ટર્સ દ્વારા પૂરી પાડવામાં આવેલી ટેબલ 1 ની માહિતી મુજબ:
| કેલેન્ડર વર્ષ | વાહનોની સંખ્યા | સંકળાયેલ ખર્ચ (GST સિવાય) |
| 2023 | 18 | $7,390.48 |
| 2024 | 18 | $8,041.65 |
| 2025 (1 ઓક્ટોબર સુધી) | 9 | $5,043.29 |
| કુલ | 45 | $20,475.42 |
પોલીસની કાર્યપ્રણાલી પર આકરા પ્રહારો
ટેક્સપેયર્સ યુનિયનના ઇન્વેસ્ટિગેશન કોઓર્ડિનેટર રીસ હર્લીએ આ બાબતે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “પોલીસ હાલમાં અનેક કૌભાંડો અને ભરતીના લક્ષ્યાંકો પૂરા ન કરી શકવાને કારણે દબાણમાં છે. તેમ છતાં, કોઈ માત્ર ફ્યુઅલ કેપ તપાસવાની તસ્દી ન લે અને તેના કારણે $21,000 જેવી રકમનો ધુમાડો થાય તે સ્વીકાર્ય નથી.”
તેમણે વધુમાં ઉમેર્યું કે, જનતા અપેક્ષા રાખે છે કે પોલીસ તેમને ફાળવવામાં આવેલી કરોડોની સંપત્તિનું જવાબદારીપૂર્વક સંચાલન કરે. પરંતુ વર્ષો-વર્ષ એકની એક ભૂલનું પુનરાવર્તન થવું એ દર્શાવે છે કે સંસ્થા તેની ભૂલોમાંથી શીખી રહી નથી.
ઘોડેસવારી પર પરત ફરવાનો કટાક્ષ
હર્લીએ કટાક્ષ કરતા એમ પણ કહ્યું કે, જો પોલીસ ઓફિસરો કારમાં કયું બળતણ ભરવું એ નક્કી ન કરી શકતા હોય, તો કદાચ સમય આવી ગયો છે કે કેટલાક અધિકારીઓએ ફરીથી ઘોડા પર સવાર થઈને પેટ્રોલિંગ શરૂ કરવું જોઈએ. તેમણે ચેતવણી આપી કે આ વર્ષે આંકડામાં જે થોડો ઘટાડો દેખાય છે તે શિસ્તને કારણે નહીં, પરંતુ કદાચ એવા નવા વાહનોની ખરીદીને કારણે હોઈ શકે જેમાં ખોટું બળતણ ભરવું અશક્ય હોય.